કોઈ એકનો અનુભવ બીજા માટે બની શકે છે બોધરૂપ

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 06th December 2022 05:52 EST
 

‘અનુભવોથી મોટી કોઈ નિશાળ આપણા જીવનમાં હોતી નથી’ એવું વાક્ય કોઈ કહે ત્યારે એક સવાલ એ પણ થાય કે તો શું આ બધા એમના પોતાના અનુભવો હશે? ના, એવું પણ નથી હોતું. અનુભવો વ્યક્તિગત પણ હોય અને સામૂહિક પણ હોય. એના અવલોકન અને અભ્યાસ પછી એ અનુભવોમાંથી કોઈને કોઈ વિચાર, કોઈને કોઈ દર્શન માણસને પ્રાપ્ત થાય છે.

એક વિદ્યાર્થી કોલેજમાં ભણે એટલે ઊંમર પ્રમાણે હોવા જોઈએ અને ના હોવા જોઈએ એવા ઘણા ગુણો એનામાં હોઈ શકે. પરંતુ આ છોકરાની છાપ સામાન્ય સીધાસાદા અને મહેનતુ છોકરાની. તકલીફ એક જ એના પિતાએ નોંધી અને સમય આવ્યે એને પાંચ વાર એના વિશે વાત પણ કીધી.
એ યુવાન બહારની દુનિયામાં ઓછું બોલે, બસ ટાઈમે ના આવે, કોલેજમાં ન્યાય ના મળે, એકેડેમિક સ્ટાફ પાસે એક જ કામે વારંવાર જવું પડે, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવાની થાય, હોટેલોમાં જમવાનું હોય, ટ્રાફિક હોય, જ્યાં જ્યાં એની નજરે અન્યાય દેખાય ત્યાં ત્યાં કશું ના બોલે. ઘરમાં જ્યારે એના પરિવારના સભ્યો સાથે કે અતિ નિકટના દોસ્તો સાથે વાત કરતો હોય અને એને અનુકૂળ સ્થિતિ ના આવે તો ઊંચા અવાજે, તોછડાઈથી વાત કરે. પાછો પોતાનો પક્ષ લેવા એવી રજૂઆત કરે કે, હું ખોટો હોઉં તો કહો! સ્વાભાવિક રીતે પિતાએ એને અનેક વાર સમજાવ્યો કે આપણે સાચા છીએ તો બહાર કેમ અન્યાય સામે ઊઠાવતા નથી? ત્યાં કેમ ચૂપ રહીએ છીએ? એ જ સ્થિતિમાં પરિવારના સભ્યો સાથે કેમ ઉદ્ધતાઇથી વાત કરે છે?
હવે આ ઉદાહરણ આપણી આસપાસ ઘણી જગ્યાએ જુદા જુદા સ્વરૂપે જોવા કે સાંભળવા મળી શકે? જરૂરી નથી કે દરેકનો આવો અનુભવ હોય. મહત્ત્વનો છે એ અનુભવમાંથી પ્રાપ્ત થતો સંદેશ કે આપણે સાચા છીએ એટલે ઊંચા અવાજે, તોછડાઈથી વાત કરવાનો અધિકાર આપણને ક્યારે અને ક્યાંય મળતો નથી. સાચા હોઈએ અને વાત સાથે સહમત ના હોઈએ તો પણ વિરોધ કરવાની એક મર્યાદાપૂર્ણ રીતે હોય!
એક ભાઈ જ્યારે પણ તક મળે ત્યારે એવું બોલતા ફરે કે ‘આપણા મન પર, બુદ્ધિ પર, આપણો જ કબજો હોવો જોઈએ.’ આ માટે બે-ચાર દૃષ્ટાંતો પણ આપે અને પછી એમના જીવનમાં ક્યાંક ક્યારેક ગુસ્સો કરે, ન બોલવાનું બોલે, બ્લડપ્રેશર વધી જાય, ટેન્શન વધે ત્યારે પાછા X, Y, કે Z વ્યક્તિના નામ લઈને એમ કહે કે, ‘આમના કારણે મારા વિચારો દૂષિત થયા, મારાથી ના બોલવાનું બોલાઈ ગયું.’ હવે આમાં ક્યાં મેળ બેસે છે? પરંતુ આપણા માટે લેવાનો બોધપાઠ એક જ કે, આપણે તો આવું નથી કરતા ને? જો કરતાં હોઈએ તો અટકી શકીએ ને? જરૂરી હોય છે અવલોકન...
માનવીય સંબંધોમાં જાતજાતના સામાજિક-આર્થિક વ્યવહારોમાં આવા અનેક કિસ્સા બને છે, આપણે વાંચીએ કે સાંભળીએ છીએ, મહત્ત્વનું એ હોય છે કે એ ઘટનાને આપણા મનમાં-હૃદયમાં જગ્યા આપવી કે નહીં? જગ્યા આપવી તો કેટલી? ક્યાં સુધી? આટલી સમજણ કેળવાય તો દરેક વ્યક્તિના અનુભવોમાંથી પણ આપણે આપણા ખપ મુજબનું લેસન એટલે કે બોધપાઠ લઈ શકીએ.
આપણે ત્યાં વડીલો એમ કહો કે અનુભવીઓ એવું બોલે છે કે, ખાડો હોય અને એમાં કોઈ પડે તો પાછળ આવનારે ધ્યાન રાખીને એ ખાડાથી દૂર થઈ જવું જોઈએ. ખાડામાં પડવાથી શું થાય? કેટલી પીડા થાય? એ જાણવા બધાએ ખાડામાં પડવાની જરૂર થોડી છે? કોઈ એકનો અનુભવ બીજાના માટે પણ બોધરૂપ બની શકે એટલે કદાચ નાટકો-સિનેમા કે વેબ સિરીઝના પાત્રોમાં જે જે ભાવ અભિવ્યક્તિઓ થાય છે, એમાં કાવ્યોમાં ને ગીતોમાં, પ્રવચનોમાં અને સત્સંગમાં જે કંઇ પણ રજૂ થાય છે એમાં આપણને આપણા હૃદયની ભાવનાનું પ્રતિબિંબ દેખાય છે.
અવલોકન, અભ્યાસ, અનુભવ અને અનુભૂતિ આ બધામાં ફર્ક છે. આ ફર્કને, આ ભેદને જે સમજે, જે પામે અને એને અનુરૂપ પોતાના જીવનમાં એના થકી આચાર-વિચારનું પોતાની જરૂરિયાત મુજબ અમલીકરણ કરે તેના જીવનમાં બીજાના અનુભવો થકી પણ સમજણના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter