આપણા જીવનમાં પ્રેમ ને પ્રસન્નતા પ્રસારતો બાળકનો રાજીપો

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 04th July 2022 07:03 EDT
 

‘ડેડી, જુઓ તો ખરા, એ અમારા બેઉની વાતો જાણે આદર્શ શ્રોતા હોય એમ કેવી ધ્યાનથી સાંભળે છે...’ દીકરીએ પરિવારની ભાણેજ અનન્યા માટે કહ્યું. અનન્યાની ઉંમર થઈ સાડા નવ મહિનાની. એક દિવસ બધા એને કેન્દ્રમાં રાખીને એની સાથે ધમાલ-મસ્તી કરતા હતા. એમાં દીકરી સ્તુતિ અને અનન્યાની મમ્મી બંને અનાયાસ કોઈ વાત ધીમે ધીમે કરતા હતા. હવે એ દિશામાં બાળકી અનન્યાનું ધ્યાન ગયું. આજુબાજુમાં થતી તમામ બાબતો પરથી એનું ધ્યાન સહેજપણે હટી ગયું અને પછી એ મમ્મી ને માસીની વાતોથી જાણે ભાવુક શ્રોતા બની ગઈ. એકાગ્રતાથી મોટી મોટી આંખો એમના તરફ માંડીને એકચિત્તે એ જાણે વાતો સાંભળતી હતી. વાતો કરનાર બંનેનું ધ્યાન પડ્યું તો એમણે આ નોટિસ કર્યું. ફરી બે-ત્રણ વાર એવી ઘટના દોહરાવી તો ફરી અનન્યામાં રહેલા શ્રોતા એ જ ભાવથી સાંભળે... પેલા બંને ખૂબ હસ્યા અને અનન્યા પણ હસી પડી. ફરી પાછી એની રમતમાં પરોવાઈ ગઈ. સમય જતાં ફરી આવું જ બન્યું ને વીડીયોમાં એ ઘટના સ્મરણરૂપે પણ સચવાઈ ત્યારે લેખના આરંભ થયેલો સંવાદ સહજરૂપે થયો.

આ ઘટના જ્યાં જ્યાં હજી બોલી ના શકતું બાળક હશે ત્યાં બનતી જ હશે. આપણે ત્યાં સદીઓથી એમ કહેવાય છે કે બાળકો એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, એમાં પણ જ્યાં સુધી એ બોલતાં ન થાય, પરિવારના સભ્યોને નામ સાથે ઓળખતા ના થાય ત્યાં સુધીના સમયમાં તો જાણે એમનામાં પરમ તત્વે જ વિલસી રહેલું દેખાય છે.
બાળક ક્યારેય ગરીબ પણ નથી હોતું ને બાળક અમીર પણ નથી હોતું. એનો ઉછેર, એની સમજણ, જેમ જેમ વિકસે તેમ તેમ બધી બાબતો ખુલતી જાય છે. ત્યાં સુધી તો બાળક માત્ર બાળક હોય છે. જેનામાં ભગવાન શ્વસે છે. બાળકની ભોળી ભોળી અને અમીટ દૃષ્ટિ માંડતી આંખોમાં પળ પળ અચરજનું ઐશ્વર્ય સમાયેલું હોય છે. એની આંખોમાં જાણે, સચરાચર વિલસતું આપણને દેખાય છે, બાળકની આંખોને રંગો આકર્ષે, ગતિ કરતો કોઈ પણ સબ્જેક્ટ આકર્ષે, સમથળ જગ્યામાં કશુંક ઉબડખાબડ હોય તે આકર્ષે એ શ્રવણેન્દ્રિયના વિકાસ સાથે પંખીઓનો કલરવ ને કૂકરની સીટીના અવાજને પારખે. પરિચિતોના અવાજને પારખે, સ્પર્શ થકી એ કોણ પોતાને તેડી રહ્યું છે, કોણ જાણીતું છે ને કોણ અજાણ્યું છે તેને પામે છે અને એના આધારે સલામતી છે કે અસલામતી પણ અનુભવે છે. દરવાજામાંથી બહાર જવાય, કારમાં બેસીએ તો બહારની દુનિયા દેખાય, આકાશમાં કશુંક ઊડતું કે પ્રકાશમાન દેખાય એવી સમજણ જેમ જેમ વિક્સતી જાય એમ એમ એની ભોળી ભોળી આંખોમાં સમાયેલું અચરજનું ઐશ્વર્ય વિસ્તરતું જાય છે.
આપણા પરિવારમાં કે પાડોશમાં એક-દોઢ વર્ષનું બાળક હોય એની સાથે આપણે રમતાં હોઈએ ત્યારે કોઈ પણ ઉંમરે આપણને જાણે આપણું બાળપણ પાછું મળતું હોય એવું અનુભવાય છે. એક બાળક આખા ઘરને રમણભમણ કરી નાંખે છે, પણ આખરે એ બાળક જ ઘરના તમામ સભ્યોની લાગણીના કેન્દ્રમાં હોય છે. ક્યારેક એને દૂધ પાવાના સમયમાં, એને આપવાના ખોરાકના પ્રમાણમાં વિચારભેદ જરૂર થાય, પરંતુ આખરે બધાના હૈયે એ બાળકનું હિત જ રહેલું હોય છે. બાળકને કેમ તેડવું ને કેમ રમાડવું એની કોઈ સ્કૂલ ના હોય ને છતાં કેટલાક વણલખ્યા નિયમ હોય છે. જે ઘરઘરમાં અનુસરવામાં આવે છે અને બાળક રાજી રહે એ માટે કોશિશ કરીને પોતે પણ રાજી રહે છે.
બાળક હજી શબ્દ શીખે નહીં ત્યાં સુધી એને જાતજાતના અવાજમાંથી આપણે એ આમ બોલે છે ને તેમ બોલે છે એવી ધારણા કરીને રાજી થઈએ છીએ અને આ રાજીપો જ આપણને જાણે જીવનમાં પ્રેમ ને પ્રસન્નતા આપે છે. સખત દોડધામ ભરી જિંદગીમાં ભલે દોડીએ પણ બાળકની આ આંખમાં જે અચરજ સમાયેલું છે એનું આકંઠ રસપાન કરીએ, એ અચરજના દીવડા જ્યારે આપણી અંદર પણ પ્રગટે ત્યારે આપણી આસપાસ પણ સરળતાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter