અખાડા અને અરવિંદના છડીધરઃ અંબુભાઈ પુરાણી

દેશવિદેશે ગુજરાત

ચંદ્રકાન્ત પટેલ Saturday 05th October 2019 07:52 EDT
 
 

પહેલું સુખ તે જાતે નર્યા (નીરોગી). આ કહેવત જાણીતી છે. તંદુરસ્ત તન અને તંદુરસ્ત મન હોય તો સુખનો સાગર છલકાય. આ તન અને મનને તંદુરસ્ત રાખતી પ્રવૃત્તિના ગુજરાતી અગ્રણી તે અંબુભાઈ પુરાણી. તેમણે બંને ક્ષેત્રે કામ કર્યું.

વીસમી સદીના આરંભે ગુજરાતી પ્રજામાં વ્યાયામ પ્રત્યે જાગૃતિનો અભાવ હતો. કોઈ પણ માનવીય પ્રવૃત્તિનો પાયો શરીર છે. અશક્ત, માયકાંગલુ શરીર માનવીને ઘણાં કામ કરતા રોકે. છોટુભાઈ અને અંબુભાઈએ ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિની અહાલેક જગાડી. માયકાંગલા ગુજરાતીઓને અખાડા પ્રવૃત્તિ મારફતે સશક્ત, સાહસિક અને નીડર બનાવ્યા અને આથી આઝાદીની લડતમાં લાઠી-ગોળીથી, ડર્યા વિના લડતાં થયાં. ૧૯૪૨ની ભાંગફોડ પ્રવૃત્તિ હોય કે ૧૯૨૧ અને પછીની ગાંધીપ્રેરિત અહિંસક લડતો હોય આ બધામાં અખાડા પ્રવૃત્તિમાં ઘડાયેલા સેંકડો યુવાનો ગુજરાતની શોભા બની રહ્યા.
અંબુભાઈ પુરાણી તે ભરૂચના બાલકૃષ્ણ પુરાણીના ત્રીજા પત્ની જડાવ બહેનના દીકરા. ૧૮૯૪માં તે સુરત મોસાળમાં જન્મ્યા. સાત વર્ષની વયે પિતાનું અવસાન થતાં તે વિધવા મા અને વડીલ ધીરજકાકાની છાયામાં ઉછર્યાં. તેઓ નાનપણમાં ભારે તોફાની હતા. તે રાજપૂત છોકરાઓ સાથે સોટીયુદ્ધ ખેલતા, તરવાના શોખીન અને વડીલો જોખમ લેવાના વિરોધી તેથી નદીએ તરવા જવાની ના પાડે પણ છાનામાના તરવા જાય. બાળપણમાં નર્મદા તટે વહેલી સવારે બેસીને ૧૦૦૦ વાર ગાયત્રી મંત્રનો જાપ કરતા. આના કારણે નાની વયથી જ મન પર કાબૂ પામેલા.
ભરૂચમાં પ્રાથમિક શિક્ષણ લઈને વડીલબંધુ છોટુભાઈને ત્યાં ૧૪ વર્ષની વયે વડોદરા રહેવા લાગ્યા. અહીં ભણતી વખતે ખરાબ અક્ષર અને ગણિતમાં કચાશની પ્રતીતિ થતાં ખૂબ મહેનત લઈને અક્ષર અને ગણિત બંને સુધાર્યાં. મુંબઈ કોલેજમાં ભણવા ગયા અને બી.એસસી. થયા. વધારામાં સંસ્કૃત-અંગ્રેજી અને હિંદી ત્રણેય ભાષાના ખૂબ જાણકાર થયા.
૧૯૦૯માં મોટાભાઈ છોટુભાઈએ શ્રી અરવિંદની પ્રેરણાથી આઝાદીની લડત માટે શૂરવીર, સશક્ત લડવૈયા પેદા કરવાની ઈચ્છાથી વડોદરામાં વ્યાયામ શાળા શરૂ કરી. છોટુભાઈ તો માત્ર દંડ-બેઠક જાણે. છોટુભાઈએ અંબુભાઈને મલ્લવિદ્યા શીખવાડવા માટે યશવંત જોષીના અખાડામાં મોકલ્યા. યશવંતભાઈએ એમને માત્ર ૫૦૦-૫૦૦ દંડ કરાવે, મલખમ કરાવે પણ કુસ્તી ના શીખવે, પણ તેમને ખાનગી પૈસા અને ભેટ-સોગાદ આપનારને બધા ગયા પછી શીખવે. અંબુભાઈએ આ જાણ્યા પછી એ છાનામાના આ બધું જોઈને એકલવ્યની જેમ સ્વયંશિક્ષા પ્રાપ્ત થયા.
અંબુભાઈ અને છોટુભાઈ વ્યાયામ મંદિરના વિદ્યાર્થીઓને પોતાના આચાર મારફતે શ્રમનું મહત્ત્વ પ્રેરતા. વ્યાયામ પ્રવૃત્તિ માટે પૈસા ભેગા કરવા સાબુ બનાવીને જાતે રસ્તા પર ઊભા રહીને વેચતા. અંબુભાઈએ સારા પગારની નોકરીની ઓફર નકારીને ભરૂચ, આણંદ, અમદાવાદ, નડિયાદ, વસો વગેરે સ્થળે દોડાદોડ કરીને વ્યાયામ શાળાઓ શરૂ કરાવી. ત્યાં શીખવવા અને પ્રોત્સાહન આપતા દોડધામ કરતા. અંબુભાઈએ વ્યાયામ માટે ફકીરી લીધેલી. અખાડામાં કુસ્તી કરી કે શીખવીને ઘરે આવે અને ખાવાનું ના હોય તો ચણા-મમરા ફાકી લેતા. એ પણ ના હોય તો પાણી પીને સૂઈ જાય.
અંબુભાઈના હાથ નીચે તૈયાર થયેલી પેઢીએ ૧૯૩૦થી ’૪૨ સુધીની આઝાદીની લડાઈમાં શિસ્તબદ્ધ સૈનિક તરીકે કામ કરીને આઝાદી નજીક લાવવામાં ભારે ભાગ ભજવેલો.
વ્યાયામ પ્રવૃત્તિ દરમિયાન અંબુભાઈ શ્રી અરવિંદના સાહિત્યનું અધ્યયન કરતાં કરતાં અરવિંદમય થતા ગયા. ૧૯૧૮માં તેઓ પોંડિચેરી જઈને શ્રી અરવિંદને મળ્યા. શ્રી અરવિંદે કહ્યું, ‘હિંદને આઝાદ કરવા માટે ક્રાંતિકારી લડત, અંગ્રેજોને મારવા કે બળવો કરવાની જરૂર નહીં પડે. કાલે સૂર્ય ઊગશે એટલી જ ખાતરી હિંદને આઝાદ થવાની છે. યોગ-સાધના માટે તને સાદ થયો છે તો તેના પર એકાગ્ર થાય તો સારું.’ અંબુભાઈનું ધ્યાન આ પછી સાધના તરફ વધ્યું અને ૧૯૨૪થી તે અરવિંદ આશ્રમના અંતેવાસી બન્યાં.
પોંડિચેરીથી તે ગુજરાતની વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંપર્ક રાખતા. મિત્રો પાસે પૈસા મેળવીને એમણે આશ્રમનાં ત્રણ મકાન બનાવ્યાં. આશ્રમમાં વ્યાયામ અને રમતગમતની પ્રવૃત્તિ વિક્સાવી. ૧૯૧૮થી ૧૯૬૫ સુધીમાં તેમણે ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં. શ્રી માતાજીનો ગુજરાતને પરિચય કરાવવામાં અંબુભાઈના સાહિત્યનું ખાસ પ્રદાન છે. ૧૯૬૩માં અંબુભાઈનું ૬૯ વર્ષની વયે અવસાન થયું.
સુંદરમે લખ્યુંઃ અંબુભાઈની સાધનાએ ગુજરાતને સાધના કરતું કર્યું. પૂજ્ય મોટાએ લખ્યુંઃ ગુજરાત પર અંબુભાઈનું ઋણ છે. ગુજરાતે તેમની યોગ્ય કદર કરી નથી. મહાત્મા ગાંધીએ પુરાણીબંધુઓને ગુજરાતનાં રત્નો કહ્યાં. કનૈયાલાલ મુન્શીએ લખેલું, પુરાણીના ચેલા એટલે જીવતાજાગતા અખાડા.
અંબુભાઈ પુરાણી આજે નથી, પણ ગુજરાતને ખમીરવંતા યુવકો પૂરા પાડવાનું તેમનું કામ સ્મરણીય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter