કસુંબલ રંગના કસબી, લોકસંસ્કૃતિના ઉપાસક જોરાવરસિંહ જાદવ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 28th January 2019 04:36 EST
 

૨૬મી જાન્યુઆરી ૨૦૧૯ની સવારે અમદાવાદના વિજય ચાર રસ્તા નજીક આવેલા પ્રોફેસર્સ કોલોનીના ‘સજ્જન સ્મૃતિ’ બંગલામાં મીડિયાના મિત્રોની અને શુભેચ્છકોની ભીડ હતી. લોકકલાવિદ્ જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી એવોર્ડ મળ્યો એ માટે શુભેચ્છા પાઠવવા સહુ આવી રહ્યા હતા. ત્યારે વારે વારે જોરાવરસિંહ એક વાત કહેતા હતા કે, ‘મારા લોક કલાકારોએ અને એમની કલાએ મને જગતના ચોકમાં મૂકી આપ્યો છે...’ સાહજિકરૂપે વ્યક્ત થતી એમની નમ્રતા પર સહુ ઓવારી ગયા હતા. કસુંબલ રંગના કસબી સર્જક, લોકવિદ્યા, લોકસાહિત્ય, લોકસંગીત, લોકકલા, લોકસંસ્કૃતિના ઉપાસક જોરાવરસિંહ જાદવ એક વ્યક્તિ નથી, હરતીફરતી યુનિવર્સિટી છે. સ્વયં એક સંસ્થા છે.

ભાલપ્રદેશના ધંધુકા તાલુકામાં આવેલા આકરુ ગામમાં ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ જન્મ થયો પુત્રરત્નનો. દુબળા-પાતળા બાળકનું નામ જોરાવરસિંહ રાખ્યું. ગામડાં ગામની ધૂળમાં બાળપણ વીત્યું અને એ જ ગામડાંની આબોહવાના ઉછેરને કારણ આગળ જતાં જોરાવરસિંહ લોકસાગરના મસ્ત મરજીવા બનીને પાણીદાર મોતી મૂલવનાર પરખંદા ઝવેરી બન્યા.
આરંભે ધોળકામાં અને પછી અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. પછી જોડાયા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ વાંચી અને લોકસાહિત્યનો-લોકજીવનનો નાદ ગુંજ્યો... તે આજે એમને પદ્મશ્રી એવોર્ડ મેળવવા સુધી લઈ ગયો. લોકકળાના અને લોકકલાકારોના આ ભેખધારીએ વર્તમાન સમયમાં-સામા પ્રવાહે તરીને પણ લોકકળાને જીવંત રાખવાનું મુઠ્ઠી ઊંચેરું કામ કર્યું છે.
ગુજરાતમાં ‘લોકકલા ફાઉન્ડેશન’ નામની સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ કલાકારોને એમણે દેશ-વિદેશમાં પોતાની કલા રજૂ કરવા તક આપી છે. ગુજરાત અને અન્ય રાજ્યોના લોક કલાકારો અને લુપ્ત થતી લોકકલાના કસબીઓને લોકસમૂહ સુધી પહોંચાડવાનું મહામૂલું કામ કર્યું છે જોરાવરસિંહે. ૧૦૦થી વધુ પુસ્તકો અને એટલી જ સંખ્યાના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માન અને એવોર્ડઝ મેળવનાર જોરાવરસિંહ માટે દુહામાં લખાયું છે કે
‘પુણ્યશાળી પ્રગટ થયા,
ગરીબના પ્રતિપાળ,
આકરુ ગામ ઉજાળિયું,
ધન્ય ધન્ય અવતાર’
લોકકલાકારો અને એમના ચાહકો એમને ‘બાપુ’ના નામે આદરથી ઓળખે છે, બોલાવે છે. એમની કલાસાધનાના પરિણામે દેશ-વિદેશમાં લોકકલાના કાર્યક્રમો માણનારો વર્ગ ઊભો થયો છે. લોકકલા ફાઉન્ડેશન દ્વારા નિયમિતરૂપે લોકકલાકારોને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કારો આપીને પુરસ્કૃત કરાય છે. આ સંસ્થાના કારણ જ વાદી-મદારી-બહુરૂપી-ભવાઈના કલાકારો દેશ-વિદેશના મોટા ઉત્સવોમાં પહોંચ્યા છે.
એમના ‘સજ્જન સ્મૃતિ’ નામના ઘરમાં પગ મૂકો ત્યારથી જ તળપદું સૌંદર્ય ઊડીને આંખે વળગે છે. અનેકવાર એ ઘરમાં જઈને લોકકલાની સાહિત્યની વાતો કરવાનો, કેમેરામેન મિત્ર હર્ષેન્દુ ઓઝા સાથે એમની કલાત્મક્તાને કેમેરામાં કંડારવાનો અવસર મળ્યો છે અને સ્ટેજ પર જોરાવરસિંહ સાથે અનેકવાર કલાપ્રસ્તુતિ કરવાનો અવસર મળ્યો છે એનો અનહદ આનંદ છે.
લોકકલાના આવા ઉપાસકના સમર્પણથી જ લોકજીવનના દીવડા આજેય પ્રગટે છે ને એના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter