એસજીવીપીઃ માનવજાત માટે જીવન ઘડતરનું અને સંસ્કાર સિંચનનું મહત્ત્વનું કેન્દ્ર

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 18th April 2022 07:28 EDT
 
 

ગુરુકૂળના પ્રાંગણમાં બાળકોને ભણાવવા એ જ એમનું ધ્યેય નહોતું, એમને તો ગુરુકૂળ દ્વારા નવી પેઢીને વર્તમાન યુગના દૂષણોથી બચાવી, શુભ સંસ્કારોનું સિંચન કરવું હતું. બાળકોને ઉત્તમ રાષ્ટ્રભક્ત નાગરિક તરીકે કેળવવા હતા. તેઓ ઘણી વાર કહેતાં, ‘આ ગુરુકૂળ માનવજાત માટે જીવન ઘડતરનું અને સંસ્કાર સિંચનનું એક મોટું કારખાનું છે.’

હા, વાત છે ભારતીય ગુરુકૂળ સંસ્કૃતિના પુનરુદ્ધારક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીની. ભારતની આઝાદી સમયે 1948માં તેઓએ રાજકોટમાં સૌપ્રથમ ગુરુકૂળની સ્થાપના કરી. 87 વર્ષના દીર્ઘ જીવનમાં સમાજસેવાના અનેક કાર્યો કર્યા, કાયમી ધોરણે સેવાકેન્દ્રો શરૂ કર્યા છતાં આજીવન અયાચક રહેવાના વ્રતને જાળવ્યું. રોજના માત્ર એક રૂપિયામાં વિદ્યાર્થીને રહેવા-જમવાની, પુસ્તકની અને ઔષધીની સેવા ગુરુકૂળમાં આપી. આજે પણ SGVP (શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્) ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓ રાહત દરે અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં બાળકો વિનામૂલ્યે ભણે છે.
પ્રાચીન ગુરુકૂળ શિક્ષા પદ્ધતિના પુનરુદ્ધારક સંત એટલે સદવિદ્યા અને સદધર્મરક્ષક પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. એમના શિષ્યસ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ગ્રંથ ‘શ્રી ધર્મજીવન ગાથા’ એટલે એકાંતિક ભાગવત ધર્મનું પોષણ કરનાર સદગુરુની દિવ્ય જીવનગાથા. છ ભાગમાં તૈયાર થયેલા આ ગ્રંથનો વિમોચન સમારોહ ‘ભાવવંદના પર્વ’ સ્વરૂપે થોડા સમય પહેલાં સ્વામિનારાયણ ગુરુકૂળ છારોડી-અમદાવાદમાં યોજાયો તેના સાક્ષી બનવાનું મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પ્રબોધેલા ‘સદવિદ્યા પ્રવર્તન’ અને ‘સર્વજીવન હિતાવહ’ આદેશોને પોતાના જીવનમાં મંત્રનું સ્થાન આપ્યું હતું અને હજારો યુવાનોને જીવનમાં યોગ્ય દિશાની ગતિ કરાવી હતી. શ્રી ધર્મજીવન ગાથામાં ‘સંત પરમ હિતકારી જગત માહી’ પંક્તિઓને સાકાર કરતી ધર્મમય જીવનની અનુભવ કથાઓ સંગ્રહિત થઈ છે. 6 ભાગમાં 4000 હજાર પાનાંઓમાં ‘શ્રી ધર્મજીવન ગાથા’માં શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જીવનદર્શનની વાતો સમાવિષ્ટ છે. કોઈ એક જ વ્યક્તિના ચરિત્રનો આટલો વિશાળ ગ્રંથ લખાયો હોય એવો આ પ્રથમ પ્રસંગ હોઈ શકે. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીને આ ગ્રંથ લખતા સાત વર્ષનો સમય થયો હતો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય જોગીસ્વામી, પૂજ્ય ભક્તિપ્રકાશદાસજી સ્વામી જેવા સદગુરુઓના આશીર્વાદ સાથે તેઓ SGVPના માધ્યમથી અનેકવિધ શૈક્ષણિક, સામાજિક, આરોગ્યલક્ષી, સેવાકીય, ધર્મ અને અધ્યાત્મના કાર્યો કરી રહ્યા છે, જેમાં પૂજ્ય પુરાણીસ્વામી તથા અન્ય સંતો જોડાયેલાં રહ્યાં છે.
પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી ઉત્તમ વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને વિશ્વભરમાં ઉત્તમ વક્તા, સદકાર્યોના પ્રેરક રહ્યા છે. વ્યસનમુક્તિ, ગ્રામોદ્ધાર, ચેકડેમો, પર્યાવરણજતન, ગૌપાલન અને સંવર્ધન-સ્વચ્છતા અભિયાન, કન્યા કેળવણી, વિદ્યાસહાય જેવી અનેક પ્રવૃત્તિ ગુરુકૂળમાં થઈ રહી છે, જેમાં દાતાશ્રીઓ અને ગુરુકૂળમાં જ ભણીને તૈયાર થયેલા વિદ્યાર્થીઓ પણ યોગદાન આપી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) સંસ્થા દ્વારા શિક્ષણ, ધર્મ અને અધ્યાત્મ, સંસ્કાર અને સમાજસેવાના દીવડાં પ્રગટાવાયા છે જેના અજવાળાં વિશ્વભરમાં પથરાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter