જીવનનો સારો સમય એટલે એવો સમય કે જ્યારે સમાજમાં દરેક ઇચ્છિત સ્વરૂપની સ્થિરતા પ્રાપ્ત થઈ હોય. આર્થિક સ્થિતિને કારણે જરૂરિયાત મુજબની કે તેનાથી સારી સુખ સગવડતા પ્રાપ્ત થઈ હોય, કુટુંબ તથા સમાજમાં માન-સન્માન હોય, ભવિષ્ય માટે કોઈ ચિંતા ન હોય અને સ્નેહીજનો પણ સુખી હોય. આ પરિસ્થિતિ વ્યવસ્થિત આયોજન સાથેનાં પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે. સારો દિવસ એટલે જ્યારે મન શાંત હોય, સંતોષની અનુભૂતિ હોય, સકારાત્મક ઉર્જા અનુભવાતી હોય, બધું જ યથાસ્થાને જણાતું હોય, કોઈપણ પ્રકારનો ઉદ્વેગ ન હોય, ધારેલું કાર્ય પાર પાડવા માટે આત્મવિશ્વાસ પણ હોય અને સંભાવના પણ હોય, આબોહવા ખુશનુમા હોય અને સમય સાથે તાલમેલ મેળવવાનું સરળ હોય. આ બાબતોમાં વ્યક્તિના પુરુષાર્થ ઉપરાંત આબોહવા જેવાં, પ્રકૃતિનાં સ્થાપિત પરિબળો પણ ભાગ ભજવે. મુહૂર્ત એટલે આશરે 48 મિનિટનો એવો કાળખંડ કે જ્યારે પ્રકૃતિના પરિબળોને આધારે ચોક્કસ પ્રકારનો સૂક્ષ્મ માહોલ હોય. સારા સમય માટે પુરુષાર્થ મહત્ત્વનો હોય, સારા દિવસ માટે પુરુષાર્થ અને પ્રકૃતિ દ્વારા નિર્ધારિત કરાયેલી બાબતોનું સંયુક્ત મહત્ત્વ જ્યારે સારું મુહૂર્ત સંપૂર્ણપણે પ્રકૃતિ દ્વારા જ નિર્ધારિત થાય.
મુહૂર્ત એટલે એવો કાળખંડ કે જ્યારે ચોક્કસ પ્રકારની સુક્ષ્મ પરિસ્થિતિ પ્રવર્તમાન હોય. મુહૂર્ત શુભ પણ હોઈ શકે અને અશુભ પણ. સનાતની સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય શરૂ કરતી વખતે શુભ-મુહૂર્ત પ્રવર્તમાન હોય તેવો આગ્રહ રખાતો હોય છે. ‘શુભ મુહૂર્ત’માં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અનુકૂળ હોય, તેમનું તિથિ-વાર સાથેનું સમીકરણ સકારાત્મક હોય, મુહૂર્તનો સમગ્ર કાળખંડ અશુભ શક્તિનાં દરેક પ્રકારના પ્રભાવથી મુક્ત હોય અને આ બધાંને કારણે એક ઈચ્છનીય ઊર્જા પ્રવર્તમાન હોય. એક પ્રકારની સકારાત્મક મનોભાવના અને શ્રદ્ધાને કારણે શુભ મુહૂર્તમાં આરંભાયેલા કાર્યની સફળતાની સંભાવના આમ પણ વધી જાય. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જ્યારે મન ‘સારપ’ની ધારણા બાંધે ત્યારે તે પ્રકારની પરિસ્થિતિ સ્થાપિત થવાની સંભાવના ઊભી થતી હોય છે.
સનાતની સંસ્કૃતિમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અને વસંત પંચમીને અતિ ‘શુભ’ દિવસો ગણવામાં આવે છે. વસંત પંચમી માઘ મહિનાની સુદ પાંચમે અને અખાત્રીજ વૈશાખ મહિનાની સુદ ત્રીજ (આ વર્ષે 19 એપ્રિલ)ના દિવસે આવે છે. આ બંને દિવસ ‘વણજોયું મુહૂર્ત’ હોવાથી આ દિવસોમાં કોઈપણ શુભ કાર્ય કરી શકાય. અખાત્રીજનું મહત્ત્વ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે જોડાયેલું છે જ્યારે વસંત પંચમીના દિવસે જ્ઞાન, કલા અને શિક્ષણના દેવી માતા સરસ્વતીનું મહત્ત્વ હોય છે. આ બંને દિવસે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી. આમ તો સનાતનની સંસ્કૃતિમાં આ બંને દિવસને અતિ શુભ માનવામાં આવે છે. છતાં પણ એમ કહી શકાય કે ધન, લગ્ન, ઘર-ખરીદી તથા વાણિજ્ય માટે અખાત્રીજ શ્રેષ્ઠ છે જ્યારે જ્ઞાન, શિક્ષણ, કલા માટે વસંત પંચમી.
સૂર્ય અને ચંદ્ર બંને ઉચ્ચ સ્થિતિમાં હોવાથી અખાત્રીજ એટલે અક્ષય તૃતીયાના દિવસે, જ્યોતિષ-શાસ્ત્ર પ્રમાણે, બધાં જ મુહૂર્ત શુભ હોય છે. તે દિવસે અન્ય ગ્રહો અને નક્ષત્ર સાથે સ્થાનિક પરિસ્થિતિ પણ સર્જનાત્મક ઊર્જાથી પરસ્પર સંકળાયેલાં હોય છે. અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય નથી થતો, જે અક્ષર છે, સનાતન છે, શાશ્વત છે, અખંડ છે, નિત્ય છે અને અમર છે. આધ્યાત્મિક વિજ્ઞાન પ્રમાણે આ બધાં ગુણ બ્રહ્મના છે. અર્થાત્ અક્ષય તૃતીયાનું જોડાણ બ્રહ્મ સાથે છે. આ દિવસે કરાયેલાં પ્રત્યેક શુભકામનું પરિણામ અક્ષય રહેતું હોય છે; જેથી આ દિવસે દાન, તપ, ભક્તિ, પૂજા, જેવાં કર્મનું વધુ મહત્ત્વ રહે છે.
સનાતની સંસ્કૃતિ અનુસાર આ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. પૌરાણિક ઇતિહાસ મુજબ આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો, સ્વર્ગથી પવિત્ર ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ થયું હતું તથા વેદવ્યાસજી દ્વારા શ્રી ગણેશ પાસે મહાભારત લખાવવાની શરૂઆત પણ આજના દિવસે જ થઈ હતી. કેટલાંક સંશોધનોને આધારે એમ પણ કહી શકાય કે પાંડવોને તેમનાં વનવાસ દરમિયાન આ દિવસે શ્રીકૃષ્ણ દ્વારા અક્ષય-પાત્ર અપાયેલું. આધુનિક સમયમાં આ દિવસે જ બદ્રીનાથ ધામના કપાટ ખુલે છે. અખાત્રીજનું મહત્ત્વ હોય તે સ્વાભાવિક છે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે જગન્નાથજીની રથયાત્રા માટેનાં રથ બનાવવાનું કામ આ દિવસે જ શરૂ થાય છે. એમ કહી શકાય કે આ દિવસે ધર્મ, આધ્યાત્મ, સામાજિક સેવા અને વ્યક્તિગત શ્રેયની તક એક સાથે મળે છે.
આ દિવસે કરેલા પુણ્ય કર્મ ક્યારેય નાશ પામતા નથી; તેથી અખાત્રીજના દિવસે કરાયેલા દાનનું, પરોપકારનું, ધાર્મિક ક્રિયાઓનું ખાસ મહત્ત્વ છે. શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા-ઉપાસના કરવી, ગરીબ-વંચિતને અન્ન - પાણી - વસ્ત્રનું દાન કરવું, મંત્રનો કે પ્રભુ નામનો જાપ કરવો, ઉપવાસ કરવો અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો; અખાત્રીજના દિવસે કરાતી આ કેટલી મુખ્ય ધાર્મિક ક્રિયાઓ છે. તે દિવસે સંયમ અને પવિત્રતાનું પણ મહત્ત્વ છે. લગ્ન માટે, ભગવાનના શણગાર તથા વાઘા બનાવવા માટે આ દિવસને શુભ ગણવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સંયુક્ત કૃપા પ્રાપ્ત થવાની સંભાવના વધુ હોવાથી અને આ દિવસે કરાયેલ ખરીદી પણ કાયમ રહેતી હોવાની માન્યતા હોવાથી અખાત્રીજના દિવસે સોનું અને અન્ય સંપત્તિની ખરીદી પણ થતી હોય છે.
ધારેલું કાર્ય સફળતાપૂર્વક પાર પડે તેવી અપેક્ષા અને આશા દરેકને હોય. આમાં જ્યારે બાબત વધુ ગંભીર હોય ત્યારે કોઈપણ પ્રકારે નકારાત્મકતા - જોખમની સંભાવના ન હોવી જોઈએ. તેથી સારા મુહૂર્તનું અહીં મહત્ત્વ હોય. ગીતામાં પણ જણાવાયું છે કે, કોઈપણ બાબત સિદ્ધ થવા પાછળ પાંચ કારણો હોય છે; અધિષ્ઠાન, કર્તા, ઉપયોગમાં લેવાયેલાં સાધનો, વિધ વિધ ક્રિયાઓ અને પાંચમું ‘દૈવ’ અર્થાત નસીબ. એક દૃષ્ટિકોણ પ્રમાણે આ ‘દૈવ’ એટલે ગ્રહોની સ્થિતિને આધારે સ્થાપિત થતી પરિસ્થિતિ. દૈવનો પ્રભાવ સકારાત્મક રહે તે માટે સારું મુહૂર્ત જરૂરી છે. તેથી જ, જ્યાં સફળતાનું મહત્ત્વ હોય ત્યાં તે પ્રકારનું કાર્ય આ દિવસે શરૂ થાય તેવો આગ્રહ રખાતો હોય છે. ‘ભગવત ગીતા’ મુજબ આ સ્વાભાવિક પણ છે અને તર્કબદ્ધ પણ છે.


