ક્ષેમુભાઈ એટલે ખોબલે ખોબલે આપનારા માણસ...

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 06th June 2020 08:15 EDT
 

‘આ તો ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે, વધુ એપિસોડ રજૂ કરો.’

‘અમારે ડોક્યુમેન્ટરીના થોડા દૃશ્યો નહીં, પૂરી ફિલ્મ જોવી છે.’
‘એમની રચનાઓનોએ ગુજરાતી કાવ્યસંગીતને રળિયાત કર્યું છે.’
‘એમના સ્નેહ આશ્રયમાં, એમની પાસેથી શીખીને નવી પેઢી વિકસી છે.’
આવા આવા તો અનેક વાક્યો જેમના માટે વાંચવા - સાંભળવા મળ્યા, એ વ્યક્તિત્વ એટલે કાવ્યસંગીતના પ્રેમીઓમાં રૂદિયાના રાજા તરીકે વસેલા શ્રી ક્ષેમુ દિવેટીયા.
ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે સમર્થ સ્વરકારની અમીટ છાટ મુકી જનાર ક્ષેમુભાઈના સાંનિધ્યમાં, એમની સંગીતની મહેફિલોમાં જેમણે જેમણે સમય વીતાવ્યો છે એ તમામે એમનું સ્મરણ કર્યું તાજેતરમાં ‘અમદાવાદ તક’ નામની યુટ્યુબ ચેનલ પર ક્ષેમુકાકાને સ્મરણમાં રાખીને પ્રસ્તુત કરાયેલા ત્રણ એપિસોડના સમયે.
‘અમદાવાદ તક’ ધ્વનિ ઓઝા નામની અમદાવાદની સ્ટેજ આર્ટીસ્ટનું રચેલું પ્લેટફોર્મ છે, જેના પર આર્ટ-કલ્ચર-ટ્રાવેલ-સ્પિરિચ્યુઅલ કાર્યક્રમો અને અમદાવાદની હકારાત્મક વાતો રજૂ થતી રહે છે.
મૂળ ભાવનગરના હર્ષજીત ઠક્કર, જેઓએ અમદાવાદ ઈસરોમાં ખૂબ કામ કર્યું છે અને પછી લંડન સ્થાયી થયા છે, તેમને વિચાર આવ્યો કે લોકડાઉનના આ સમયમાં કાવ્યસંગીત પર કંઈ રજૂઆત થવી જોઈએ. દાયકાઓ પહેલાનો ‘મહેફિલ’ કાર્યક્રમનો એમનો અનુભવ અને કલાકારો સાથેની દોસ્તી એમની પાસે જ હતા. તેમણે ફોન કર્યો અમદાવાદમાં જાણીતા તસવીરકાર હર્ષેન્દુ ઓઝાને... આખોય કાર્યક્રમ ડિઝાઈન થયો. કલાકારોએ પોતાના ઘરમાં જ રહીને ક્ષેમુકાકાને સમર્પિત કાર્યક્રમ માટે સમર્પિત ભાવે પ્રસ્તુતિ કરી. આર્કાઈવ્ઝમાંથી મિત્રોએ ખજાનો ખોલી આપ્યો અને સરવાળે ત્રણ એપિસોડ એક અઠવાડિયામાં ‘અમદાવાદ તક’ યુટ્યુબ ચેનલ પર અને બ્રિટનમાં MATV પર રજૂ થયા. જે દરમિયાન મળેલા પ્રતિભાવો પૈકીના કેટલાક લેખના પ્રારંભને લખાયા છે.
ક્ષેમુ દિવેટીયા એક એવું નામ, જે લેતાં કે સાંભળતા જ મન મુકીને ખુલ્લું અને સાલસ હાસ્ય કરતા, પ્રેમાળ, મૌજીલા ક્ષેમુકાકાનું દૃશ્ય નજર સામે આવી જાય. શબ્દને પામવાના અને પછી યોગ્ય સૂરમાં યોગ્ય કલાકાર પાસે ગવડાવવાના એ માહિર સ્વરકાર હતા.
જિંદગીની પળ પળને માણનાર હતા ક્ષેમુભાઈ... પ્રસ્તુત કાર્યક્રમમાં કવિ-પ્રવક્તા તુષાર શુક્લે સાચું જ કહ્યું કે ‘ક્ષેમુભાઈ એટલે રૂદિયાના રાજા, રંગો સાથે વ્યવસાય કર્યો, એમનું સંગીત, મિત્રો જીવન બદ્ધું જ રંગભર રહ્યું.’ કાર્યક્રમના ડાયરેક્ટર હર્ષજીત ઠક્કરે કહ્યું કે ‘મુંબઈના કલાકારો નાટ્ય પ્રસ્તુતિ માટે અમદાવાદ આવે, નાટક પૂરું થાય પછી ક્ષેમુભાઈના ઘરે સંગીતની બેઠકનો આરંભ થાય. ક્ષેમુભાઈ એટલે ખોબલે ખોબલે આપનારા માણસ...’ એમણે સ્વરબદ્ધ કરીને આપેલા કાવ્યસંગીતના ગીતો - નાટકના અને ગુજરાતી ફિલ્મના ગીતો - ગરબા અને ભક્તિરચનાઓ એ ગુજરાતી સંગીતપ્રેમીઓને એમની અણમોલ ભેટ છે.
મૂળ નામ ક્ષેમેન્દ્ર વીરમિત્ર દિવેટીયા. પણ વધુ ઓળખાયા ક્ષેમુકાકાના નામે. એમના લગ્ન થયા સુધા લાખીયા સાથે. કવિ બાલમુકુંદ દવેનું પ્રસન્ન દામ્પત્ય જીવનનું ગીતા ‘કેવા રે મળેલા મનના મેળ...’ એ બંનેએ આઈએનટી સંસ્થાના નાટક ‘સપ્તપદી’માં ગાયું અને પછી આ રચના જાણીતા ગાયકો શ્રી જનાર્દન રાવલ અને શ્રીમતી હર્ષિદા રાવલના સ્વરમાં ‘શ્રવણ માધુરી’ આલ્બમમાં અને ‘કાશીનો દીકરો’ ગુજરાતી ફિલ્મમાં પણ રજૂ થયું.
રાજ્યના માહિતી ખાતા દ્વારા નિર્મિત ક્ષેમુ દિવેટીયાના જીવન પરની ડોક્યુમેન્ટરી બનાવવાનો અવસર મને મળ્યો હતો એનો અને ભાવનગરમાં એક કાર્યક્રમમાં અતિથિ તરીકે ક્ષેમુકાકા અને સુધાકાકી તથા ગૌરાંગભાઈ અને નયનાબહેન પધાર્યા ત્યારે અમારા ઘરે વીતાવેલો સમય પણ મારા માટે મીઠાં સંભારણાં બની રહ્યો છે.
ત્રણ એપિસોડમાં આ ફિલ્મના દૃશ્યો, જલસો એપ દ્વારા મળેલા લાઈવ કાર્યક્રમના ગીતો, સલીલ મહેતા નિર્મિત સુરીલી સરગમ કાર્યક્રમના ગીતોએ જાણે સ્મરણોથી સહુને સભર કરી દીધા. માલવ દિવેટીયા અને પૂરા દિવેટીયા પરિવારે આ પ્રયાસને વધાવ્યો.
ક્ષેમુકાકા-સુધાકાકી, રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ, આસીત દેસાઈ-હેમા દેસાઈ, સૌમિલ મુન્શી, આરતી મુન્શી અને ડો. શ્યામલ મુન્શી, અમર ભટ્ટ, ગાર્ગી વોરા, કલ્યાણી કૌઠાળકર, પ્રહર વોરા, ડો. સાવની દિવેટીયા શાહના સ્વરમાં ક્ષેમુકાકાના સ્વરાંકનો પ્રસ્તુત થયા અને બિંદુમાં સિંધુ જેવા આ કાર્યક્રમને મુરબ્બી કવિ-કાર્યક્રમ સંચાલક તુષાર શુક્લે સંકલિત કર્યો. મને પણ આ કાર્યક્રમના કલાકાર તરીકે જોડાવાનો અવસર મળ્યો એ મારો આનંદ. એક અર્થમાં સહુના હૈયામાં સ્મરણોના દીવડા પ્રગટ્યા ને સૂર-શબ્દના અજવાળાં રેલાયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter