અષાઢના આગમન સાથે પર્વોની હારમાળાનો આરંભ

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 13th July 2021 10:34 EDT
 

અષાઢ આયો...

ઉત્સવોની ભીનાશ લાયો’
આષાઢસ્ય પ્રથમ દિવસે... કવિ કાલિદાસે મેઘદૂતમાં લખેલો આ શ્લોક ખુબ જાણીતો છે. અષાઢ આવે ને આકાશમાં વાદળો ગોરંભાય, અષાઢ આવે ને ઉકળાટ ઓછો થાય, અષાઢ આવે ને માટીમાંથી વરસાદના પાણીની ખુશ્બુ પ્રસરે, અષાઢ આવે ને મન નાચી ઊઠે. અષાઢ આવે ને મન-તન ઊર્જા ને ઉલ્લાસથી છલકાય, અષાઢ આવે ને ચાર મહિનાનો જાણે ભારતીય સંસ્કૃતિના ઉત્સવોનો સમયગાળો શરૂ થાય.
અષાઢના આરંભે અષાઢી બીજનો ઉત્સવ ઊજવાય. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભક્તિમય વાતાવરણ સર્જાય અને એમાં ભળે કચ્છી નવા વર્ષની ઊજવણીનો આનંદ. એ પછી જૈન અષાઢી અઠ્ઠાઈનો પ્રારંભ, દેવશયની એકાદશી, મોળાકત એટલે કે ગૌરીવ્રતનો આરંભ. જયાપાર્વતી વ્રત, ગુરુપૂર્ણિમા, હિંડોળા પ્રારંભ, દિવાસો, સ્વાતંત્ર્ય દિન, ગોસ્વામી તુલસીદાસજી જયંતી, રક્ષાબંધન, નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી, નંદ મહોત્સવ, પર્યુષણ, ગણેશોત્સવ, રામદેવપીર નવરાત્રી, અંબાજીનો મેળો, શારદીય નવરાત્રી, શરદપૂનમ અને પછી વાઘબારસથી દિવાળી સુધીના દિવાળીના દિવસો. ભારતીય સંસ્કૃતિના કેલેન્ડરમાં ઋતુચક્રને અનુરૂપ આટલા તહેવારો આ ચાર મહિનામાં ઊજવાશે.
અષાઢથી આરંભનો વર્ષાઋતુનો ઉત્સવ પણ પ્રાકૃતિક રીતે એટલો જ મહત્ત્વપૂર્ણ બની રહે છે. વરસાદ આવે, હરિયાળી છવાય, ઝરણાઓ વહે, નદી-નાળા-તળાવ છલકાય... આપણી સંસ્કૃતિ મોટા ભાગે નદીકિનારે વિક્સી છે એટલે ઘણા ઉત્સવો પણ નદીકાંઠે ઊજવાય. લોકસમૂહ પણ આસપાસના સ્થળોએ પ્રવાસનમાં ઉમટી પડે. ધાર્મિક ઉત્સવો હોય એટલે મેળા પણ હોય અને મેળામાં માણસોનો જુવાળ પણ હોય. આ જુવાળ જુસ્સો આપે જીવવા માટે, આ જુવાળ જોશ આપે જિંદગીની તકલીફોમાંથી બહાર આવવા માટે. આખરે માણસ માણસને મળે એટલે તહેવાર સહજ રીતે ઊજવાય છે. મિલન-મુલાકાત પણ ઉત્સવ બની જાય છે.
વરસાદમાં પલળવાની, છપાક પાણી ઊડાડવાની, કાગળની હોડી બનાવીને તરતી મૂકવાની, ગરમાગરમ દાળવડાં કે ભજીયા ખાવાની મજા જેમણે જેમણે લીધી હોય એમને અષાઢી આનંદનો અનુભવ હોય. આવા અષાઢી વાતાવરણમાં મન ઉત્સવમય બને, તન આનંદમય બને અને આસપાસ ઉત્સવોના દીવડા પ્રગટે ને એમાં ઉલ્લાસનાં અજવાળાં રેલાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter