આજીવન શિક્ષક, ભગવદ્ ગીતાના પ્રખર અભ્યાસુ અને સામાજિક સમરસતાના હિમાયતી

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 07th September 2020 07:20 EDT
 
 

‘છોકરા, ઊઘાડા શરીરે આમ પુસ્તકાલયમાં બેસાતું હશે? અક્કલ છે કે નહીં?’ ઉનાળાની ગરમીમાં એક કિશોર ખમીસ કાઢીને લાઈબ્રેરીમાં બેઠો હતો એને પ્યુને કહ્યું. વાત પહોંચી વ્યવસ્થાપક પાસે, એ પણ કોટ કાઢીને કોલર ખુલ્લા રાખીને બેઠા હતા, અંગ્રેજ હતા. એમણે પણ ઠપકો આપ્યો ‘છોકરા તને સભ્યતાની કાંઈ ખબર પડે છે કે નહીં?’ તો કિશોરે જવાબ આપ્યો કે ‘મને મારા દેશની સભ્યતાની ખબર છે. ખુરશીમાં બેઠેલો માણસ, સામે ઊભેલા માણસને પહેલા બેસાડે છે ને પછી વાત કરે છે.’ આ કિશોરની નીડરતા જોઈને વ્યવસ્થાપક ખુશ થયો. ખુરશી આપીને લાઈબ્રેરીમાં વાંચવાની સુવિધાઓ પણ આપી.

આ નીડર-સાહસી અને હાજરજવાબી કિશોર એટલે આપણા આચાર્ય વિનોબા ભાવે, જે પછીના વર્ષોમાં કેટલોય સમય મૌન પણ ધારણ કરીને રહ્યા હતા.
આપણે ત્યાં અને વિદેશોમાં પણ એમ કહેવાય છે કે મા-બાપ કે વડીલો જે વર્તન કરે એની અસર બાળકો પર પડે. હમણાં જ કોઈના ઘરનો એક ઉગ્ર સંવાદ થઈ રહ્યો હતો, તો પુરુષે તુરંત એની પત્નીને કહ્યું હતું હવે બસ કર, આ નાના છોકરા પર ખરાબ અસર પડશે. મા-બાપ કે વડીલોના સારા-ઉદાર અને માનવતાપૂર્ણ વ્યવહારોની પણ એવી જ ઉમદા અસરો બાળકો પર પડતી હોય છે. એ વાતની પ્રતીતિ વિનોબાના જીવનમાંથી મળે છે.
વિનાયક એમનું મૂળ નામ. જન્મ થયો ૧૮૯૫ સપ્ટેમ્બર માસની ૧૧ તારીખે, રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં. પિતાનું નામ નરહરિ અને માતાનું નામ રૂક્ષ્મણીબાઈ.
દાદા અને માતા-પિતા જેવા ત્રણ પાત્રો સાથેની નાની-નાની ઘટનાઓનું સ્મરણ કરીએ જેમાંથી વિનાયકમાંથી વિનોબાનું ઘડતર થયું છે.
દાદા શંભુરાવ ધર્મપુરુષ હતા. તેમનું શિવમંદિર તેઓ તહેવારોના દિવસોમાં, એ જમાનામાં, જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના સમાજના તમામ વર્ગો માટે ખોલી આપતા હતા. તેઓ માનતા હતા કે પ્રત્યેક માણસ ઈશ્વરનું સંતાન છે. દાદાની આવી અનેક વાતોની વિનોબા ઉપર અસર થઈ હશે જેના કારણે તેઓ આદર્શ શિક્ષક અને સામાજિક સમરસતાના આગ્રહી બન્યા.
એમના માતા પરગજુ-માનવતાવાદી સ્વભાવથી સભર હતા. આજુબાજુમાં જ્યારે કોઈ સ્ત્રી બીમાર પડે તો એમના ઘરે તેઓ પહોંચી જતા. ત્યાં જઈને તેમના ઘરની રસોઈ બનાવી આપતા. હવે થતું એવું કે તેઓ પહેલાં પોતાના ઘરની રસોઈ બનાવે ને પછી પાડોશીના ઘરની બનાવે. દીકરા વિનાયકે એક વાર કહ્યું કે, ‘મા, તું સ્વાર્થી છે, પહેલા આપણા ઘરની ને પછી પાડોશીના ઘરની રસોઈ બનાવે છે.’ માતાએ કહ્યું, ‘કારણ કે એમના ઘરની રસોઈ જમવાના સમયે ગરમ રહે.’ હવે આ સાંભળીને વિનાયકે તો માતાની સમજદારી ને માનવતાના ગુણને વંદન જ કરવાના હતા.
એમના પિતાજી વડોદરામાં નોકરી કરતા હતા. જ્યારે ગાગોદા આવે ત્યારે બાળકો માટે કાંઈને કાંઈ લેતા આવે. એક વાર માએ કહ્યું, ‘કાલે તારા પિતાજી આવશે ને મીઠાઈ લાવશે.’ બીજા દિવસે પિતાજી આવ્યા. એક બોક્સ વિનાયકને આપ્યું. ખોલ્યું તો એમાં બાલ રામાયણ અને બાલ મહાભારત હતા. વિનાયકે માને પુછ્યું કે, ‘મા, તું તો કહેતી હતી કે મીઠાઈ લાવશે, આ તો પુસ્તકો છે.’ માએ કહ્યું, ‘બેટા, આ મીઠાઈ એ જ સાચી મીઠાઈ છે.’ માતા-પિતાએ આપેલા આ સંસ્કારો વિનોબા જીવનભર ભૂલ્યા નહીં.
વિનોબા ઉપર ગાંધીજીનો પણ વિશેષ પ્રભાવ રહ્યો. આ બંનેની પ્રથમ મુલાકાત પણ એટલી જ પ્રાસંગિક હતી. વિનોબા સંન્યાસની શોધમાં હતા એવામાં ૪ ફેબ્રુઆરી ૧૯૧૬ના રોજ કાશીમાં એક કાર્યક્રમ થયો. એમાં રાજા-મહારાજાઓ-નવાબો-સામંતોને સંબોધીને ગાંધીજીએ કહ્યું કે ‘આપના ધનનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં અને ગરીબોના કલ્યાણમાં કરો.’ આ વાત અખબારોમાં છપાઈ. વિનોબાએ વાંચી, એમને થયું મારે આવા વ્યક્તિત્વની તો શોધ હતી. તેમણે ગાંધીજીને પત્ર લખ્યો. જવાબમાં અમદાવાદ આશ્રમ આવવાનું નિમંત્રણ આપ્યું. ૭ જૂન ૧૯૧૬ના રોજ બંનેનું મિલન કોચરબ આશ્રમમાં થયું. વિનોબાને ગાંધીજીમાં શાંતિ અને ક્રાંતિના દર્શન થયા.
૧૯૫૧માં વિનોબાએ શરૂ કરેલા ભૂદાનયજ્ઞ - ભૂદાન આંદોલને દેશને એક નવી દિશા ચીંધી આપી. વિનોબાએ ગાંધી વિચારને અનુલક્ષીને રચનાત્મક કાર્યો - ટ્રસ્ટીશીપને પોતાના આશ્રમમાં અમલમાં મુક્યા. સર્વોદય સમાજની સ્થાપના કરી. ચંબલના કેટલાય ડાકુઓએ એમની સમક્ષ હથિયારો હેઠા મુક્યા અને આત્મસમર્પણ કર્યું.
આજીવન શિક્ષક, શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રખર વક્તા અને અભ્યાસી, સામાજિક સમરસતાના હિમાયતી, ચિંતક, ભૂદાન અને ગ્રામદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેના જીવન-કવનને વાંચીએ ત્યારે એમના સદગુણોના અજવાળા આપણા ચિત્તમાં પણ રેલાય છે ને એમણે પ્રબોધેલા માર્ગે જીવન જીવવાની પ્રેરણા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter