AUKUS સાથે યુકે, યુએસએ અને ઓસ્ટ્રેલિયાની સફર

- રુચિ ઘનશ્યામ Wednesday 22nd September 2021 06:12 EDT
 
 

૧૫ સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા, યુકે અને અમેરિકાએ ઐતિહાસિક ત્રિપક્ષીય સુરક્ષા સમજૂતી AUKUS ની જાહેરાત કરી. આ સમજૂતી હેઠળ અમેરિકા અને યુકે ન્યૂક્લિયર પાવર્ડ (અણુશસ્ત્રથી સજ્જ નહીં) સબમરીનો વિક્સાવવા અને તૈનાત કરવા માટે ઓસ્ટ્રેલિયાને મદદ કરવા સંમત થયા હતા. અમેરિકાએ આ ટેક્નોલોજી હજુ સુધી માત્ર યુકે સાથે શેર કરી છે. ઓસ્ટ્રેલિયા હવે અમેરિકા, યુકે, ચીન, ફ્રાન્સ, રશિયા અને ભારત પછી ન્યૂક્લિયર પાવર્ડ (અણુઉર્જા સંચાલિત) સબમરીનોનો ઉપયોગ કરનારો સાતમો દેશ બન્યો છે. એક વખત અમલી બન્યા પછી AUKUSમાં ઈન્ડો - પેસેફિકમાં પશ્ચિમી સત્તાઓની લશ્કરી હાજરીનો ઉમેરો કરાશે.    

આ સમજૂતીમાં જે દેશ લક્ષ્ય છે તેના નામનો જાહેર ઉલ્લેખ કરાયો નથી. પરંતુ, તેના માટે વધારે કલ્પના કરવાની જરૂર નથી. છેલ્લે કહી શકાય કે તેનો ઉદ્દેશ પોતાની તાકાત વધારી રહેલા ચીનનો સામનો કરવાનો છે. ચીની દળોએ લદાખમાં ભારતીય પ્રદેશના કેટલાંક હિસ્સા પર કબજો જમાવવાનું ચાલુ રાખ્યું છે કે તેના દ્રઢ નિશ્ચયને લીધે સાઉથ ચાઈના સમુદ્ર ખેડવાની સ્વતંત્રતા સામે ખતરો ઉભો થયો છે તેટલું જ નથી, હોંગકોંગ અને તાઈવાન પ્રત્યેના ચીનના વલણથી ચિંતામાં વધારો થયો છે.  
ઓસ્ટ્રેલિયા સાથે પણ ચીનને છેલ્લાં એક વર્ષથી વ્યાપાર વિવાદ ચાલી રહ્યો છે. કોવિડ – ૧૯ મહામારી ક્યાંથી શરૂ થઈ અને તેનું મૂળ કયું તેની નિષ્પક્ષ તપાસ માટે ઓસ્ટ્રેલિયાએ અનુરોધ કર્યો તે પછી ચીને ઓસ્ટ્રેલિયા પર શિક્ષાત્મક વ્યાપાર નિયંત્રણો લાદતા ઓસ્ટ્રેલિયાની કોલસો, જવ, મીટ, ઝીંગા માછલી અને વાઈનની નિકાસને ભારે અસર પહોંચી હતી.

AUKUS સમજૂતીમાં AI અને સાઈબર જેવા ક્ષેત્રોને પણ આવરી લેવાયા છે. તે યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એમ પાંચ દેશો વચ્ચે ઈન્ટેલિજન્સ શેરિંગ પર ધ્યાન આપનારા Five Eyes કરતાં અલગ છે અને તેના મૂળ ૧૯૪૧ના ઓગસ્ટમાં થયેલા એટલાન્ટિક ચાર્ટરમાં છે. તે ૧૯૫૧માં પેસિફિકની સુરક્ષાની જાળવણી માટે થયેલી ANZUS અથવા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને યુનાઈટેડ સ્ટેટ્સ સિક્યુરિટી ટ્રીટી કરતાં પણ અલગ છે.    

યુકે માટે આ સમજૂતી ગ્લોબલ બ્રિટનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. તેમાં બ્રિટનનું બ્રેક્ઝિટ પછીની વિદેશ નીતિનું વિઝન છે. વડા પ્રધાન બોરિસ જહોન્સને આ ડીલ દ્વારા સેંકડો સ્કિલ્ડ જોબની તકો ઉભી થશે તેમ જણાવ્યું, જ્યારે બ્રિટિશ કોમન્સ ફોરેન અફેર્સ કમિટીના ચેર ટોમ ટુગેન્ધાટે તેને ‘ગેમ ચેન્જર’ ગણાવ્યું હતું. ઈયુના ફોરેન પોલીસીના ચીફ જોસેપ બોરેલે જણાવ્યું કે આ ઘટનાથી ઈયુને ‘યુરોપિયન સ્ટ્રેટેજીક ઓટોનોમી’ વિશે વિચારવાની ફરજ પડી છે.  

આ સમજૂતીને લીધે ખાસ કરીને ફ્રાન્સ રોષે ભરાયું હતું કારણ કે તેની પાસે ઓસ્ટ્રેલિયાને કન્વેન્શનલ અટેક ક્લાસ સબમરીનો પૂરી પાડવાનો ૯૦ બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ હતો. ફ્રેન્ચ સરકારે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી તેના રાજદૂતોને પાછા બોલાવી લઈને પોતાની ઉંડી નારાજગી વ્યક્ત કરી, જ્યારે તેના વિદેશ પ્રધાને આ સમજૂતીને ‘પીઠ પાછળ છૂરો ભોંકવા’ જેવી ગણાવી હતી.          

આ અંગે ઓસ્ટ્રેલિયાએ કરેલી સ્પષ્ટતા ફ્રેંચ કોન્ટ્રાક્ટમાં લાંબા વિલંબ સહિતની સમસ્યાઓનો સંકેત આપે છે. ફ્રેંચ પ્રદેશો જ્યાં આવેલા છે તે ઈન્ડો - પેસેફિકમાં લાંબા સમયથી તેનું હિત હોવાથી પણ ફ્રાન્સ ખિન્ન થયું હોય તેમ લાગે છે. ઓસ્ટ્રેલિયાનો મત એવો છે કે તેનો નિર્ણય રાષ્ટ્રહિતને લીધે દ્રઢ થયો હતો.  
કન્વેન્શનલ (પરમાણુરહિત) સબમરીનો નાની હોય છે અને તે ધ્યાનમાં આવ્યા વિના દરિયાકાંઠાની અને સાંકડી નદીઓની નજીક જઈ શકે છે. જોકે, તેને સમયાંતરે સપાટી પર આવવાની જરૂર પડે છે તેને લીધે તે ઈન્ડો - પેસેફિકના લાંબા દરિયાઈ વિસ્તારમાં સરળતાથી નજરે પડી જાય. બીજી બાજુ ન્યૂક્લિયર પાવર્ડ સબમરીનો તેમની પાસે જેટલા સમય સુધી ખોરાકનો જથ્થો ચાલે તેટલું અને ક્રૂની જરૂરિયાતોના આધારે સપાટી પર આવ્યા વિના ખૂબ લાંબા અંતર સુધી જઈ શકે છે.  
ચીને અપેક્ષા મુજબ જ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. પરંતુ, તેના સત્તાવાર મુખપત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ’ની તીખી કોમેન્ટ્સમાં ફરી એક વખત આક્રમકતા અને ઘમંડ સુદ્ધાના દર્શન થયાં, જે આ પ્રકારની સમજૂતીને યોગ્ય ઠેરવીને તેને માન્યતા આપે છે. તેણે ઓસ્ટ્રેલિયાને ઉશ્કેરણી ટાળવાની ચેતવણી
 આપી હતી અથવા ચીન કોઈપણ પ્રકારની દયા દાખવ્યા વિના તેને ચોક્કસપણે સજા કરશે તેમ જણાવીને ઉમેર્યું હતું કે સાઉથ ચાઈના સમુદ્રમાં પોતાના જીવ ગુમાવનારી વેસ્ટર્ન સૈનિકોની પ્રથમ ટુકડી તરીકે ઓસ્ટ્રેલિયન સૈનિકો હોવાની શક્યતા વધુ  છે.          

ઈન્ડો - પેસિફિકમાં ન્યૂક્લિયર ટેક્નોલોજીના પ્રવેશથી આસિયાન દેશો ચિંતિત બન્યા છે અને તેમને શસ્ત્ર સ્પર્ધાની શરૂઆત થવાની દહેશત છે. સાઉથ ચાઈના સમુદ્ર ખેડવાની સ્વતંત્રતાની  ચિંતા, AUKUS અને તેના પર ચીનની પ્રતિક્રિયાને લીધે પ્રદેશમાં તંગદિલી વધી છે. તાઈવાને સમજૂતીને આવકારી છે, જે સમજી શકાય તેમ છે.      

ભારત તો પરંપરાથી ભારતીય સમુદ્રના લશ્કરીકરણનું વિરોધી રહ્યું છે. પરંતુ, ચીનની યુદ્ધતત્પરતાએ ભારત માટે અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાના સમાવેશના ક્વાડમાં મિત્રો સાથે હાથ મિલાવવાનું યોગ્ય ગણાવ્યું છે. ટૂંક સમયમાં વોશિંગ્ટનમાં ક્વાડની સમિટ  યોજાવાની છે. ભારતના મિત્રોની જળવિસ્તારમાં મજબૂત હાજરી અને સમાન વિચારધારાવાળી લોકશાહીને લીધે ચીન પડોશી દેશો પ્રત્યેના વલણમાં  થોડી સાવચેતી વધારશે. AUKUS પછી યુરોપમાં થયેલા વિભાજન સારા સંકેત નથી અને વહેલી તકે તેનું સમાધાન થાય તે જરૂરી છે.          

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter