કલમ કસબીની સર્જનયાત્રાની સમાંતરે

- તુષાર જોષી Wednesday 01st July 2026 06:19 EDT
 
 

‘ગુજરાતી સાહિત્યમાં અમૃત વર્ષાસમાન આ અદભૂત કાર્ય થયું છે.’ - ડો. કુમારપાળ દેસાઈ

‘સંશોધન અને વિવેચન ક્ષેત્રે આ ગ્રંથો આપીને સંપાદકે ઉત્તમ યોગદાન આપ્યું છે.’ - શ્રી વી.એસ. ગઢવી
‘આ ગ્રંથો સર્જકની સર્જનાત્મક્તા, અભિવ્યક્તિ અને સંવેદનાને સમજવાનો પ્રયાસ છે.’ - ડો. અજયસિંહ ચૌહાણ
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાગૃહમાં આ વાક્યો વક્તાઓએ કહ્યા હતા. અવસર હતો ‘સર્જકની આંતરકથા - ઉત્તરાર્ધ ભાગ 1 અને ભાગ 2’ પુસ્તકોના વિમોચનનો. ફ્લેમિંગો પબ્લિકેશનન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તકોનું સંપાદન જાણીતા કવયિત્રી-લેખક-વિવેચક-વક્તા ડો. ઉષા ઉપાધ્યાયે કર્યું છે. બે ભાગમાં કુલ 87 સર્જકોએ સર્જનપ્રક્રિયા સમયની આંતરકથા લખી છે. અહીં જે લખાણ લખાયું છે એમાંથી સાવ સામાન્ય વાચકની પણ સાહિત્યને, સર્જનને, સર્જકને નવી દૃષ્ટિ મળે છે. કેટલાયે એવા વાક્યો છે જે મારા તમારા માટે પણ પ્રેરક કે ઉપયોગી બની શકે.
સંપાદક ઉષાબહેને પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે ‘મેં હંમેશા લાંબા પને વિસ્તરે ને જેને સમેટતાં ઘણો સમય લાગે એવાં પુસ્તકોનું કામ હાથમાં લીધું છે.’ અહીં એમની ચીવટ, ઝીણું કાંતવાની માનસિકતા વણાયેલી દેખાય છે. દિનકર જોષીએ પોતાની સર્જન યાત્રાને માણસને શોધવાની યાત્રા તરીકે ઓળખાવી છે. કેવી મનોહર અને સૂચક અનુભૂતિ છે કે એક સર્જક લેખન દ્વારા માણસને શોધે છે. મધુ રાય જ્યારે એમ લખે કે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે મને લખવાની જડીબુટ્ટી જડી ગઈ અને એ ન મળી હોત તો હું ગાંડો થઈ જાત. એક લેખકની લખવા માટેની પ્રબળ ઝંખના કેવી હોય તે અહીં પ્રતિબિંબિત થાય છે. પ્રવિણ દરજી કહે છે કે લખવું એ પોતાની સાથેનું અને ભાષા સાથેનું એક યુદ્ધ છે. દલપત પઢિયાર કવિતા સર્જનને આધ્યાત્મિક અનુષ્ઠાન માને છે. હરીશ મીનાશ્રુએ લખ્યું છે કે જાત સફાઈ વિનાની કવિતાને કોઈ શુકર-બુકર પ્રાઈઝ આપે તો ય જોડકણું જ સમજવું.
મોહન પરમારે લખ્યું છે કે, સાહિત્ય વિના જીવવું દુષ્કર છે, તો તુષાર શુક્લ લખે છે કે, સ્વસ્થ સમાજ માટે સાહિત્ય અને શિક્ષણ બંને જરૂરી છે. સમૂહ માધ્યમો સાથે જોડાયેલું છે એટલે લોકશિક્ષણનો મહિમા સમજ્યો છું. યોગેશ જોષી લખે કે કશુંક રચાતું હોય કે ન રચાતું હોય, પણ મારી અંદર સર્જકતાની ધૂણી સતત ધખતી રહે છે. વિનોદ જોષી પોતાની અનુભૂતિ લખતા કહે છે કે ક્યારેક ટાંપીને બેઠો રહું તો યે ન આવે, ક્યારેક ધક્કા મારી હડસેલું તોયે વળગે. શોભિત દેસાઈએ ગઝલ સર્જન સંદર્ભે લખ્યું છે કે 69 વર્ષમાંથી 60 મિનિટ પણ શોકની ન હોય એવી સદાબહાર જિંદગી માત્ર અને માત્ર ગઝલને જ આભારી.
આવા આવા તો અનેક પ્રેરક અને ચમકીલા વાક્યો દરેક લેખકના વૃતાંતમાં મળી આવે છે.
મારી પણ એક લેખક-વક્તા તરીકે 35 વર્ષની યાત્રા રહી છે. મારા લેખનમાં પણ આવા જ અનુભવો રહ્યા છે એની પ્રતીતિ આ પુસ્તકો વાંચતા થયા છે. પુસ્તકો કે આર્ટિકલ કે સ્ક્રિપ્ટ કે લાઈવ શો માટે લેખન ચાલતું હોય ત્યારે અનેક રેફરન્સ જોવાના, એની અધિકૃતતાની ખાતરી કરવાની, એમાં કોઈ હકીકતદોષ ના રહે તેની ખાત્રી કરવાની... આ બધું સહજપણે મેં પણ કર્યું છે. હમણાં જ એક ઉદ્યોગપતિની જીવનકથા લખી તો એના કુલ 220 પાના ફાઈનલ સ્ટેજ પર આવ્યા. એમની વાંચવાની સ્પીડ ઓછી, એમની વ્યસ્તતતા વધુ, તો મેં જાતે એ તમામ પાનાં એમના વાંચીને સંભળાવ્યા ને ક્યાંક નાના-મોટા સુધારા હતા તે કર્યાં, પછી પુસ્તક પ્રકાશિત થયું. શબ્દ સાથેનો પ્રેમ આવા સમર્પિત કાર્ય સાથે જોડી આપે છે ત્યારે સર્જક તરીકે શબ્દ સાથે કામ પાડ્યું તેનો સંતોષ થાય છે અને શબ્દના ઝળાંહળાં તેજના અજવાળાં ઝીલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter