અખતરા, અનુભવ અને સથવારાનો જીવઃ અરવિંદ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 21st September 2019 10:24 EDT
 
 

દરિયાપારના વસતા ભારતીયોમાં દર ત્રીજી વ્યક્તિ ગુજરાતી છે. દુનિયામાં ઠેર ઠેર એમણે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરી છે. કેટલાક એવા પણ છે કે તેઓ રોટલા રળતા હોય પણ જ્યાં હોય ત્યાં હમવતનીઓને આવકારતા હોય. અજાણ્યાનો આધાર બનતા હોય. સથવારો બનતા હોય. ગજા પ્રમાણે જ્યાં છે ત્યાં સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં સાથ આપીને ગુજરાતીઓની આગવી ઓળખ ચાલુ રાખવામાં પ્રયત્નશીલ હોય એવી વ્યક્તિમાં એક તે અરવિંદ પટેલ. તેમનો સાથ મેળવવા કે આતિથ્ય માણવા કોઈ ભલામણ કે ઓળખાણ ન જોઈએ, પણ તમે ગુજરાતીમાં વાત કરીને મળો એ જ તમારી ઓળખ. આ છે અરવિંદ પટેલ. જર્મનીનું સ્ટુટગાર્ટ નગર જ્યાં વિશ્વની સૌપ્રથમ ઈન્ટરનેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સ ૧૯૦૭માં ભરાઈ હતી જેમાં માદામ કામાએ ભારતનો રાષ્ટ્રધ્વજ રજૂ કર્યો હતો. એની નજીકના લેન્ડાઉ નગરમાં અરવિંદભાઈ, એમનાં પત્ની ઈલાબહેન અને પરિવાર વસ્યો છે.
અરવિંદભાઈની પોતાની એક ફેક્ટરી છે. જેમાં પ્લાસ્ટિક રિસાયક્લિંગ દ્વારા તે પ્લાસ્ટિકના દાણા બનાવે છે. કંપની પાસે આધુનિક મશીનરી હોવાથી ઓછા માણસો દ્વારા વધારે ઉત્પાદન કરે છે. અદ્યતન મશીનરી અને કુશળ સંચાલનથી ૧૨૦૦૦ ચોરસ મીટરમાં પથરાયેલી આ એરોપ્લાસ્ટ કંપનીએ તેની ગુણવત્તા જાળવી રાખી છે. બેલ્જિયમ, સ્વિત્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, ઈટાલી અને જર્મનીમાં તેમનું ઉત્પાદન વેચાઈ જાય છે. કંપની પાસે ૧૦૦ કરતાં વધારે કન્ટેનરો છે. કંપનીનું કાર્યાલય સ્વચ્છ અને સુઆયોજિત છે. એનાં જાહેર વપરાશનાં શૌચાલયની સ્વચ્છતા સૂઝભર્યા વહીવટને છતો કરે છે.
અરવિંદભાઈ અને ઈલાબહેન સાચા અર્થમાં દંપતી છે. સંસ્કૃતમાં દંપતીનો અર્થ છે બે સરખા માલિક. બંને વહીવટકુશળ અને શાલિનતાભર્યા અને અતિથિવત્સલ છે.
અરવિંદભાઈ ભણતર કરતાં ગણતર અને અખતરાથી અનુભવજન્ય આવડત વધારે છે. સાહસની ભાવનાને લીધે ભાતભાતના અખતરા કરીને સાડા છ દસકાના જીવન પછી સ્થિર થયા છે. પાદરા નજીકના હરાપુરા ગામના પુરુષોત્તમ જેઠાભાઈના દીકરા. પુરુષોત્તમભાઈ ગામ પાડોશી ચાણસદના શાંતિલાલ જે પછીના જીવનમાં પ્રમુખસ્વામી મહારાજના સહાધ્યાયી. તે અરવિંદભાઈના પિતા.
અરવિંદભાઈ ભણતાં ભણતાં પિતાનાં બે ટ્રેક્ટર સંભાળતાં. ઘરની જમીન ખેડ્યા પછી બાકીના સમયે બીજાના ખેતર પૈસા લઈને ખેડી આપે. ડ્રાઈવરનો પગાર, ટ્રેક્ટર પાછળનું ખર્ચ અને ઉઘરાણી સંભાળતાં. પાદરા કોલેજમાં બે વર્ષ કાઢ્યાં પછી ભણતરમાં રસ નહીં. આથી મોટા ભાઈ શશીકાંતભાઈની વિદ્યાનગરમાં આવેલી એરોપ્લાસ્ટ કંપનીમાં કામ કરીને ઘડાયા.
૧૯૭૭માં એમના મિત્ર ડભાસીના મહેન્દ્ર પટેલ સાથે ૨૩ વર્ષની વયે જર્મની ફરવા ગયા. ખૂબ ફર્યાં. પ્રવાસ દરમિયાન લાયમન નગરમાં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ મળતાં રહી પડ્યા. બે વર્ષમાં કામ અને ભાષાથી જાણકાર થયા. પછી એલિફન્ટા શૂઝ કંપનીમાં કામ કરતા થયા. આ સમય દરમિયાન મિત્ર યશવંત પટેલનાં પત્ની ઉષાબહેનને મળવા અને લંડનથી જર્મની ફરવા આવેલાં ઈલાબહેન સાથે મુલાકાત થઈ. બંને અપરિણિત હૈયાં પરસ્પર આકર્ષાયાં અને પરણ્યાં.
ઈલાબહેનને જર્મન ભાષા શીખવતા પતિ અરવિંદભાઈ ગુરુ બન્યા. અરવિંદભાઈની નોકરી ચાલુ હતી. પરિશ્રમભર્યું જીવન હતું. ઈલાબહેનને નોકરી મળી. અરવિંદભાઈએ નોકરી છોડીને ભાગીદારીમાં ઈન્ડિયન રેસ્ટોરન્ટ કરી. પછી આઈસ્ક્રીમ શોપ કરી. પછીથી લંડનથી શર્ટ લાવીને પૂર્વ જર્મનીમાં વેચતા થયા. વિવિધ અખતરા અને અનુભવ પછી ૧૯૯૬માં લેન્ડાઉમાં એરોપ્લાસ્ટ કંપની કરી. સતત ૨૩ વર્ષથી કંપની ચાલે છે.
કંપનીના સંચાલનમાં પૈસા કમાયા. માત્ર ૧૦૦ ડોલર લઈને આવેલા અરવિંદભાઈ પાસે જમીનની માલિકી સાથે ફેક્ટરી છે. એમની મોટી કમાણી એમણે સંખ્યાબંધ માણસોને ધંધે વળગાડ્યા તે છે. નાતજાતના ભેદભાવ સિવાય ગુજરાતમાં કેટલાકને લગ્નખર્ચમાં મદદરૂપ થયા છે. છેલ્લા સત્તરેક વર્ષથી લેન્ડાઉમાં નવરાત્રિમાં પોતાના ખર્ચે ગરબા યોજીને ગુજરાતીઓને ભેગા થવાની તક આપે છે, તેમાં નેધરલેન્ડ, ફ્રાન્સ અને જર્મનીનાં બીજાં નગરોમાંથી લોકો આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter