ગાંધીજીના જીવનમૂલ્યોને જાણવા-સમજવાનો પ્રયાસ

Wednesday 21st June 2017 09:18 EDT
 

‘મારે ગાંધીજીના જીવન વિશે જાણવું છે એટલે હું આ ટ્રેનમાં જવાનો છું.’

માત્ર ૧૨ વર્ષની ઊંમરના કિશોર મીતે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને એક મુલાકાતમાં આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે સહુને રાજીપો થયો હતો.
અવસર હતો અમદાવાદસ્થિત સત્યાગ્રહ આશ્રમ (સાબરમતી આશ્રમ)ની સ્થાપનાના શતાબ્દી વર્ષની ઊજવણીના ભાગરૂપે IRCTC દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જીવનયાત્રા સાથે સંકળાયેલા અગત્યના સ્થળોએ આવરી લેતી આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન (ગાંધીદર્શન)ના શુભારંભનો. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને આ ટ્રેનને વિદાય આપી કહ્યું હતું કે ભારતને જગત જનની બનાવવામાં ગાંધી આચાર-વિચાર આદર્શો જ ઉપર્યુક્ત થશે.
લોકો ગાંધીજીના જીવનમૂલ્યો જાણે અને સમજે તે હેતુથી ગાંધીદર્શન ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. ટુર પેકેજીસમાં ટિકિટ, શાકાહારી આહાર, ધર્મશાળામાં નિવાસ, સ્થળોની મુલાકાત, ટુર એસ્કોર્ટનો સમાવેશ કરાયો છે. કુલ ૯ રાત્રિ અને ૧૦ દિવસનો પ્રવાસ હશે. IRCTC દ્વારા ગાંધીમૂલ્યો સાથે તેમના જીવન સાથે જોડાયેલા સ્થળોના પ્રવાસને આવરી લેતી ટ્રેનનું આયોજન પ્રથમવાર કરાયું હતું.
ગાંધીજીએ આચરણમાં મુકેલા અને પ્રવચનો કે વ્યવહાર થકી પ્રબોધેલા જીવનમૂલ્યો આજે પણ પ્રત્યેક માણસ માટે એટલા જ ઉપકારક છે એની પ્રતિતીનો અનુભવ ભારતીબહેન, રમીલાબહેન સોની, ક્રિષ્ણભાઈ સોની તથા જગદીશભાઈ જેવા અનેક મુસાફરોને થઈ રહ્યો હતો. ૧૬ જૂન સુધીમાં અમદાવાદ ૨૫૨, આણંદ ૪૦, વડોદર ૧૧૭, ભરૂચ ૨૦, સુરત ૧૧૧ અને IRCTC દ્વારા ૬૦ મળીને અંદાજે ૬૦૦ જેટલા યાત્રઓએ તો એમના કન્ફર્મ બુકીંગ પણ કરાવી દીધા હતા.
દરેક રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનું સ્વાગત સફેદ ટોપી અને સુતરની આંટીથી કરાયું હતું. IRCTCના અધિકારી, જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારી તથા સ્થાનિક પદાધિકારીઓ રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓના સ્વાગતમાં સામેલ થયા હતા.
ગાંધીજીએ શેગાવ ગામમાં વસવાટ કર્યો હતો જેનું તેઓએ પુનઃ નામકરણ ‘સેવાગ્રામ’ કર્યું હતું. રાષ્ટ્રીય બાબતો, ચળવળો અને આયાતને લગતા ઘણા નિર્ણયો સેવાગ્રામમાં લેવાયા હતા.
ગાંધીજીના અનુયાયી મીરાબહેન એક ઝૂંપડીમાં ગામડાંના માણસોને કાંતણ-પીંજણ શીખવતા. સમય જતાં ગાંધીજી અને કસ્તુરબા ઝૂંપડીમાં રહ્યા હતા અને એ પછી આ ઝૂંપડી ‘બાપુ કુટી’ અને ‘બાપુના કાર્યાલય’ તરીકે ઓળખાય છે.
સ્વર્ગસ્થ જમનાલાલે જે મંદિરના દ્વાર ૧૯ જુલાઇ ૧૯૨૮ના રોજ ‘હરિજનો’ માટે ખોલ્યા તે લક્ષ્મીનારાયણ મંદિર વિષ્ણુ અને લક્ષ્મી માતાને સમર્પિત છે.
મોતિહારી નગરમાં આવેલા ગાંધી સંગ્રહાલયમાં ચંપારણ્ય સત્યાગ્રહના સ્મૃતિચિહનો અને તસવીરોનો વિશાળ સંગ્રહ આવેલો છે. ગાંધીજીને સમર્પિત આ મ્યુઝિયમ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
૧૮-૪-૧૯૧૭ના રોજ ગાંધીજી મોતીહારીની કોર્ટમાં ઉપસ્થિત રહ્યા તે સ્થળે ૪૮ ફૂટ લાંબો ચુનાર સ્ટોન પિલ્લર ભારતના સ્વતંત્રતા ચળવળનું પ્રારંભનું કેન્દ્ર છે.
ભગવાન બુદ્ધને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું તે મહાબોધિ મંદિર સંકુલ, વારાણસી નજીક આવેલું સારનાથ મંદિર, વારાણસીનું વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર, મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ, અલ્લાહાબાદનો ત્રિવેણી સંગમ, અલ્લાહાબાદનું આનંદભવન જેવા અનેક સ્થળોની યાત્રા આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન કરાવશે.
સમારોહમાં ઉપસ્થિત સૌએ IRCTC અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના આ ટ્રેન શરૂ કરવાના પ્રયાસને બિરદાવી મહાત્મા ગાંધીના જીવનમૂલ્યોનું સ્મરણ કર્યું હતું.

•••

‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’
ભજન જેમનો જીવનમંત્ર હતો એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યો-વિચારો, એમણે જ્યાં જ્યાં રહીને કાર્યો કર્યા એ સ્થળો, એમના સ્મરણો જ્યાં સચવાયા એ મ્યુઝિયમો આ બધ્ધું જ આજે પણ સાવ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના સહુ માટે એટલું જ પ્રેરક બની રહ્યું છે.
ગાંધીવિચારોને ક્યારેય સમયની કે ભૂગોળની સરહદ નડી નથી. ગાંધીજી આજે પણ દેશ-વિદેશની નવી પેઢી માટે એટલા જ પ્રસ્તુત છે એનો ખ્યાલ આજે પણ એમના વિશે જાણકારી મેળવી રહેલા કિશોરો-યુવાઓને મળીએ ત્યારે આવે છે. ‘સત્યાગ્રહ’ શબ્દ દ્વારા જેમણે આપણા દેશને આઝાદી અપાવવામાં પ્રધાન ભૂમિકા ભજવી એ મહાત્મા ગાંધીના જીવનમૂલ્યો સાથે જોડાયેલું કોઈપણ આયોજન થાય ત્યારે ગાંધીજીના જીવનમૂલ્યો જેવા સદગુણોરૂપી આચરણના નાનકડા દીવડા પ્રગટે છે ને આસપાસ એના અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ

કામની અધિકતા નહીં, કામની અનિયમિતતા માનવીને મારે છે. - મહાત્મા ગાંધી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter