આપણી સજ્જતા-ક્ષમતાની વહેંચણીનો આનંદ

અજવાળું અજવાળું

તુષાર દવે Saturday 05th January 2019 05:57 EST
 

‘દીદી, તમારી પાસે જે કલર્સ, પેનના આ સેટ છે, તેનો ઉપયોગ થઈ જાય પછી તમે મને આપશો?’ રવિએ એની સાથે અભ્યાસ કરતી સિનિયર છોકરી ઝીલને પૂછ્યું અને ઝીલના મનમાં વિચારો શરૂ થયા. કયા વિચારો? શા માટે? અને આખરે પરિણામ? આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઘટનાના મૂળ સુધી પહોંચવું જરૂરી છે.

અમદાવાદની પ્રતિષ્ઠિત એવી એક શાળામાં ધોરણ બારમાં ઝીલ અભ્યાસ કરે છે, ધોરણ પાંચમાં હતી ત્યારથી જ એ આ શાળામાં દાખલ થઈ ગઈ હતી. અત્યાર સુધીના તમામ વર્ષોમાં ઝીલે ૯૦ ટકા કરતાં વધારે માર્કસ મેળવ્યા હતા. પરિણામે સાથી વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં એ લોકપ્રિય હતી. એના લોકપ્રિય હોવાનું એક બીજું કારણ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સાહજિકપણે કેળવેલી નિપુણતા પણ હતી. સ્વભાવે અંતર્મુખી, ઓછું બોલે, મરકમરક હસે વધુ. કોઈ સામે મળે તો હાય કે હાઉ આર યુ એમ બોલવા કરતાં હસતાં ચહેરે માત્ર હાથ ઊંચો કરે. સારા માર્ક્સ આવે છતાં એને સાયન્સમાં રસ નહીં એટલે કોમર્સ વિષય પસંદ કર્યો હતો.
એના પપ્પા રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલા વ્યવસાયમાં એટલે એ સતત બિઝી અને મમ્મી એના ઘરકામમાં વ્યસ્ત. પરીક્ષાઓ નજીક આવતી ગઈ એમ એમ ભણવાની સાથે પ્રોજેક્ટ પૂરા કરવાનું મોટું કામ આવી પડ્યું હતું. ઘરે બેસીને જેટલું થાય એ તો એ કરતી જ, પરંતુ જે દિવસે શાળામાં સમય મળશે એવું લાગે એ દિવસે પ્રોજેક્ટ પેપર્સ ને કંપાસ, વિવિધરંગી જાતજાતની પેન અને કાતર ને ગમસ્ટીક, ન જાણે કેટલું લઈને એ સ્કૂલે પહોંચતી અને સમય મળે ત્યારે પોતાનું કામ કરતી. આ કામમાં એની બેસ્ટ ફ્રેન્ડ સ્તુતિ પણ એની સાથે રહેતી કારણ કે એને પણ પોતાના પ્રોજેક્ટ્સ પૂરા કરવાના હતા.
દરેક શાળામાં શિયાળાની મોસમ આવે એટલે પ્રવાસ-વાર્ષિક દિવસ અને સ્પોર્ટ્સ ડે ઊજવાય. એમની સ્કૂલમાં પણ વાર્ષિક દિવસની ઊજવણી થવાની હતી. છેલ્લું વર્ષ છે, ‘ચાલો એક-બે ડાન્સમાં ભાગ લઈએ.’ એમ કરીને બંને બહેનપણીએ પર્ફોમન્સમાં ભાગ લીધો હતો. સ્વાભાવિક રીતે એમની ટીમમાં અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ પણ હતા. એમાંનો જ એક વિદ્યાર્થી એટલે નવમા ધોરણમાં ભણતો રવિ.
મૂળ સાણંદ તાલુકાના ગામડાંનો છોકરો. ભણવામાં હોંશિયાર એટલે પ્રાથમિક શિક્ષણ ગામડાંમાં પૂરું કર્યું ત્યારે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ભણવા આવ્યો. આરંભે પિતાએ થોડીક બચત ખર્ચી અને થોડીક મદદ શિક્ષકોએ કરી - પણ પછી શું? એ સમયે ક્યાંકથી માહિતી મળી અને અમદાવાદની એક સામાજિક સંસ્થા જે આવા વિદ્યાર્થીઓને ભણવા માટે જરૂરી તમામ પ્રાથમિક ખર્ચ આપતી હતી તેનો સંપર્ક થયો. સંસ્થાએ રવિને ભણવા-રહેવા-જમવાના તમામ ખર્ચની વ્યવસ્થા કરી આપી અને આમ એ ભણતો થયો.
અભ્યાસના ભાગરૂપે એને પણ આવા પ્રોજેક્ટ એની કક્ષા મુજબ આવતા હતા. પોતાના પ્રોજેક્ટ માટે એ હાથમાં હોય એ જ સાધનોનો ઉપયોગ કરતો હતો. પ્રોજેક્ટ માટે આટલા બધા સાધનો અને આટલી વિવિધતા એના માટે કદાચ દૂરની વાત હતી. ઝીલ અને સ્તુતિ જ્યારે એમનો પ્રોજેક્ટ કરતા ત્યારે એ આવીને બેસતો, સાથે નાસ્તો પણ કરતા ત્રણે જણા... આમ થોડી નિકટતા કે દોસ્તી કેળવાઈ હતી. એમાં આજે ઝીલને પ્રોજેક્ટ પર કામ કરતી જોઈને રવિએ લેખના આરંભે લખેલો પ્રશ્ન પૂછ્યો હતો.
ઝીલે પૂછ્યું કે કેમ? ત્યારે રવિએ કહ્યું કે, ‘મને આટલા મોંઘા કલર-પેન ખરીદવા ન પરવડે, તમારો પ્રોજેક્ટ પૂરો થાય પછી તમારે એ મહત્ત્વના ન હોય તો મને આપો તો હું પ્રોજેક્ટમાં ઉપયોગ કરી શકું.’
વાતવાતમાં ઝીલ અને સ્તુતિએ એના વિશે પૂરી વાત જાણી અને ઘરે વાત કરી કે ‘એને માટે એક કલર સેટ કેટલો કીમતી છે, અમે તો જે જોઈએ એ કહીએ એ તમે લાવી આપો છો. આજે અમને જરૂરિયાતનું મહત્ત્વ સમજાયું છે.’ બંનેના ઘરેથી પણ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો. એને પ્રોજેક્ટનો તમામ સામાન ગિફ્ટમાં આપ્યો અને મનોમન નક્કી કર્યું કે ધોરણ બાર સુધીના એના તમામ પ્રોજેક્ટ્સની આર્થિક જરૂરિયાતો આપણે આપીશું. બંને સખીઓના હૈયામાં joy of givingના અજવાળાં રેલાયાં.

•••

બાળપણમાં સાંભળેલા ગીતની પંક્તિ...
દીધું હોય તો દેતો જાજે,
આપ્યું હોય તો આપતો જાજે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter