આપણું મન, આપણી બુદ્ધિ ભલે આપણું જ હિત જુએ, પરંતુ સામેના માણસનો પણ થોડોક વિચાર કરવો રહ્યો

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 23rd May 2022 05:23 EDT
 
 

‘બધે એવું જ હોય, દર વર્ષે ભાડા કરાર મુજબ 5 - 7 ટકા ભાડું વધારી જ આપવાનું હોય તો આપણી દુકાનના ભાડૂતે પણ આપવું જ પડે...’ રમાએ એના કાકાને કહ્યું, જેમની દુકાન ભાડે આપેલી હતી અને નવો ભાડા કરાર કરવાનો હતો. હવે આ જ રમાનો એક બીજો સંવાદ પણ સાંભળો, જે તેણે એની બહેનપણીને કહ્યો હતો. ‘અરે એવું થોડું ચાલે? તું તારા મકાનમાલિકને કહે કે આમ દર વર્ષે થોડું અમે વધારી આપીએ?’

વાત એમ હતી કે એની બહેનપણી જે ઘરમાં રહેતી હતી તે ઘરનો ભાડા કરાર રિન્યુ કરવાનો હતો અને એમાં 7 ટકા ભાડું વધારવાની વાત હતી. મારી તમારી આસપાસ આવી ઘટનાઓ બનતી જ રહે છે, ક્યાંક ક્યારેક આવી ઘટનાનો હિસ્સો આપણે પણ બનતા હોઇશું કે જેમાં એક જ વ્યક્તિ બે જુદા જુદા પ્રસંગે સમાન પ્રસંગોમાં પોતાના વિચારો ઉત્તર-દક્ષિણની જેમ રજૂ કરે છે. સવાલ થાય કે આવું કેમ? તો જવાબ પણ મળે, અને તે હોય છે આપણો અંગત સ્વાર્થ... હા, ગમે કે ના ગમે, સ્વીકારવું જોઈએ કે માણસ તરીકે જ્યાં લાભ લેવાનો હોય, મેળવી કે ઝૂંટવી લેવાનું હોય, નુકસાન અટકાવવાનું હોય, પૈસા-પરિશ્રમ કે સમયની બચત કરવાની હોય, આપણે સ્વાર્થી બની જઈએ.
હવે આમ જુઓ તો એમાં ખોટું પણ શું છે? સ્વાર્થી તો થવું જ પડે, સ્વહિતમાં જો સ્વાર્થી ના બનીએ તો તો દુનિયા આપણને ક્યાંય ખદેડી મૂકે... એટલે જ સ્વાર્થી થવાની વાત સ્વીકારીએ પણ વધુ પડતા સ્વાર્થી ના થઈએ એની કાળજી તો લઈએ ને!
એક કિસ્સો લખવો ગમે... ઘરમાં કામ કરવા આવતા માણસો જ્યારે રજા માંગે ત્યારે ઉમળકાથી એની રજા મંજૂર કરનારા બહુ ઓછા હોય છે. બંને પક્ષે જાતજાતની ને ભાતભાતની દલીલો થાય ત્યારે રજા મંજૂર થાય... હવે એ પરિવારને કોઈ સામાજિક પ્રસંગે ક્યાંક જવાનું છે અને તે પરિવારની દીકરી પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે, જેને રજા મળતી નથી તો ઘરના વડીલો તને રજા મળવી જ જોઈએ, એ તો જરા ખોંખારો ખાઈને કહેવું પડે એમ જ કહેતા હોય છે. આમ બંને પરિસ્થિતિમાં વર્તણૂકના કાટલા બદલાઈ જાય છે.
એક વર્ષ પૂરું થાય એટલે સ્વાભાવિક રીતે ઈન્ક્રિમેન્ટની રાહ જોનાર પાસે, એમના હાથ નીચેનો કર્મચારી ઈન્ક્રિમેન્ટ માંગે તો બહુ ગમતું નથી અને સાંપ્રત આર્થિક પરિસ્થિતિ સંદર્ભે સમગ્ર વિશ્વનો ચિતાર રજૂ થઈ જાય છે. બધા જ લોકો આવા હોય એમ કહેવાનો જરાય આશય ના હોઈ શકે, એમ નથી જ. બધા લોકો ક્યારેય એકસરખા ન જ હોઈ શકે. કોરોનાકાળમાં એવા કેટલાય પરિવારો હતા જેઓ આર્થિક રીતે થોડા પહોંચતા પામતા હતા તો તેઓએ એમને ત્યાં કામ કરનારા માણસોના પૈસા કામે ન આવવા છતાં એમના ઘરે જઈને આપ્યા છે. ઈન્ક્રિમેન્ટ માંગ્યા વિના સામેથી જ એનો પગાર વધારી આપનારા લોકો પણ છે જ.
સવાલ આપણા મનની સ્થિતિ હોય છે. આપણે કઈ જગ્યાએથી, કેવી દ્રષ્ટિથી પાત્રને કે ઘટનાને જોઈએ છીએ એના પર આપણા દ્વારા લેવાતા નિર્ણયનો કે થતી રજૂઆતનો આધાર હોય છે. સ્વાભાવિક છે કે આપણું મન, આપણી બુદ્ધિ આપણું જ હિત જુએ, સામેના માણસનો વિચાર થોડો કરે? પરંતુ જરા મનની બારીને ખોલીએ, થોડા અજવાળાંને આવકારીએ ત્યારે સમજાય છે કે આ પક્ષ કે તે પક્ષની તરફેણ નથી કરવાની, દ્રષ્ટા થઈને વાસ્તવિક સ્થિતિનું દર્શન કરવાનું છે અને એના આધારે નિર્ણય લેવાનો છે.
આપણી સંસ્કૃતિમાં તો સર્વજન હિતાયનો મંત્ર ગુંજે છે, વિશ્વ કલ્યાણની ભાવના પ્રસરેલ છે તો પછી બંને પક્ષનું હિત જેમાં સમાયેલું હોય જે વાસ્તવિક હોય, સત્યની નિકટ હોય એ દિશામાં મનને વાળવું જોઈએ. આવું જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે સમજણના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter