વારતા નથી, જીવાયેલા પ્રસંગો છે, જીવનની મૂલ્યવાન ક્ષણો એમાં સચવાયેલી છે, મોંઘેરી જણસ જેવી એ સ્મૃતિ ક્યારેય વિસરાય એમ નથી, પાત્રોના નામની પણ કોઈ આવશ્યક્તા નથી, મારીને તમારી અંદર ક્યાંક-ક્યારેક આ પાત્રો જીવંત થયા જ હોય છે, એ અનુભૂતિ આપણે પણ અનુભૂત કરી જ હોય છે.
નોરતા આવે એટલે એનું હૈયું ઊંમરના પાંચ દાયકાની સફર, શારીરિક રીતે વધતી ઉંમરને ભુલીને પણ પરિવાર-પ્રિયજનો સાથે ગરબામાં જોડાઈ જાય. મોડી રાત્રી સુધી સહુ ગરબા રમે, ચા-નાસ્તો કરે અને મોડી રાત્રે ઘરે આવે. એ પછી બધા સુઈ જાય, પણ એ પોતે કડક કોફી બનાવે, હીંચકે ઝુલે ને થોડા જૂના ગીતો સાંભળે, આ ગીતો એવા અર્થપૂર્ણ કે એની સંવેદના, એમાં સમાયેલી પ્રેમની લાગણી સર્વકાલીન હોય. દીકરી આ બધું જુએ, દિવસે એ પણ એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે અને રાત્રે ગરબે ઘુમે... એક દિવસ એ પણ હીંચકે બેસવા આવી, બે-ચાર ગીતો સાંભળ્યા અને ડેડીને પૂછ્યું. ‘આટલી મોડી રાત્રે આ ગીતો સાંભળો છો, નિયમિત સાંભળો છો, કોઈને મિસ કરો છો?’ ડેડીએ દીકરીને કહ્યું, ‘બેટા, મિસ તો એ થાય જે ક્યારેક દૂર ગયા હોય, હું તો મારા હૈયામાં જે શ્વાસની જેમ ધબકે છે, મને જીવંત બનાવે છે, એની સાથે આ પળો માણું છું.’
દીકરીએ સીધો જ સવાલ કર્યો, ‘કોણ છે? શું નામ છે?’ હસતાં હસતાં ડેડીએ કહ્યું, ‘બેટા, એના નામ કરતાં એની સાથેનું અમારું સગપણ, સંબંધ મહત્ત્વા છે. એમ કહેને કે એ મારી મિત્ર હતી. દોસ્તો બહુ બધા છે, પણ મિત્ર તો એ એક જ.’
દીકરીએ થોડી ચિંતા સાથે પુછ્યું, ‘તો એ અત્યારે...’ તુરંત ડેડીએ જવાબ આપ્યો, ‘બેટા, એ હાલ વિદેશ રહે છે, એના પરિવાર સાથે ખુશ છે. ખુબ સારો વ્યવસાય ધરાવે છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એકતાર થયેલું એનું વ્યક્તિત્વ છે. અમે કોલેજકાળમાં સાથે હતા, કોલેજ અલગ અલગ પરંતુ રસ-રૂચિ અને અભ્યાસ સિવાયની ઈત્તર પ્રવૃત્તિઓના કારણે પરિચય થયો અને એ પરિચય પછી મિત્રતામાં પરિવર્તિત થયો. કોલેજ પુરી થઈ, બંનેના વ્યવસાય અલગ અલગ, પણ નિયમિતરૂપે મળવાનું થતું. પછી એ બંને પાત્રોના એમને મનપસંદ પાત્રો સાથે લગ્ન થયા, નજીકના લોકો પૈકી કોઈને નવાઈ ન લાગી કારણ કે બધાને ખબર હતી કે એમની વચ્ચે પ્રેમ છે એના કેન્દ્રમાં મૈત્રી છે. સ્વાર્થવિહીન પરિશુદ્ધ મૈત્રી, પરસ્પરને રાજી રાખવાનું સમર્પણ છે, દ્વિપક્ષી પણ નહીં, માત્ર એકપક્ષી પ્રેમ છે એ એટલે કે સામેનું પાત્ર મળે કે ના મળે, ફોન કરે કે ના કરે, સાથે પ્રવાસ થાય કે ન થાય, સાથે સિનેમા જોવા જવાય કે ના જવાય, બસ મિત્ર માટેની મૈત્રી ધબકતી રહે, એના માટેની પ્રેમ-પ્રાર્થના-પ્રસન્નતાની, શુભત્ત્વની લાગણી પ્રવાહિત રહે એ મહત્ત્વનું છે.’
વાત વિશ્વાસની છે, મૈત્રીની મીરાંતની છે. વાત અનુભૂતિમાં ઓગળવાની છે, કશું પામ્યા વિના આખી દુનિયાની સાહ્યબી પામવાની છે. નવરાત્રિમાં મિત્રએ શીખવેલા ગરબાના સ્ટેપ ભુલાઈ શકે પણ એની સાથે જિંદગીના જે અદભૂત આનંદના અવસરો જીવાયા છે એ કદી ના ભુલાઈ શકે. ક્યાંક સાંભળ્યું છે કે જે ક્યારેક ખોવાયા હોય એને શોધો તો જડે, જે આપણી જ અંદર હોય એ કદીયે ના ખોવાઈ શકે.
ડેડી-દીકરીની વાતો પૂરી થઈ અને દીકરીએ ડેડીને ચુંટી ભરતાં પૂછ્યું, ‘તે આ મિત્રને મમ્મી ઓળખે છે?’ ડેડીએ આંખમાં આંખ મેળવીને કહ્યું કે, ‘હા બેટા, માત્ર ઓળખે જ છે એવું નથી, મળે પણ છે અને અમારી મૈત્રીને સ્વીકારે પણ છે.’
મિત્ર, મૈત્રી, સખી, સ્નેહ આ અને આવા શબ્દોના અર્થને જીવવા પડે છે. આવા શબ્દો જીવાય ત્યારે આપણે સાથે, હીંચકે બેસીને એ મિત્ર અદ્રશ્યરૂપે આપણને જીવાડતો હોય છે. અધરાતે - મધરાતે એ આંખોમાં - સ્મરણમાં હૈયામાં આવીને જાગરણ કરાવે છે, ત્યારે ભાંગતી રાતના અંધકારમાં જાણે પ્હો ફાટવા સમયનો અજવાસ રેલાય છે, મૈત્રીનું આવું અજવાળું સતત ઝીલતા રહેવાનો અવસર મળે એ પણ પરમ તત્ત્વની કૃપા છે.