ક્યારેક શબ્દો તો ક્યારેક મૌન દ્વારા રચાતું સંવેદનાનું કાવ્ય

Wednesday 02nd November 2016 07:08 EDT
 
 

‘પપ્પાની સ્મૃતિમાં સ્વજનો-પ્રિયજનોને આપણે કાંઈક આપીએ.’ પત્નીએ જીતેષને કહ્યું. અને એ પુસ્તક પસંદ કરવામાં નિમિત્ત બની જીતેષની બહેન સોનલ.

વાત જાણે એમ કે ગર્ભશ્રીમંત પરિવારના મોભી અને ઘરના આધારસ્તંભ એવા વડીલનું આઠ દાયકાની લાંબી જીવન સફર બાદ અવસાન થયું. એમના વ્યવસાયમાં, માનવીય સંબંધોમાં અને નગરમાં એમણે અત્યંત લોકચાહના મેળવી હતી. સરળ સ્વભાવ, સામેના માણસને ઉપયોગી થવું, માનવતા એ જ ધર્મ, આ અને આવા અનેક સદગુણોના કારણે એમના સ્વભાવની સાદગીની મીઠી સુગંધ તેઓ છોડી ગયા હતા. બે પુત્રો અને એક પુત્રીના લગ્ન થઈ ગયા હતા અને એમના બાળકો પણ શ્રેષ્ઠ અભ્યાસ કરીને પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા હતા.

સહજપણે દીકરા-વહુને લાગ્યું કે પપ્પાની સ્મૃતિમાં પરિચિતોને કંઈક આપીએ. ઓડીયો સીડી, પુસ્તકો, ધાર્મિક વસ્તુઓ એમ અનેક વિકલ્પો બાબતે બંને ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જીતેષની બહેન સોનલ આવી અને સોનલે એક પુસ્તકનું નામ આપ્યું. એક અવાજે બધાએ પુસ્તક સ્વીકારી લીધું.

સોનલે એના પારિવારિક મિત્રને ફોન જોડ્યો. નામ આપીને કહ્યું, ‘તમારી પાસે આ પુસ્તક જે મેં તમને વાંચવા મોકલ્યું હતું તે હશે.’ સામેથી મિત્રે કહ્યું, ‘અરે અદભૂત છે અને એમાંથી હું જિંદગીના કેટલાક સરસ પાઠ શીખ્યો છું. હું તમને મોકલાવી દઈશ પરત.’

સોનલે વાત કાપતાં કહ્યું, ‘ભાઈ, પરત મોકલવાની વાત નથી, પરંતુ હવે તમારી દીકરી સ્તુતિ માટે હું આ પુસ્તક અંગ્રેજી ભાષામાં મોકલું તો કેવું?’ અને સામેથી ઉમળકાભર્યો પ્રતિસાદ મળતાં આ પરિવારે પુસ્તકની અંગ્રેજી - ગુજરાતી બન્ને આવૃત્તિ મોટી સંખ્યામાં ખરીદી અને પછીથી તે પુસ્તક પ્રિયજનો-સ્વજનોને ભેટ આપ્યું.

લેખક જીમ સ્ટોવેલના એ મૂળ અંગ્રેજી પુસ્તકનું નામ છે ‘અલ્ટીમેટ ગિફ્ટ.’ એનો ગુજરાતી અનુવાદ કર્યો છે નીતા રેશમીયાએ ‘અનોખી ભેટ’ નામે.

સ્તુતિને દિવાળીના દિવસોમાં આ પુસ્તક હાથમાં આવ્યું અને એણે રજાઓમાં માત્ર બે દિવસમાં આ અંગ્રેજી પુસ્તક વાંચવા માટે નહીં, સમજણપૂર્વક ભાવપૂર્વક વાંચી લીધું. રાજી થઈ ગઈ.

પુસ્તકમાં હોવર્ડ ‘રેડ સ્ટીવન્સ’ નામના અબજોપતિના વસિયતનામાની વાત છે અને એનો હીરો છે ભત્રીજો જેસન નામનો યુવાન. એક બેઠકે વાંચી જવા મજબૂર કરે એવી પક્કડ ધરાવતા આ પુસ્તકમાં આપણે કોઈને અનોખી ભેટરૂપે શું શું આપી શકીએ? એ પ્રશ્નના ઉત્તરો છે.

૧. પરિશ્રમ ૨. ધન ૩. મૈત્રી ૪. ભણતર ૫. સમસ્યા ૬. પરિવાર ૭. હાસ્ય ૮. સપના ૯. અર્પણ ૧૦. કૃતજ્ઞતા ૧૧. એક દિવસ અને ૧૨. પ્રેમ.

આ ૧૨ અનોખી ભેટના પ્રવાહમાં વાચક એવો વહે છે કે એની ભીનાશ સ્વજનો-પ્રિયજનોને આવી ભેટ - અનોખી ભેટ આપવા માટેની ભાવના એના હૈયામાં પ્રગટ કરે છે.

•••

લેખક જીન સ્ટોવેલ પ્રજ્ઞાચક્ષુ છે, વજન ઊંચકવાની સ્પર્ધામાં ઓલિમ્પિકમાં ભાગ લઇ ચૂક્યા છે, નાણાકીય સલાહકાર છે અને ટોક શોના સંચાલક પણ છે.

આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસના લોકોને આપણે સતત કાંઈક - ભૌતિક કે લાગણીના સ્વરૂપે આપતા રહીએ તો આપનાર અને સ્વીકારનાર બન્ને આનંદ પામે છે. આ લાગણી રોજ-બ-રોજ જાગતિક સ્વરૂપે પ્રતિપળ આપણા જીવનમાં સાતત્યપૂર્ણ રીતે અનુભવાય તો આપવાનો અનહદ આનંદ આપણને પ્રાપ્ત થાય.

સહજ હાસ્ય, હૂંફાળો સ્પર્શ, આંખોથી થતો હકારાત્મક અણસારો, પ્રેમનું આલિંગન... એ અવલોકનની નહીં, પરંતુ અનુભૂતિની વાત છે. શબ્દો અને મૌન બન્ને દ્વારા અભિવ્યક્ત થતાં સંવેદનાના કાવ્યને વાંચવા માટે સામેનો માણસ સાક્ષર હોય એ નહીં, સભર હોય એ જરૂરી છે. આપવાનો આનંદ જ્યારે જ્યારે ક્યાંય પણ દેખાય - અનુભવાય ત્યારે આ અનોખી ભેટના અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ

જીવનને સંપૂર્ણપણે જીવવું અને માણવું, એ જ અનોખી ભેટ છે. દરેક દિવસ - એટલે કે આજનો દિવસ જીવી જવો એ જ જીવનનો સાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter