નવી દિલ્હી: ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના તેના સંબંધો પરના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથેની ખાસ વાતચીતમાં ગંભીરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ કદાચ વધુ પડતી આક્રમક હતી, જે એક ‘પ્રામાણિક ભૂલ’ સમાન હતી.
મતભેદ ખરા, અંગત દ્વેષ નહીં
ગંભીરે કહ્યું, ‘લોકોને લાગે છે કે કોહલી અને રોહિત સાથે મારે દુશ્મની છે, પણ તે સાચું નથી, હા, ડ્રેસિંગ રૂમમાં અમારે કેટલાક મતભેદ જરૂર થયા હતાં પણ તે અંગત કરતા બંને પક્ષે ટીમના હિતની અપેક્ષા સાથે અને પ્રામાણિક અભિગમ સાથેના હતાં. વિરાટ સાથે ડ્રેસિંગ રૂમમાં બેસીને વાત કરી છે. મેં તેને સ્પષ્ટ કહ્યું કે ક્યારેક મારું વલણ કદાચ ખોટું હોઈ શકે, પણ તે હંમેશા રમત પ્રત્યેના ઝનૂનને કારણે હતું. અમે બધા હવે ભારતને જીતાડવા માટે કટિબદ્ધ છીએ. અને એક જ છીએ.
દૃષ્ટિકોણ સમજવો જરૂરી
‘રોહિત સાથેના મતભેદોની વાતો માત્ર અફવા છે. હા, રણનીતિને લઈને અમારા વિચારો અલગ હોઈ શકે છે. પણ તે વિવાદ નથી. મેં સ્વીકાર્યું છે કે કોચ તરીકે મારે ખેલાડીઓના દ્રષ્ટિકોણને વધુ સારી રીતે સમજવાની જરૂર હતી, અને એ મારી ભૂલ હતી કે મેં કદાચ પહેલા આટલી ખુલીને વાત નહોતી કરી.
અનેક અટકળોનો અંત
ગંભીરે ભાવુક થતાં ઉમેર્યું, ‘હું હંમેશા ગંભીર અને આક્રમક દેખાઉ છું, પણ તે ટીમને જીતાડવાની મારી ઈચ્છા છે. જો મારા વ્યવહારથી કોઈને ઠેસ પહોંચી હોય, તો તે મારી ભૂલ હતી.’
ગંભીરની આ કબૂલાતથી સ્પષ્ટ થાય છે કે ગંભીરે પોતાની છબીને બાજુ પર મૂકીને ટીમના હિતમાં નમ્રતા બતાવી આ ઈન્ટરવ્યુએ વર્ષોથી ચાલી આવતી અટકળોનો અંત આણ્યો છે, ગંભીરે કહ્યું હતું કે સારા ઈરાદા સાથેની થતી ભૂલ સ્વીકાર્ય હોવી જોઈએ પણ ખરાબ ઈરાદા સાથેના ખોટા નિર્ણયો સ્વીકાર્ય ન હોવા જોઈએ.


