જન્મદિવસ એટલે એક નવી દિશા, નવી હવા, નવા વર્ષનો આરંભ

અજવાળું અજવાળું

- તુષાર જોષી Tuesday 11th July 2023 05:54 EDT
 
 

‘મિત્ર કહું કે ભાઈ...’ વાક્યના શુભારંભ સાથે પારિવારિક સ્વજન હર્ષેન્દુ ઓઝાએ ફેસબુક પર તારીખ 9 જુલાઈ 2023ના રોજ મને જન્મદિવસની શુભકામનાઓ આપી.... અને મોટી સંખ્યામાં સ્નેહીઓ પણ એ શુભેચ્છા ભેગા ભળ્યા ને શુભકામનાઓથી ભીંજવ્યો. આનંદ આનંદ થયો.

સ્મરણ થયું ગુજરાતમાં વિસરાતા સુર કાર્યક્રમોનો આરંભ કરનાર અંબરિષ પરીખનો. એમનો મારા પર અનહદ સ્નેહ રહ્યો, તેઓ પણ મને કાયમ 9 જુલાઈએ જન્મદિવસની શુભકામના પાઠવતા. આ બંને અથવા આવા કોઈ ત્રીજા કે ચોથા કિસ્સામાં મેં ક્યારેય એવું ના કહ્યું કે મારો જન્મદિવસ 10 જુલાઈ છે. કેમ?
સમજણ વિકસી ત્યારથી મા સરસ્વતી અને સદગુરૂની કૃપાથી મને સતત એ અનુભૂતિ રહી છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એમાં રોજિંદી સમસ્યાઓ, વિષમતાઓ, સંઘર્ષ અને નકારાત્મક્તા આડે જે કાંઈ ઢાલ બનીને ઊભું રહે છે એમાં એક તે આ આપણા પ્રતિ વહેતી શુભકામના - આર્શીવાદ અને હકારાત્મક ઊર્જા છે. આપણા જીવનમાં ઉલ્લાસ આપે, ઊજાસ આપે, હૂંફ આપે, પ્રેમ - વાત્સલ્ય આપે એવા લખાયેલા કે બોલાયેલા કે સંભળાયેલા શબ્દો આપણા માટે જીવનની અણમોલ સંપત્તિ છે, જે અનેક વિપત્તિઓથી આપણું સહજ રક્ષણ કરે છે.
કોઈ ખાસ દિવસ, ઉત્સવ કે વિશેષ પ્રસંગની જાણ આપણને કેલેન્ડર – પંચાગ કે હવે સોશિયલ મીડિયા કરે તે સ્વાભાવિક છે, પરંતુ એની સાથે જોડાયેલી શુભત્વની જે લાગણીઓ છે એને તો કાળના કોઈ બંધન હોતા નથી. બારેમાસ એ તો સતત અનુભવાતી જ રહે છે. પ્રેમી માટે પળપળ પ્રેમદિવસ કે વસંત જ હોય છે અને પ્રસન્ન રહેનાર માટે પળપળ આનંદમય જ હોય છે. એવું જ શુભત્વ શુભકામનાનું છે એ જેના તરફ વહે તેને તરબતર કરે છે, સુગંધિત કરે છે અને પ્રાણવાયુ બનીને જીવવાનું બળ પૂરું પાડે છે.
જન્મદિવસે જીવનનું એક વર્ષ ઓછું થયાનું દુઃખ પણ કોઈ અનુભવે અને કોઈ વળી નવા વર્ષના વધામણાનો આનંદ પણ અનુભવે. કેટલાક વળી એ બેઉની મધ્યમાં જ અટકી જાય... પરંતુ જન્મદિવસ એટલે એક નવી દિશા, નવી હવા, નવા વર્ષનો આરંભ છે. હૃદયમાં પ્રેમ–પ્રાર્થના ને પ્રસન્નતા છે. મનમાં કે બુદ્ધિમાં સુખ–સમૃદ્ધિ અને સફળતાના આયોજનો છે. ખૂબ પુરુષાર્થ તન–મન–ધનથી કરવાની તૈયારી છે અને પછી સ્વ મહેનતની એ કમાઈ દ્વારા પરિવાર કે પ્રિયજનો સાથે કરવાના પ્રયાસો અને માણવાનો આનંદ પણ છે. લાચારી નહીં, ખુમારીથી પણ સ્વવિવેક જાળવીને મન ભરીને જીવી લેવા માટે પ્રેરક છે જન્મદિવસ.
જન્મદિવસ એટલે વ્યક્તિના અધુરા રહેલા સપનાં પુરા કરવાની દિશામાં એક ડગ આગળ વધવાનો દિવસ. જન્મદિવસ એટલે મસ્તી-મ્યુઝિક–મહોબ્બતની વર્ષામાં ભીંજાવાનો દિવસ. જન્મદિવસ એટલે ચાર દિશામાંથી આપણી તરફ વહેતી શુભકામનાના પ્રવાહને ઝીલવાનો દિવસ.
મને અનહદ વાત્સલ્ય અને આશીર્વાદ આપનાર મોટીબહેન રીટાબહેને આશીર્વાદ પાઠવતાં આ વર્ષે લખ્યું છે કે ‘હરિકૃપા તબ જાનીયે, દે માનવ અવતાર...’
બસ આ માનવ અવતારમાં સહજતા રહે, જીવનમૂલ્યો સમજાય, શું ખપનું છે અને શું નકામું છે જાણી શકીએ, પ્રસન્નતાથી જીવી શકીએ... સ્પર્ધા માત્ર જાત સાથે જ કરીએ અને પરિવારના સભ્યો, પ્રિયજનોને મન મુકીને પ્રેમ કરીએ, જાતને પ્રેમ કરીએ. સ્વયં સાથે સતત સંવાદમય રહીએ, મા સરસ્વતી અને સદગુરુની કૃપાને પાત્ર બનીએ ત્યારે આપણા જીવનમાં પળપળ અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter