APPG ગુજરાતી સ્થાપવાનો નિર્ણય મૂર્ખતાપુર્ણ, જૂથોમાં વિભાજનના પ્રયાસનું પાગલપન અટકાવો!

કપિલ દૂદકીઆ Tuesday 04th April 2023 13:17 EDT
 
 

ઘણા વાચકોએ સંદેશાઓ મોકલ્યા છે કે કપિલ અને તેમની ખીચડીને શું થયું છે અને હું ક્યારે પાછો ફરવાનો છું? બરાબર છે દોસ્તો, હું ભારત અને તે પછી સ્પેનમાં લાંબા વેકેશન પર હતો. મેં ઘણું જોયું, ઘણું સાંભળ્યું-શીખ્યો અને ચોક્કસપણે ઘણું માણ્યું પણ છે.

હું થોડા મહિના બહાર હતો તે અરસામાં યુકે અને સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચી ગઈ હોવાનું લાગે છે. મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની યાદી તો લાંબી છે આથી, હું હમણાં તો તાજા મુદ્દાઓ પર વિચારો રજૂ કરીશ.

APPG ગુજરાતી: મને તો ભારે અચંબો થયો છે કે કેટલાક સ્વહિત ધરાવતા ગુજ્જુભાઈઓની ખરાબ સલાહોને માની કેટલાક સાંસદોએ ‘ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી પાર્ટી ગ્રૂપ (APPG) ફોર ગુજરાતીઝ’ સ્થાપવા નિર્ણય કર્યો છે. આ મારી જાણ મુજબના સૌથી મૂર્ખતાપૂર્ણ વિચારોમાં એક છે. મેં તમામ સંબંધિત સાંસદોને મારા વાંધા વિશે જણાવી દીધું છે અને મને આશા છે કે તેઓમાં સમજ આવશે અને ભારતીયોનું વિભાજન કરવાની સૌથી મોટી ભૂલથી દૂર રહેવામાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરશે. મને એક બાબત સ્પષ્ટ કરી લેવા દો કે બ્રિટિશ હિન્દુઓ માટે APPG રચાયેલું જ છે જે આપણી બધી જરૂરિયાતો પૂર્ણ કરે છે. આ જ પ્રમાણે, મુસ્લિમ્સ તેમજ ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશ માટે પણ APPG રચાયેલાં છે. હવે ગુજરાતીઓ માટે નવું ગ્રૂપ રચવાની આ બેવકૂફી (મને જાણ છે ત્યાં સુધી તો મોટા ભાગના અગ્રણી સંગઠનો આ હાસ્યાસ્પદ વિચારનું સમર્થન કરતા નથી)નો અર્થ એ થાય છે કે છેવટે ભારતના દરેક રાજ્ય માટે નવું ગ્રૂપ ઉભું કરાવા લાગશે! ભારત એક સમયે વિભાજિત અને જુલ્મ હેઠળ દબાયેલું હતું. એક ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલને 500થી વધુ રજવાડાંમાંથી ભારત રાષ્ટ્ર અને બધાને ભારતીય તરીકે એક કરવામાં ભારે પુરુષાર્થ કરવો પડ્યો હતો. આજે આપણી પાસે ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી છે જેઓ એકસંપ ભારતને 21મી સદીમાં અગ્રેસર બનાવવા સજ્જ છે.

મને કેટલાક જાણકાર લોકોએ સાવધ કર્યો છે કે લેબર રાજકારણીઓની યોજના APPGને હાઈજેક કરવાની છે જેથી તેઓ ગુજરાતના રમખાણો મુદ્દે ભાજપ અને વડા પ્રધાન મોદીની નિંદા કરી શકે. એમ જણાય છે કે ભારતમાં 2024ની ચૂંટણીને પ્રભાવિત કરવાની પશ્ચિમી ડાબેરીઓની આ મેલી રમત છે. કેટલાક રાજકારણીઓના લાભાર્થે આપણને વિભાજિત કરવાના પ્રયાસના આ પાગલપનને અટકાવવાનો સમય પાકી ગયો છે. હું દરેક સંબંધિત સાંસદને કહું છું કે આ પાગલપન બંધ કરો, મારા અથવા કોઈ પણ સાચા ભારતીયના નામે તમે આમ કરી શકો નહિ.

APPG બ્રિટિશ હિન્દુઝ: 20 માર્ચે હોળીની ઉજવણી પ્રસંગે APPG બ્રિટિશ હિન્દુઝનું પુનઃ લોન્ચિંગ કરાયું છે. APPGના અધ્યક્ષ બોબ બ્લેકમેન MP ટીપ્પણી કરે છે કે,‘હું ચૂંટાયો છું ત્યારથી પાર્લામેન્ટ સાથે ઈન્ટરએક્શન કરવા બ્રિટિશ હિન્દુઓના મજબૂત મંચની રચના માટે કાર્યરત રહ્યો છું. આથી, મને આનંદ છે કે આ સર્વપક્ષી ગ્રૂપ હવે રચાયું છે અને તેને સર્વવ્યાપી આવકાર સાંપડી રહ્યો છે.’ હું હૃદયપૂર્વક આ ગ્રૂપનું સમર્થન કરું છું. જેઓ તેની કામગીરી વિશે જાણવા ઈચ્છતા હોય તેમની વેબસાઈટ https://www.appgbritishhindus.comની મુલાકાત લઈ શકે છે.

લેસ્ટર લેબર અને રેસિઝમ: ગત સપ્તાહે મને જાણ થઈ છે કે લેસ્ટરમાં સ્થાનિક લેબર પાર્ટી દ્વારા બહુમતી હિન્દુ કાઉન્સિલરોને મનસ્વીપણે નાપસંદ-ડીસિલેક્ટ કરવામાં આવ્યા છે. આ કાઉન્સિલરો દાયકાઓથી લેબર પાર્ટીની પડખે રહ્યા છે. હવે તેમની વફાદારીનો બદલો પાર્ટીમાંથી હકાલપટ્ટી કરીને ચૂકવાઈ રહ્યો છે કારણકે તેમણે ઈસ્લામવાદીઓએ લેસ્ટરમાં હિન્દુઓ પર હુમલો કર્યો તેમને પડકારવાની ગુસ્તાખી આખરે કરી જ નાખી હતી. તેમણે લેસ્ટરના લેબર મેયરને પડકારવાની હિંમત કરી જેમણે લેસ્ટરમાં ઈસ્લામવાદીઓ દ્વારા હિન્દુઓ પર હુમલો કેવી રીતે થયો તેની તપાસના સંદર્ભે પોતાના વલણમાં સમાધાન કરી લીધું જણાયું હતું. લેબર પાર્ટીએ જે કર્યું તેનાથી મને આશ્ચર્યુ થયું છે? જરા પણ નહિ. લેબર પાર્ટીમાં ઊંડે ધરબાયેલા હિન્દુફોબિક સ્વભાવ-અભિગમ વિશે મને ચેતવણી મળેલી જ છે. આજે ભારતીય કોમ્યુનિટીના લેબર પાર્ટી માટે મતદાન કરનારા કટ્ટર સમર્થકોને પણ સમજ આવશે તેઓ તેમના ગોરા માલિકોના ગુલામ માત્ર છે. લેસ્ટરમાં (અને દેશમાં પણ) લોકોએ વેળાસર જાગી જવાનો અને આ રેસિસ્ટ પાર્ટીને લાત મારી ફેંકી દેવાનો સમય પાકી ગયો છે. હવે પાણી નેવાં ઉપર વહી રહ્યા છે.

અને છેલ્લે, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર અને સ્કોટિશ નેશનલ પાર્ટીના નેતા બનવા બદલ હમઝા યુસુફને અભિનંદન આપવા સાથે સમાપ્ત કરીશ. યુકેમાં હવે આપણા વડા પ્રધાન ભારતીય મૂળના છે તેમજ લંડનના મેયર સાદિક ખાન અને હવે હમઝા, બંને પાકિસ્તાની મૂળના છે. આયર્લેન્ડના વડા પ્રધાન લીઓ વરાડકર પણ ભારતીય મૂળના છે. આમ, આપણા દેશમાં સમસ્યાઓ પણ છે ત્યારે આપણે સમાનતાઓ વિશે અને તમામ પ્રકારના રેસિઝમને ઉખાડી નાખવા બાબતે ઘણું કરવાનું રહ્યું છે જેથી આપણે બ્રિટન અને બ્રિટિશ લોકો વિશે ગર્વ ધરાવી શકીએ.

જોકે, એક વિચાર એવો પણ આવે છે કે શું આપણે ફર્સ્ટ મિનિસ્ટર અને પ્રાઈમ મિનિસ્ટરને યુકેના વિભાજન (જિન્નાહની અસર!) મુદ્દે આગળ વધતા જોવાનું થશે? આપણે તો એવી જ આશા રાખીએ કે તેઓ વિભાજનની કોઈ પણ વિચારધારાની પહેલા આપણા દેશ અને તેના લોકો માટે વિચારશે.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter