આંતરિક અંધકારને ભેદે અને આંતરિક જગતને ઝળાંહળાં કરે તે ગુરુ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 11th July 2022 07:52 EDT
 
 

ગુરુપૂર્ણિમાના ઉત્સવની સંવેદના અભિવ્યક્ત કોઈ કરતું હતું ને એમણે કહ્યું, ‘જે ઘડે છે તે ગુરુ છે. આશીર્વાદ માંગવા ન પડે પણ સહજપણે જેમની કૃપાની અનુભૂતિ સતત થયા કરે તે ગુરુ છે. ગુરુકૃપાની અનુભૂતિ થાય ત્યારે સમજાય નહીં પમાય. ગુરુકૃપાની અનુભૂતિ થાય ત્યારે સફળતાનો નહિ, સાર્થકતાનો અનુભવ થાય. ગુરુકૃપાની અનુભૂતિ થાય ત્યારે કારણ વિના પ્રસન્ન પણ થવાય અને કારણ વિના અશ્રુ પણ આવી જાય.

અષાઢ મહિનો શરૂ થાય ને વાતાવરણમાં સૂર-શબ્દમાં ગુરુ મહિમા એકાકાર થઈને સંભળાયા કરે. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ. મૂળમાં આ દિવસે પુરાણોની રચના કરનારા અને વેદગ્રંથો આપનારા વેદ વ્યાસજીનો જન્મ થયો હતો એટલે વ્યાસ જયંતીના નામે આ દિવસ ઓળખાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન થાય છે. અભ્યાસ અને અધ્યાત્મ, એમ બંને ક્ષેત્રમાં જ્ઞાન આપનારા ગુરુઓનું સન્માન અને પૂજન કરવાની પરંપરા રહી છે.
ગુરુ એક શબ્દ છે, જેમાં બે અક્ષર છે, ગુ એટલે અંધકાર અને રુ એટલે દૂર કરનાર, આમ જે આપણા અંધકારને દૂર કરે છે તે ગુરુ છે. અંધકાર એટલે કયો? માત્ર રોશનીનો ઝગમગાટ કે સૂરજનું અજવાળું ન હોય અને જે સર્જાય તે જ અંધકાર? ના... એ તે અંધકાર છે જે વાદળાં છવાય, વરસાદ વરસે ને અંધકાર છવાય, રાત્રે અંધકાર છવાય ને ઊર્જાના કનેક્શન - વીજળી ગુલ થાય ત્યારે પણ અંધકાર છવાય. આ બાહ્ય અંધકાર છવાય ત્યારે આપણી અંદર એક ડર પેદા થાય છે એ ડરને જે દૂ કરે છે એ ડરની પળે જે આપણી સાથે - આપણી આસપાસ હોવાની અનુભૂતિ થાય છે તે ગુરુ છે. ગુરુ અસુવિધામાં અટવાયેલા શિષ્યના પર કૃપા કરે ને એના કામો સફળ થાય તે વાતથી વધુ ઊંડી અનુભૂતિ એ છે કે ગુરુ સુવિધાને અસુવિધાની પ્રત્યેક પળે આસપાસ છે એ અનુભૂતિ થવી ગમેતેવી મુશ્કેલ પરિસ્થિતમાંથી મારા ગુરુ મને ઉગારી લેશે એવી સાચી અને સમર્પિત શ્રદ્ધા હૃદયમાં પ્રગટ થાય એ સાચી ગુરુભક્તિ છે. આ શ્રદ્ધા જ અંધકારને દૂર કરે છે અને એ જ ગુરુકૃપાની અનુભૂતિ છે.
નબળા કે ખોટા વિચાર આવે અને મનને બ્રેક લાગે, એ વિચારોના વમળમાંથી મન છૂટું પડે, એના બદલે સાચી દિશાના મજબૂત અને શુદ્ધ વિચાર આવે ત્યારે માનવું કે આ ગુરુકૃપા છે. ગુરુ આંતરિક અંધકારને ભેદે છે અને આંતરિક જગતને ઝળાંહળાં કરે છે.
ભગવાન દત્તાત્રેયને એક વાર યદુ રાજાએ એમના ગુરુનું નામ પૂછ્યું તો ‘આત્મા મારો ગુરુ છે’ એમ કહી 24 નામ આપ્યા હતાં જેમાં માણસ પણ છે ને પ્રકૃતિના પાંચ તત્વો પણ છે. જ્ઞાન મેળવવું છે એના માટે કોઈ પણ ઊંમરે - ક્યાંય પણથી જ્ઞાન મળી શકે છે. ગુરુકૃપા અનુભવાય ત્યારે અનાયાસ એવા એવા અઘરા પ્રશ્નોના સરળ ઉત્તરો મળી આવે છે. જેની આપણને નવાઈ લાગે છે, આ ગુરુકૃપા નહીં તો બીજું શું છે? એક શ્લોક-ચોપાઈ-દોહા-સાખી પંક્તિ કે સૂત્રમાંથી યોગ્ય સમયે આપણી યોગ્ય સમજ વિકસે છે અને એનો અર્થબોધ આપણને સમજણના અજવાળાં પાથરી આપે છે તો એ અર્થમાં ત્યારે આપણને પ્રાપ્ત જ્ઞાન જ્યાંથી મળ્યું તે પણ ગુરુ જ છે - એના રચનાર પણ ગુરુ છે.
ગુરુનો મહિમા અનંત છે એથી તો ભજન પરંપરામાં ગવાયું છે ‘ગુરુ તારો પાર ન પાયો...’ ગુરુનું સાંનિધ્ય શિષ્યને સદવિચાર અને સદઆચાર સાથે જોડે છે. ગુરુ આસપાસ હોય ત્યારે પણ અને ના હોય ત્યારે પણ જ્યારે ગુરુની કૃપાનો અનુભવ થાય છે ત્યારે આપણે મોટા ભાગે મૌન થઈ જતા હોઈએ છીએ.
શ્રદ્ધાને વિશ્વાસથી સેવીએ તો સદગુરુ કૃપા મળે જ છે ને એનું સ્મરણ માત્ર અજવાળું પાથરે જ છે. ગુરુકૃપાના આવા અજવાળાને ઝીલતા રહીએ - પ્રસન્ન રહીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter