ગણપતિ બાપ્પા મોરિયા...

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 27th August 2025 06:00 EDT
 
 

ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ રૂપે ઊજવાશે. ઘરોમાં, પંડાલોમાં, મંદિરોમાં સવાર-સાંજ ગણપતિ બાપ્પાની આરતી-સેવા-પૂજા-પ્રસાદ થશે.

ગણપતિ, આપણા શાસ્ત્રોમાં એમને ગણોના દેવ તરીકે ઓળખાવાયા છે. શુભત્વના, મનોકામના પૂરી કરનાર, રિદ્ધિ-સિદ્ધિના દાતા તરીકે ઓળખાવાયા છે. ગણપતિ પૂજામાં ભક્તના હૃદયનો ભાવ છે, વિધિવિધાન છે, ગણપતિને ઘરે સ્થાપિત કરવાનો, એમને લાડ લડાવવાનો મહિમા છે. મહારાષ્ટ્રમાં તો ઘરે ઘરે ગણપતિ તેડાશે, લડ્ડુભોગ ધરાશે, આસપાસના લોકો આરતીમાં જોડાશે ને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. એ સિવાય ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ભાવપૂર્વક ગણેશ ઉત્સવ યોજાશે.
ગણપતિ વંદના કરનાર આપણે બધા એ જાણીએ છીએ કે ગણપતિ એ રિદ્ધિ-સિદ્ધિના દાતા તો છે જ, સાથે સાથે કલા અને વિજ્ઞાનના આશ્રયદાતા છે, શાણપણના, બુદ્ધિના પણ દાતા છે. જાણીતી કથા છે એ મુજબ કોઈપણ પૂજાના, શુભ કાર્યના, ધાર્મિક કે સામાજિક સમારોહના આરંભે ગણપતિ વંદના થાય છે.
શિવ અને પાર્વતીના પુત્ર છે ગણેશ. ગણપતિ, વિઘ્નેશ્વર જેવા અનેક નામો છે એમના. મૂળમાં ગણેશ નામમાં ગણ અને ઈશ શબ્દોનું સંયોજન છે, જેનો અર્થ થાય છે ગુણોનો સમૂહ. આ ઉપરાંત આપણા ધર્મગ્રંથોમાં - શાસ્ત્રોમાં વિનાયક, અષ્ટવિનાયક જેવા નામોને એના સુચક અર્થ પણ છે. ગણેશજીના પ્રાચીન ચિત્રો - પ્રતિમાઓ મળે છે એના અભ્યાસુઓ કહે છે કે એમના હાથોની સંખ્યા બેથી સોળ વચ્ચે જોવા મળે છે. એમના સ્વરૂપના કેટલાક પ્રતિકો, જેમ કે એકદંત, ચાર ભૂજા, મસ્તક પર તિલક, મૂષક (ઉંદર)ની સવારી, મોટું પેટ, મોટા કાન, મોટી સુંઢ અને ઝીણી આંખના પણ અર્થો મળે છે.
ગણેશજી એકદંત કેમ છે? તેની સાથે જોડાયેલી કેટલીક દંતકથાઓ છે. લોકના અને શ્લોકના બંનેના શબ્દોમાં ગણેશજી પ્રત્યેની ભાવ વંદના સાંભળવા કે વાંચવા મળે છે. તેઓ ઉંદરની સવારી કરે છે. ઉંદર સતત પ્રવૃત્તિશીલ રહે છે, એક અર્થ એવો છે કે માણસે ઉંદરની જેમ પ્રવૃત્ત રહેવું જોઈએ, બીજો અર્થ એવો પણ છે કે સતત પ્રવૃત્તિમાં જોતરાયેલા મન-બુદ્ધિ પર માણસે વિવેકથી કંટ્રોલ મેળવવો જોઈએ.
એમના શરીરમાં એક ભાગ મોટું પેટ છે, જે સૂચવે છે કે બધી વાતને બોલો નહીં, ઉદરમાં સમાવો. મોટા કાન સૂચવે છે કે બોલો ઓછું - સાંભળો વધુ. ઝીણી આંખ સૂચવે છે કે બધી બાજુ બધી ઘટનાને ઝીણવટપૂર્વક જુઓ. આ બધા લોકજીવનમાંથી પ્રાપ્ત થતાં, આપણા સહુ માટે પ્રેરક સંદેશ બને એવા અર્થો છે જે મુજબ આપણે ક્યારેક જ જીવીએ છીએ, જો જાગૃતિપૂર્વક આ અર્થોને આત્મસાત્ કરીએ તો આજે પણ આપણા જીવનમાં આવી પડનારી અનેક મુશ્કેલીઓથી બચી શકીએ અને એ અર્થમાં ગણપતિ બાપ્પાનું વિઘ્નેશ્વર સ્વરૂપ આપણા પર કૃપા કરે છે.
ગણપતિની પૂજામાં એમને દુર્વા ચઢાવાય છે, પ્રસાદમાં મોદક ધરાવાય છે. એની સાથે જોડાયેલી કથાઓ પણ એટલી જ રસપ્રદ છે. ગણપતિ ઉત્સવ આવે એટલે બાળકોને તો જાણે ગણપતિ એમના સખા હોય એવું લાગે. ગયા વર્ષે મારી દીકરી ધ્વનિના ઘરે ત્રણ દિવસ ગણપતિ તેડ્યા હતા, એની ત્રણ વર્ષની દીકરી અનન્યાને ગણપતિ બાપ્પા સાથે એટલું બધું હેત બંધાયું કે નાસ્તો કરવો, જમવું બધ્ધું જ એમની સામે બેસીને કરે, એમને વિદાય આપવા પણ એનું બાળમાનસ તૈયાર નહીં. આ પ્રેમ સમય જતાં ધીમે ધીમે ભક્તિમાં પરિવર્તિત થતો હોય છે. અને આવું થાય ત્યારે ગણેશજીની કૃપાના અજવાળા રેલાય છે. ગણપતિ ઉત્સવના દિવસો છે, આવો ગુણોના દેવની ભક્તિ કરીએ, એ અજવાળાંને ઝીલીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter