ગાયઃ પૃથ્વી પરની કામધેનુ

અજવાળું અજવાળું

તુષાર જોશી Saturday 23rd September 2017 08:14 EDT
 

‘હું આ અવસરે મારી લાગણી સરકાર સુધી તમારા સહુના સમર્થન સાથે પહોંચાડવા માગું છું કે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવે.’

તાજેતરમાં અમદાવાદમાં ભારતના મુખ્ય ઈમામ સાહેબ ઉમર અહમદ ઈલ્યાસીએ જ્યારે આ વાત મંચ પરથી રજૂ કરી ત્યારે ઉપસ્થિતોએ એમને શ્રોતાકક્ષમાંથી સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. મંચ પરના સાધુ-સંતો અને મહાનુભાવોએ એમની વાતને સાધુવાદથી આવકારી હતી.
પ્રસંગ હતો શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટના તત્વાવધાનમાં અમદાવાદમાં યોજાયેલા પૂજ્ય ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝાના ષષ્ટિપૂર્તિ સમારોહનો. ષષ્ટિપૂર્તિ સેવા સમિતિ દ્વારા યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં વિધવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ‘ચલે માનવતા કી ઔર’ વિષય પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનો તથા પ્રસાદની વ્યવસ્થાને પણ શ્રોતાઓએ ન્યાય આપ્યો હતો.
સંતમિલન સમારોહમાં ઉપસ્થિત રહેલા વિશ્વપ્રસિદ્ધ સંતોએ પોતાના વિચારો અને શુભકામનાઓ પ્રસ્તુત કરી હતી.
પૂજ્ય ‘ભાઈશ્રી’એ જ્ઞાનસત્ર દરમિયાન એવું કહ્યું કે વક્તા બોલે એના પછી તેઓ બોલે ને પછી સૂત્રધાર નવા વક્તાને નિમંત્રિત કરે... આમ વાસ્તવમાં એક સંવાદ થયો - સંકલન થયું - ‘ચલે માનવતા કી ઔર’ વિષય પરના વિચારોનું. ‘ભાઈશ્રી’એ ઉમેર્યું કે ‘કોઈ પણ ધર્મ એ અંતે તો માનવતાની જ વાત કરી છે. મારું જો ચાલે તો માણસને વચ્ચે રાખીને ઈશ્વરને રાસડા લેવડાવું. રાષ્ટ્ર માટે, પ્રકૃતિના જતન માટે ઘણા કામો હજી કરવા જેવા છે જે થવા જોઈએ.’
ચરિત્ર નિર્માણ થશે તો વિશ્વાસ નિર્માણ થશે એમ કહી ‘ભાઈશ્રી’એ પૂછ્યું કે ધાર્મિક્તા વધી પણ ધર્મનું આચરણ વધ્યું? ભીડમાં સાધકો શોધું છું પણ બહુ ઓછા મળે છે એમ કહી માણસ છીએ તો માણસને માનીએ એ વાત પર ભાર મૂક્યો હતો.
રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો તથા વિધવિધ ક્ષેત્રા અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા જ્ઞાનસત્રમાં ધર્મ, અર્થ, પ્રેમ, શિક્ષણ, સંસ્કાર, વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી જેવા વિષયોને સાંપ્રત સમયમાં માનવતા સાથે જોડીને માણસ માણસ તરીકે જીવે એ દિશામાં ગહન અને અભ્યાસપૂર્ણ ચિંતન રજૂ કરાયું હતું.
લેખના આરંભે ઉલ્લેખ થયો એ ઈમામ ડો. ઉમર અહમદ ઈલ્યાસી ભારતના મુખ્ય ઈમામ છે અને અખિલ ભારતીય ઈમામ સંગઠનના અધ્યક્ષ છે. આ સંગઠન સાડા પાંચ લાખ ઈમામોનું સંગઠન છે અને વિશ્વભરમાં જૂનું અને મોટું સંગઠન છે. ઈમામ સાહેબ યુનાઈટેડ નેશન્સની એજ્યુકેશન કમિટીના ગલ્ફ વિસ્તારના લેફ્ટનન્ટ ગવર્નર છે અને ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચેની મધ્યસ્થ કમિટીના સદસ્ય પણ છે. એમને ડોક્ટરેટ ઓફ ફિલોસોફી એનાયત થઈ છે અને ધર્મ-અધ્યાત્મ તથા ઈન્ટરફેઈથ ડાયલોગની અનેક કોન્ફરન્સમાં એમના વિચારો રજૂ થતા રહે છે.
તેઓએ પોતાના પ્રવચનમાં ઉમેર્યું હતું કે ગાય બચશે તો દેશ બચશે, અને એ જ સાચી માનવતા છે. એક દિવસ એવો આવશે જ્યારે ગાય રાષ્ટ્રીય પશુ ઘોષિત થશે એવી શ્રદ્ધા ઈમામ સાહેબે વ્યક્ત કરી હતી.
આ તબક્કે સ્મરણ થાય સોલા ભાગવત વિદ્યાપીઠનું, જ્યાં જાન્યુઆરી-૨૦૧૭થી ભાગવત ઋષિના માર્ગદર્શન હેઠળ ગૌશાળામાં રોજ ગાયની આરતી થાય છે. રોજ સાંજે અહીં થતી આરતીમાં સમાજના લોકો અને યુવાનો વિશેષરૂપે જોડાઈ રહ્યા છે, જે ભારતીય સંસ્કૃતિના અને ગૌસેવાના પ્રેમીઓ માટે આનંદપ્રદ ઘટના છે.

•••

ભારતીય સંસ્કૃતિમાં ગૌ-ગંગા-ગાયત્રીની પૂજા થાય છે, અને સિંધુ સંસ્કૃતિના સમયથી ગાયનું પાલન થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણે કૃષ્ણલીલામાં ગાયોને ચરાવી છે, ગૌસેવા કરી છે અને ગૌપૂજા પણ કરી છે. ગોવર્ધન પર્વત ઊંચકીને ગોવાળિયા અને ગાયોને રક્ષણ આપ્યું હતું કૃષ્ણએ.
ગાયને માતા માનવામાં આવે છે ને શાસ્ત્રોમાં અનેક ઉલ્લેખો છે જે અનુસાર તેનો વધ ન થવો જોઈએ તેમ કહેવાયું છે. પૃથ્વી પરની કામધેનુ તરીકે ઓળખાતી ગાયના દૂધ-દહીં-માખણ-છાશ-ઘી તન-મનને પુષ્ટિ આપે છે એ તો ઠીક છે, એના છાણ અને મૂત્રની પણ આરોગ્ય અને ધર્મની દૃષ્ટિએ ગણના થાય છે.
વ્યક્તિગત અને સામૂહિક રીતે, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા ગાયોનું સંવર્ધન થાય છે. ગાય થકી પ્રાપ્ત વિવિધ ઉત્પાદનો વ્યાપક જનહિતમાં લોકો સુધી પહોંચી રહ્યા છે એવા સમયે ગાયોના પાલનપોષણ અને સંવર્ધન માટે જ્યાં જ્યાં જ્યારે જ્યારે પ્રયાસ થાય છે ત્યારે ત્યારે ગૌસેવાના દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ

ગૌ સેવાનું ફળ ઘણું, જેમાં દેવીનો વાસ,
ગૌનું જે પાલન કરે, તે ઘર સદા ઉલ્લાસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter