આપણે સંબંધોમાં જતું કરવાની ભાવના ભૂલ્યા હોવાથી સંબંધો તૂટી રહ્યા છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 22nd July 2020 07:40 EDT
 

‘એકવીસમી સદીના બે દાયકામાં કોમ્પિટીશન વધી - લાઇફ ફાસ્ટ થઈ - કુટુંબો તૂટ્યા અને આર્થિક બાબતો મન પર સવાર થઈ એટલે સ્ટ્રેસની ભેટ વધુ પ્રમાણમાં આપણને મળી...’ ‘પ્રધાનમંત્રીથી લઈને પ્યુન સુધીનો કોઈ પણ માણસ હતાશ થઈ શકે, પરંતુ ડીપ્રેશન લાંબુ ચાલે...’ આ અને આવા અનેક અભ્યાસપૂર્ણ અવલોકનો વિશે ખૂબ લાંબી અને અર્થપૂર્ણ વાતો કરી ગુજરાતના સિનિયર સાઈકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી સાથે.

‘અમદાવાદ તક’ યુટ્યુબ ચેનલ માટે થયેલા ઈન્ટરવ્યુને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો. અને પ્રોત્સાહક ફીડબેક આપતાં કહ્યું કે, અમારા મનમાં જે પ્રશ્નો હતા તેમાંથી ઘણાના ઉત્તરો અમને ઘરે બેઠાં મળી ગયા.
કોઈ માણસને સ્ટ્રેસ છે તેની ખબર કેમ પડે? ડો. ભીમાણી કહે છે કે જે તે વ્યક્તિની ઊંઘ અને ભૂખમાં બદલાવ આવશે, ઉતાવળ, બેચેની, ગભરામણ દેખાશે, માનસિક થાક અનુભવશે. આવા દર્દીઓ અને એ સમયે એમના પરિવારની વિશેષ જવાબદારી બને છે એમને સંવેદનશીલતા સાથે સંભાળવાની.
ડો. પ્રશાંત ભીમાણીએ એમના પુસ્તક ‘મન દુરસ્તી’માં લખ્યું છે કે ‘મારો પરિવાર મારા માટે મેડિસિન છે.’ કેટલી સરસ અને મહત્ત્વની વાત કરી છે. તેઓએ કહ્યું કે આજકાલ બધાં બિઝી છે, બધાં ઘરમાં છે, બધાં સાથે છે, પરંતુ પોતપોતાના મોબાઈલ સાથે છે. પરિણામે પરિવારમાં સંવાદ નથી થતો અને હૂંફ, પ્રેમ, સંભાળ ગાયબ થતાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે.
આવા પ્રશ્નો થાય - ડિપ્રેશન આવે ત્યારે માણસે શરમ-સંકોચની દિવાલ કૂદીને સાઈકોલોજિસ્ટ પાસે જવું જ જોઈએ. કાઉન્સેલિંગ જરૂરી છે. કદાચ ગોળી લેવી પડે તો એ થોડા સમય માટે છે, જીવનમાં સફળતમ વ્યક્તિને પણ પ્રશ્નો આવે એમ કહી ડો. ભીમાણી ઉમેરે છે કે દીપિકા પદુકોણે સ્વીકાર્યું છે કે એ પણ ડિપ્રેશનમાં હતી, બહાર આવી અને આજે આવા લોકોની સહાય માટે ફાઉન્ડેશન પણ ચલાવે છે.
આજકાલના માનવીય સંબંધોમાં ટોલરન્સ ઘટ્યું છે. એક સમયે ૩૦-૪૦ કે પ૦ વર્ષના સંબંધો ટકતા હતા, પરંતુ આજે મહિનાઓમાં સંબંધો તૂટે છે. એના કારણો વિશે પૂછતાં ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે આપણે જતું કરવાની ભાવના ભૂલ્યા છીએ. મને સામેની વ્યક્તિ પાસેથી શું મળ્યું? એમાં જ રસ છે. મેં શું આપ્યું? આ વિચાર આવશે ત્યારે સંબંધો સચવાશે. રિલેશનશીપમાં બ્રિધિંગ સ્પેસ આપવી જ પડશે અને શંકાથી પર થવું જ પડશે. સામેનો માણસ વ્યક્તિ છે, વસ્તુ નહીં - એ સમજ જ કેળવવી પડશે એમ તેઓ પોતાના અનુભવથી કહે છે.
આજકાલ નહીં, વર્ષોથી મા-બાપ પોતાના સંતાનો પાસેથી એ પહેલો જ નંબર લાવે એવી આશા રાખે છે, બાળકને પર્સન્ટેજ લાવવાનું મશીન ગણી લેવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓમાં કે મા-બાપમાં ડિપ્રેશન આવે છે એમ કહી તેઓ કહે છે કે બાળકો પર ધ્યાન જરૂર રાખો - જાપ્તો નહીં. એને જે ભણવું હોય એ ભણવા દો, એની સ્વતંત્રતા સાચી દિશાની છે તેવી જાગૃતિ અને જવાબદારી તેનામાં જગાવો.
પ્રકૃતિથી - પોતાની જાતથી માણસ જુદો થતો જાય છે, દૂર થતો જાય છે પરિણામે એકલતા એને સ્પર્શે છે એ વાત સાથે પણ તેઓ પોતાના અનુભવોના આધારે સહમત થાય છે. કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ અસરગ્રસ્ત થયું છે અને હવે જનજીવન ધીમે ધીમે ધબકતું થયું છે ત્યારે નવી તાકાતથી - નવા વિચારો સાથે બહાર આવવું પડશે તેમ કહીને તેઓ ઉમેરે છે કે ભય નહીં, સાવચેતી અને સાવધાની રાખીને કામ કરવું પડશે. કરકસર કરવી પડશે, સાદાઈથી જીવવું પડશે અને પૂર્ણપણે હકારાત્મક રીતે જીવવું પડશે.
ધર્મ અને અધ્યાત્મ આ દિશામાં આપણને ચોક્કસ અને સાચું માર્ગદર્શન આપશે તેમ કહી તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદર્ભ આપીને કહે છે કે અર્જુનવિષાદ યોગથી જ વિજયયોગ સુધી ગયો છે, તેના કારણે એને કૃષ્ણ મળ્યા છે.
મનમાં લાગણીઓનો જીવનના નવેનવ રસનો મેળો ભરાય, પ્રશ્નો સર્જાય પરંતુ એક સાચા માર્ગદર્શક મળી જાય તો અંધકારથી અજવાશ તરફ જાય એની અનુભૂતિ મને પણ થઈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter