કૃષ્ણ તો છે સત્-ચિત્-આનંદ સ્વરૂપ

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 17th August 2022 06:55 EDT
 

શ્રાવણ વરસે સરવડે
ને ઝરમરીયો વરસાદ
કાન્હા આવે તારી યાદ
ગુજરાતી કાવ્ય સંગીતનું આ મધુર ગીત કાનમાં ગુંજી રહ્યું હતું. જન્માષ્ટમીનું પર્વ નિકટ છે. ઘરોમાં-મંદિરોમાં-હવેલીઓમાં જન્માષ્ટમી ઊજવણીની તૈયારીઓ થઈ રહી છે. સહજપણે કૃષ્ણમય વાતાવરણ બને ને મારી જ એક ગઝલનું પણ સ્મરણ થાય.
સ્પર્શથી જેના થયું છે
કૃષ્ણમય વાતાવરણ,
એ હશે મેવાડ કે
ગીરનારથી વાતો પવન
નરસિંહ - મીરાં સહિત અગણિત ભક્તોએ કૃષ્ણપ્રેમને ઝીલ્યો - કૃષ્ણપ્રેમને શબ્દોમાં અભિવ્યક્ત કર્યો. કૃષ્ણની કૃપા, કૃષ્ણનો અનુગ્રહ પ્રત્યેક માનવ માટે છે. સવાલ હોય છે આપણે તેને ક્યારેય અનુભવીએ છીએ? આપણો શ્વાસ સ્વસ્થ શરીર સાથે ચાલે એનાથી વધુ મોટી બીજી કઈ કૃષ્ણકૃપા હોઈ શકે? જન્માષ્ટમીના પર્વ નિમિત્તે થોડા જાગૃત બનીએ, કૃષ્ણકૃપાને પામીએ-ઝીલીએ અને પ્રેમ-પ્રસન્નતાથી ભર્યાભર્યા રહીએ.
કૃષ્ણ બુદ્ધત્વ પામેલી પૂર્ણ વ્યક્તિ હતા અને લાગણીથી ભરેલી લીલાઓ પણ એમણે કરી છે. કૃષ્ણ સંસારમાં રહીને, માનવીય લીલાઓ કરીને પણ અવતારી રહ્યા છે, જગતગુરુ રહ્યા છે. યુદ્ધના મેદાન પર પણ કૃષ્ણ હાજર છે અને વૃંદાવનની રાસલીલામાં પણ હાજર છે. રાજકારણના દાવપેચની દુનિયામાં પણ એ હોય ને ધર્મની આંટીઘૂંટી ઊકેલવામાં પણ તે હોય, કૃષ્ણનું અસ્તિત્વ જ અનન્ય છે, નોખું છે, નિરાળું છે, એક માણસ તરીકે આપણી અંદર પણ જરા નોખું વ્યક્તિત્વ અનુભવાય ત્યારે માનવું કે આપણા પર કૃષ્ણકૃપા થઈ છે.
કૃષ્ણનો ઉપદેશ અને તેમનો ધર્મ ગંભીર જીવનનો નથી કે ઉદાસીનતાનો નથી. કૃષ્ણ તો સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે. તેમનો ધર્મ મૈત્રી - ગીત-સંગીત - મધુરતા - મુસ્કાન - પ્રેમ - પ્રસન્નતાથી સભર છે. જ્યારે જ્યારે આપણી અંદર આ બધું જ અથવા આ પૈકીનું કંઈ પણ અનુભવાય ત્યારે માનવું કે આપણા પર કૃષ્ણકૃપા થઈ છે. કૃષ્ણની સેવા-પૂજા - ભક્તિ - ભજન - આરાધનાનું ફળ આ સઘળી અનુભૂતિઓ હોઈ શકે. કોઈ સ્વજન-પ્રિયજનને મળીએ - ભેટીએ - એને ખબર પણ ના પડે એમ એને રાજી રાખવા બધ્ધું કરી છુટીએ ત્યારે કૃષ્ણ-સુદામાની મૈત્રી આપણામાં પ્રગટી છે ને કૃષ્ણકૃપા થઈ છે એમ માનવું.
કૃષ્ણને વાંચીને-સાંભળીને પામીએ તેમ એક વાત એ પણ પામી શકાય છે કે એમણે જીવનનો સમગ્રપણે સ્વીકાર કર્યો છે. એમના વ્યક્તિત્વમાં જીવનની સમગ્રતાની સ્વીકૃતિ છે. કદાચ એટલે જ એ પૂર્ણાવતાર છે. આપણે સામાન્ય માણસ તરીકે આપણા જીવનની ઘટનાઓને ‘ટોટાલીટી’માં જ્યારે સ્વીકારીએ છીએ, જે છે તેનો સહજ સ્વીકાર કરીએ છીએ ત્યારે માનવું કે આપણા પર કૃષ્ણકૃપા થઈ છે.
મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણ સત્યના પક્ષે રહ્યા છે. શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણના જન્મ સમયે બ્રહ્મા, શિવ અને નારદ એમની સ્તુતિ કરે છે ત્યારે શરૂઆતમાં જ એમને નવધા સત્ય સ્વરૂપ રૂપે ઓળખવામાં આવ્યા છે. આપણી અંદર પણ સત્ય આચરણની ભાવના જન્મે, કોઈ નોંધ લે કે ના લે, કોઈ જુએ કે ના જુએ આપણે સતને મારગ ચાલીએ ત્યારે કૃષ્ણકૃપાનો અનુભવ થાય છે.
થોડું વાંચીએ, જ્ઞાનીઓ પાસેથી સાંભળીએ ત્યારે સમજાય છે કે જે પ્રજાને ટકાવી રાખે તે ધર્મ છે. મહાભારતના સમયમાં કૃષ્ણએ માત્ર પાંડવોનું જ હિત નથી જોયું પરંતુ સમસ્ત પ્રાણીમાત્રનું હિત જોયું હતું. કૃષ્ણ માટે તો લખાયું છે કે યતઃ કૃષ્ણઃ તતો ધર્મઃ યતો ધર્મઃ તતો જય... કૃષ્ણ સહુના મિત્ર બનીને રહ્યા છે ને ધર્મ નિભાવ્યો છે. આપણી અંદર આવો ધર્મભાવ અનુભવાય ત્યારે કૃષ્ણકૃપા થઈ છે એમ માની શકાય.
અર્જુનનો વિષાદ અત્યંત ઉત્કટ પ્રમાણ કે અંતરમાંથી ઉઠેલો છે. એ પછી કૃષ્ણને વિશ્વાસ બેસે છે કે અર્જુન હવે જ્ઞાનને પ્રાપ્ત કરે એટલો સજ્જ થઈ ગયો છે. આપણી અંદર પણ આવો ભાવ પ્રગટ થાય જેનાથી કૃષ્ણને વિશ્વાસ બેસે, આપણી શરણાગતિ એવી હોય કે એમને ભરોસો આવે ત્યારે આપણા પ્રશ્નોના ઉકેલ મળે છે ને કૃષ્ણકૃપા ઝીલાય છે.
કૃષ્ણને વનરાવનની કુંજ ગલીઓ, ગાયો, પ્રકૃતિ, યમુના, ગોવર્ધન, બાળસખા સાથે ગોઠડી, વાંસળી, મોરપીંછ એવું એવું કેટકેટલું પ્રિય છે. આપણા હૃદયમાં પણ પ્રકૃતિ પ્રત્યે પારાવાર પ્રેમ જાગે, પ્રકૃતિના ખોળે આપણે આપણી ચેતનાને જ્યારે એ ગાળીએ ત્યારે માનવું કે કૃષ્ણકૃપા ઝીલાઈ રહી છે.
કૃષ્ણકૃપા સતત વરસી રહી છે, અનરાધાર વરસી રહી છે. બસ, આપણે એને અનુભૂત કરીએ, શ્રીકૃષ્ણ તો ગીતામાં કહે છે, પ્રતિજાને પ્રિયોડસિમે...અર્જુન એને પ્રિય છે અને અર્જુન એટલે આપણે બધા જ માનવો... કૃષ્ણકૃપા અનુભૂત કરીએ અને પ્રેમ - પ્રસન્નતાના દીવડાના અજવાળાં ઝીલીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter