અધૂરપ છતાં જીવનને સાર્થક બનાવતી જિજીવિષા

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 27th November 2017 03:30 EST
 

‘હવે આ ઉંમરે તમારે વળી શેનું બ્યુટી પાર્લરમાં જવાનું કે હેર સ્ટાઈલિસ્ટને ત્યાં જવાનું હેં?!’
કોમ્યુપ્ટર પર પોતાનું કામ કરતાં કરતાં, મારા ચહેરાની સામે પણ જોયા વિના, મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં ઠાવકાઈ સાથે મિલનમામાએ કહ્યું.
નામ મિલન કિડેચા. મૂળ વતન ઉના તાલુકાનું ગામ ધોકડવા. હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ લીધું ને પછી કોઈ વ્યવસાયમાં સેટ થઈને પરિશ્રમ કરવાના મનોબળ સાથે વર્ષ ૨૦૦૦માં અમદાવાદ આવ્યા. મિલનસાર સ્વભાવ એટલે બધાની સાથે એમની દોસ્તી. ધીમું પણ માર્મિક હાસ્ય સતત એમના ચહેરા પર રમતું હોય. ઈશ્વરે એમને શારિરીક ઊંચાઈ ઓછી આપી હતી, પરંતુ માનવતાની દૃષ્ટિએ મુઠ્ઠી ઊંચેરા માનવી હતા મિલનભાઈ.
અમદાવાદ આવીને એમના બહેન શોભના અને બનેવી મણિલાલ સાથે રહેતા થયા. વચ્ચે વળી થોડાંક વર્ષો સુરત પણ રહી આવ્યા. એમના લગ્ન થયા ન હતા, પરંતુ લગ્નજીવનના, દામ્પત્યજીવનના પ્રશ્નોના ઉત્તરો હંમેશા એમની પાસેથી અમે સાંભળવા માટે ઉત્સુક રહેતા. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ, પ્રેમ અને ગુસ્સો, આનંદ અને વિષાદ આ બધાનો એમને વ્યક્તિગત રીતે કોઈ અનુભવ નહીં, પરંતુ એ અવલોકનના જબરા જાણકાર હતા. પરિણામે એમના તરફથી જે કાંઈ કોમેન્ટ કે ઉત્તર આવે એમાં નિર્દોષતા, સત્ય, મધુરતા અને ટીખળ હોવાની સાથે સાથે જિંદગીનું સત્ય પણ જરૂર સમાયેલું હોય. શોભનાબહેનના ભાઈ હોવાના નાતે છોકરાઓ ‘મામા’ સંબોધન કરે એટલે મિલનભાઈ સહુના ‘મિલનમામા’ બની રહ્યા હતા.
છેલ્લા ચારેક વર્ષથી શરૂ થયેલા પ્રતિષ્ઠિત સામાયિક ‘આર્ટ બ્યુટી’નું માર્કેટિંગનું કામ એ સંભાળતા હતા. આ બાબતે સતત ટેલિફોન-સોશિયલ મીડિયા વગેરે સાથે તેઓ જોડાયેલા રહ્યા. અંકનું મેટર સમયસર તૈયાર થાય, એનો લેઆઉટ-ડિઝાઈનિંગ સમયસર થાય, એડવર્ટાઈઝને ન્યાય મળે અને ગ્રાહકો સુધી સમયસર અંક પહોંચે એની પૂરતી કાળજી લેતા.
સરળ સ્વભાવ, કામથી કામ, વાતે વાતે ટહુકા કરે, આનંદ કરે અને કરાવે. ક્યારેક મોડી રાત સુધી કામ કરવાનું આવે તો એ પણ બધાની સાથે બેસે, જાગે, હળવાશથી કામને અનુરૂપ વાતાવરણ બનાવે અને આરંભે અધૂરું લાગતું કામ પૂરું થાય એટલે વહેલી સવારે છોકરાઓને કહે, ‘જાવ છોકરાવ, બહુ કામ કર્યું, હવે ઘરે જઈને સૂઈ જાવ.’
ગુજરાતના બ્યુટી પાર્લરોના સંચાલકો સાથે જીવંત સંબંધ. એમના વર્કશોપ ને સેમિનારમાં એમની હાજરી સહુને આનંદ આપે.
આવા પ્રેમાળ માણસને થોડા સમય પહેલાં એકાએક સ્વાઈન ફ્લુનો રોગ લાગુ પડ્યો ને થોડા કલાકોમાં મિલન કિડેચાનું શરીર શાંત થઈ ગયું... એમણે જ લેખના આરંભે ટોણો મારીને પ્રેમથી જે બ્યુટી પાર્લર કે હેર સ્ટાઈલિસ્ટને ત્યાં મારું કામ ગોઠવી આપ્યું હતું એને ત્યાં જવાનું થાય ત્યારે કે મિત્રો મળે ત્યારે સહુ એમને યાદ કરે અને કહે, ‘મિલનમામા એટલે મોજીલામામા.’

•••

જીવનના આરંભની ક્ષણથી જ મૃત્યુનો સમય ઈશ્વરે નક્કી કરી લીધો હોય છે. આ વચ્ચેના સમયગાળામાં માણસ તરીકે જે સમયમાં આપણે જીવીએ એમાં એવા સદ્ગુણો સમાયેલા હોય કે શરીર ન રહે પણ મધુરા સ્મરણ રહે છે.
ઈશ્વરે ક્યાંક કશુંક ઓછું આપ્યાની અધૂરપથી પીડાવાને બદલે જે મળ્યું છે એનો જલસો કરી લેવાની જિજીવિષા જ માણસના જીવનને સાર્થક બનાવતી હોય છે. આપણી આસપાસ આવા બીજાને નડ્યા વિના, ઉપયોગી થઈને મોજથી જીવનારા માણસો જોડે આપણું મિલન થાય ત્યારે જીવનની મસ્તીના-મહોબ્બતના અજવાળા રેલાતા હોય છે.

લાઇટ હાઉસ

મિ - એટલે મીઠાશ, લ - એટલે લગન, ન - એટલે નમ્રતા...
મિલનમામા માટે પ્રફુલ્લ પંડ્યાએ કહેલા શબ્દો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter