ખલીલ ધનતેજવીઃ શબ્દોના સંગાથી, શબ્દોની તેજસ્વીતાના માણસ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 05th April 2021 05:53 EDT
 
 

ખુમારી તો ખરેખર

વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને
તને મળવા નહિ આવું.
આ અને આવા અનેક જુસ્સેદાર, ઝિંદાદિલી ભર્યા શેર લખનાર શાયર શ્રી ખલીલ ધનતેજવી એટલે શબ્દ સાથેની સોબતના માણસ, પળ પળ જીવનના ધબકારને અનુભવતા માણસ... અભ્યાસ કે અવલોકન થકી મનમાં ઊઠતા વિચારોને કલમ થકી દુનિયા સુધી પહોંચાડનારા માણસ. ખલીલ ધનતેજવી એટલે શબ્દની મૈત્રીના, શબ્દની તેજસ્વીતાના માણસ... એમણે એમની રચનાઓ થકી પાથરેલો ઉજાસ કાવ્યપ્રેમીઓ માટે હંમેશા અજવાળા પાથરતો રહેશે.
આત્મવિશ્વાસ, ખમીર અને ખુમારી એમની પ્રસ્તુતિમાં - અવાજના રણકારમાં જ પ્રતિબિંબિત થતા હતા એવું નહિ, એમના વાણી-વર્તન ને વ્યવહારમાં, અરે એ જ્યાં નજર માંડે કે મંચ પર ડગ ભરે ત્યારે પણ એ ઊડીને આંખે વળગતા સહુએ અનુભવ્યા છે. સાદગી-સરળતા અને સૌમ્યતા પણ એમના સ્વભાવની ઓળખ. સંવેદનશીલતા સાથે - પ્રેમપૂર્ણ રીતે એમની સાથે વાતચીતની અનુભૂતિ શ્રોતા-વાચક કે અન્ય સાથીઓને એમના વ્યક્તિત્વમાંથી હંમેશા થતી રહેતી હતી.
પોતાની કવિતા-શબ્દ-ગઝલ પરનો એમ કહો કે સર્જક તરીકે સર્જકતા પરનો આત્મવિશ્વાસ એવો કે તેઓએ ક્યારેય મુશાયરામાં દાદ ઉઘરાવવી ન પડી, એમની ગઝલના શેરમાં સમાયેલા ભાવ વિશ્વમાં શ્રોતા જ એવો સમાઈ જાય કે સાહજિક દાદ આપી જ દે... ક્યા બાત હૈ, ક્યા બાત હૈ...
સુપ્રસિદ્ધ ગુજરાતી અને ઉર્દુ ભાષાના ગઝલકાર, કવિ, લેખક, પત્રકાર અને એ બધાથી ઉપર ઉત્તમ અને ઉધાર માનવી એવા ખલીલ ધનતેજવી વડોદરામાં જન્નતનશીન થયા.
વિશ્વભરના ગુજરાતી ભાષાના ચાહકોએ, વિધવિધ ક્ષેત્રના મહાનુભાવોએ એમને શ્રદ્ધાંજલિ આપી. એમની રચનાઓની વિશેષતા એ હતી કે એ વાંચતી વખતે કે સાંભળતી વખતે બંને સ્થિતિમાં વાચક-શ્રોતા-ભાવક જાણે શબ્દોમાં એકાકાર થઈ જતો હતો. પ્રસ્તુતિ અને અદાયગીમાં સહજતાથી માહેર હતા ખલીલ સાહેબ. મારું એ સદભાગ્ય છે કે પૂજ્ય મોરારિબાપુ પ્રેરિત ‘અસ્મિતા પર્વ’માં અને ગુજરાતના કેટલાક કાર્યક્રમોમાં એમને નિયમિતરૂપે મળવાનું થયું. એમની ગઝલના શેરને અને મંચ પરની પ્રસ્તુતિને એક ભાવક તરીકે માણવાનો અવસર મળ્યો. આજે એ સ્મરણો એમના વ્યક્તિત્વની સહજતા અને શબ્દોની સુગંધથી મને સુગંધિત કરે છે.
ફિલ્મો સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા હતા. ફિલ્મનિર્માણ અને સંવાદલેખન તથા ફિલ્મોના અભ્યાસીરૂપે એક કોલમીસ્ટ તરીકે એમની કોલમોમાં સાંપ્રત સમસ્યાઓ - નાગરિક ધર્મ અને કવિતાની વાત તેઓ હંમેશા રજૂ કરતા રહ્યા. પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓ - પડકારો - સંઘર્ષોને ઝીલતા ને ઝેલતા રહ્યા... એ વેદના-પીડા કે દર્દ એમને વધુ મજબૂત કરતા રહ્યા, એમનામાં વધુ ને વધુ ઝીંદાદિલી - ખુમારી અને ખમીર પ્રગટતા રહ્યા, જે એમની ગઝલોમાં પડઘાય છે.
આ દરિયાના ઊંડાણો માપવાનું સાવ છોડી દે,
તું મારામાં ઉતર
હું સાતમા પાતાળ જેવો છું.
અમે અમારી રીત પ્રમાણે
રાતોને અજવાળી છે,
તમે ઘરે દીવો સળગાવ્યો
અમે જાતને બાળી છે.
ખાલી ગઝલ જો હોય તો
ફટકારી મારીએ,
આ તો હૃદયની વાત છે,
હાંફી જવાય છે.
ખલીલ ધનતેજવીની ગઝલ-શાયરીએ હિન્દુ-ઉર્દુ ભાષામાં પણ સુંદર રચનાઓ આપી છે.
અબ મેં રાશન કી કતારોમેં
નજર આતા હું,
અપને ખેતોં સે બિછડને કી
સજા પાતા હું.
ઈતની મહંગાઈ કે
બાઝાર સે કુછ લાતા હું,
અપને બચ્ચોમેં ઉસે
બાંટકે શરમાતા હું.
એમના વ્યક્તિત્વનું અને એમની સર્જન યાત્રાનું સ્મરણ શબ્દપ્રેમીઓ માટે કાયમી અજવાળું બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter