અવલોકન અને અભ્યાસ થકી બોધપાઠ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 23rd December 2019 16:40 EST
 

એક યુવાન કમ્પ્યુટર પર કોઈ મહત્ત્વનું ફોર્મ ભરી રહ્યો હતો. કમ્પ્યુટરનું કર્સર એ રીતે એ ફેરવતો હતો કે જાણે કોઈક બાઈકર ઝીગઝેગ ડ્રાઈવ કરતો હોય. એને જ્યાં કર્સર મૂકવાનું હોય તો ત્યાં જતાં પહેલાં ડાબે-જમણે, ઉપર-નીચે એમ ક્યાંયે ફરી આવે અને પછી મૂળ જગ્યાએ જાય.
ચંચળતા એના સ્વભાવમાં હતી. એકાગ્રતા સાથે કામ કરવાની આદત ઓછી હતી. ચીવટ અને કાળજી બાબતે ઓછી જાગૃતિ એટલે કામ જરૂર કરે, પરંતુ એમાં ગંભીરતા ઓછી. સરવાળે કામમાં ક્યાંક અધૂરપ રહે, ભૂલ થાય, સુધારવા બમણી મહેનત કરવી પડે. ઈન્ટરનેટ કનેક્શન સ્પીડમાં ન ચાલે તો પણ બે યાર... કરીને સાધનોને આમતેમ કર્યા કરે એમાં સમય અને બુદ્ધિ બંને બગાડે. એ દિવસે પણ એવું જ થયું. સાવ સહજ વિગતો ભરવામાં એણે બે ભૂલો કરી. ઓનલાઈન ફોર્મ હતું. સહી પણ કરી હતી. બીજા દિવસે ધ્યાને ચડ્યું કે આવી ભૂલ થઈ છે. હવે શું? ફોર્મ ભર્યા બાદ રૂબરૂ ઈન્ટરવ્યુ સમયે કહ્યું કે આ બે વિગતો શરતચૂકથી ખોટી ભરાઈ છે. પેલા અધિકારીએ વળી માનવતાપૂર્ણ અભિગમથી ઠપકો પણ આપ્યો ને ત્યાં ભૂલો સુધારી પણ આપી.

‘ડેડી, મારા ઈન્કમટેક્સના પેપર્સ અને બેન્ક-ફાઈલ અંકલને આપવાના છે. તમે આપી આવશો?
‘હા, બેટા. હું આપી આવીશ.’ ડેડીએ જવાબ આપ્યો. સવારે ૧૧ વાગ્યે પણ ખરા. એ કન્સલ્ટન્ટ એમના મિત્ર એટલે ચા-પાણી પીધા, વાતો કરી. કાગળો આપીને નીકળ્યા. પેલા કન્સલ્ટન્ટે પૂછ્યું કે ‘બધા પેપર્સ આવી ગયા ને?’ તો કહે હા. બપોરે ઘરે પરત આવ્યા. અચાનક ધ્યાન પડ્યું કે ત્રણ-ચાર પેપર્સ રહી ગયા છે આપવાના એટલે બપોરે ફરી ૪-૫ કિલોમીટર દૂર ઓફિસે ગયા. ‘સોરી સોરી, આ પેપર્સ આપવાના રહી ગયા.’ કહીને બેઠાં. ચા પીધી. એકાદ-બે કોલ મોબાઈલમાં રિસીવ કર્યાં. ઘરે પરત ફર્યા. ઘરે આવીને ખ્યાલ આવ્યો કે મારો ફોન તો ક્યાંક રહી ગયો. પેલી ઓફિસે જ રહી ગયો હશે એમ માનીને ફોન કર્યો તો મિત્રે જ ઉપાડ્યો. ‘અરે ભઇ, ફોન તું અહીં ભૂલી ગયો છે. અહીં આવીને લઈ જા આ તારો ફોન...’ ફરી ત્યાં જવાનું થયું એ સજ્જનને.
ઉતાવળ, બેકાળજી, ઊભા થતાં કે નીકળતાં પોતાની વસ્તુ ચેક ન કરવાની આદત, જે ગણો તે, એક જ ધક્કે જે કામ પૂરું થાત એ માટે ત્રણ ધક્કા થયા ને સમય-નાણાંનો બગાડ પણ. ઉચાટ-ચિંતા-ઉદ્વેગ નફામાં. તન-મનની સ્થિરતા, ચોક્સાઈ અને કાળજી હોય તો આવું ન થાય!

લગ્નપ્રસંગ નિમિત્તે ભોજન સમારંભ ચાલતો હતો. સહુ બુફે-ડીનરમાં પોતપોતાના ગ્રૂપમાં જમતાં હતાં. એક બહેન વાતવાતમાં બીજા બહેનને અથવા સાથે ઊભેલા સહુને પોતાની વાત કહેતા હતા. એમની વાતના મૂળમાં એ વાત સમાયેલી હતી કે સો ટકા સમર્પિત થઈને કરી શકાય તો જ હું કામ સ્વીકારું અને તે મુજબ જ કરું.
સ્વાભાવિક છે કે આવી વ્યક્તિ એમના કામમાં મોટા ભાગે સફળ થાય જ.
ઘટના ત્રણ છે. ત્રણેનો સંદેશ પણ અલગ છે, પણ વાત એમાંથી આપણને મળતી જાગૃતિની છે.

•••

મારા અને તમારા જીવનમાં બનતી આવી નાની-નાની ઘટનાઓ તરફ આપણે ધ્યાન આપતા નથી, અથવા તો નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ આવી ઘટનાઓ જ આપણને અમૂલ્ય બોધપાઠ આપતી હોય છે. આંખ-કાન ખુલ્લા રાખવાથી અવલોકન કે અભ્યાસ કરવાથી આપણને ઘણી શીખ મળી શકે છે. બીજાના અનુભવો, બીજાના જીવન પ્રસંગો આપણા માટે ઉદાહરણરૂપ બની શકે છે. અવલોકન અને અભ્યાસ એ માનવજીવનની મહત્ત્વની સંવેદના છે, એના કારણે પણ આપણા જીવનમાં અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter