જવાનોના જીવનની ઝાંખી કરાવતું ગુજરાતનું સીમા દર્શન

- તુષાર જોશી Wednesday 11th January 2017 07:11 EST
 

‘પપ્પા, સરહદ પર જવા માટેના કાર પાસ ક્યારે મળશે?’... અમદાવાદના ઉદ્યોગપતિ કેતન પારેખ એમના પત્ની સાથે અને પારિવારિક મિત્ર ગુંજન મિરાણી સાથે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે શરૂ થયેલા જલોયા પ્રવાસી માહિતી કેન્દ્ર પર આવ્યા થોડો વધુ સમય પસાર થયો ત્યારે એમના યુવાન દીકરાએ આતુરતાથી આ સવાલ એમને કર્યો હતો. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજથી ગુજરાત સરકારના પ્રવાસન નિગમ અને સીમા સુરક્ષા દળ - બીએસએફના સંયુક્ત ઉપક્રમે ‘સીમા દર્શન’ કાર્યક્રમનો આરંભ નડાબેટ સરહદથી થયો હતો.
સરહદ પર જવાનો ક્યાં રહેતા હશે? તેમની દૈનિક ગતિવિધિ શું હોય? સરહદ પારનો દેશ કેવો હશે? સરહદ પર કેવું વાતાવરણ અને કેવા નિયમો હોય? આ અને આવા અનેક પ્રશ્નો આ ક્ષેત્રે રસ ધરાવનારાને થાય જ. અમૃતસર નજીક વાઘા બોર્ડર પર જેઓ જઈ આવ્યા છે એમને આ સવાલોના જવાબ મળ્યા છે અને તેમણે રોમાંચ અનુભવ્યો છે.
હવેથી દર શનિ-રવિ અહીંયા સીમાદર્શન કાર્યક્રમ યોજાશે. જલોયા પ્રવાસી માહિતી કેન્દ્રથી બપોરે ૧૨ કલાકે એનો આરંભ થશે. પ્રવાસીને સરહદનો આનંદ મળશે અને તે ઉપરાંત શસ્ત્ર પ્રદર્શન, ભારત-પાકિસ્તાન સીમા દર્શન, બીએસએફની જાણકારી આપતી ફિલ્મનું નિદર્શન, બીએસએફના જવાનો દ્વારા રિટ્રીટ (પરેડ), બીએસએફ ફ્યુઝન બેન્ડ, કેમલ શો, પક્ષીદર્શન કરાવાશે. નડેશ્વરી માતાના દિવ્ય દર્શનનો અનુપમ અવસર પણ મળશે. આમ અહીં પ્રવાસીઓને સીમા જવાનો સાથે વાતચીત કરવાનો, તેમના પ્રેરક પ્રસંગો સાંભળવાનો અનુભવ થશે. એક અર્થમાં MEET THE BORDERનો અનુભવ યાદગાર બની રહેશે. વ્યવસ્થાના ભાગરૂપે અહીં આવનાર પ્રવાસીઓએ સરકારમાન્ય ફોટો આઈડી સાથે રાખવું ફરજિયાત છે.
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ વીતેલા વર્ષની દિવાળી અહીં નડાબેટ-સરહદ પર બીએસએફના જવાનો સાથે ઊજવી હતી ત્યારે જ એમણે સંકલ્પ કર્યો હતો કે અહીં સીમાદર્શન કાર્યક્રમનો આરંભ કરવો છે. પ્રવાસન વિભાગના અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તમામ વ્યવસ્થાઓ ગોઠવી અને કાર્યક્રમનો શુભારંભ થયો. દેશના નાગરિકો નિરાંતે જીવે છે અને સૂઈ શકે છે કારણ કે બીએસએફના જવાનો સતત જાગતા રહે છે. બરફના પહાડો હોય, રણ હોય કે જમીન હોય - દેશસેવા માટે સમર્પિત છે બીએસએફના જવાન.
બાંગ્લાદેશના અસ્તિત્વમાં ‘ઓપરેશન વિજય’માં આ દળના જવાનોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, ઉત્તર-પૂર્વના રાજ્યોના પ્રશ્નો, નક્સલવાદને કાબૂમાં લેવાની કામગીરી વગેરેમાં બીએસએફએ પોતાની કાર્યક્ષમતા પૂરવાર કરી છે. કુદરતી આપત્તિઓના સમયે દેશના નાગરિકોને હૂંફ આપવા સતત કાર્યરત રહ્યું છે સીમા સુરક્ષા દળ. આ દળની ગુજરાત સીમાંતનો આરંભ ૧૨ જુલાઈ, ૨૦૦૪થી થયો છે. સીમાંતમાં ભૂજ-ગાંધીનગર-બાડમેર ત્રણ ક્ષેત્રીય મુખ્યાલય કાર્યરત છે. ગુજરાત સીમાંત ૮૨૬ કિલોમીટરની જવાબદારી સંભાળે છે. પરેડમાં સામેલ બીએસએફ જવાનોની સંગીત-નૃત્ય-ગાયનની આવડત તથા કેમલ શો જોઈને શ્રોતાઓ-દર્શકો તાળીઓથી વધાવવા મજબૂર થઈ ઊઠ્યા હતા.

દેશની બાહ્ય અને આંતરિક સુરક્ષાની રક્ષા કરનારા પ્રહરીઓની જાગૃતિ અને દેશભક્તિના કારણે જ આજે ભારતનો સામાન્ય નાગરિક આરામથી જીવન જીવી શકે છે. એમના કાર્ય માટે, એમના બલિદાન માટે પ્રત્યેક દેશવાસીઓને ગૌરવ હોય એ સ્વાભાવિક છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેશની સરહદ પર દેશના સંત્રીઓ સાથે દિવાળી પર્વ વિતાવે અને તેમનો ઉત્સાહ વધારે એ સાચ્ચે જ આનંદદાયક અને સંવેદનપૂર્ણ ઘટના છે.
સીમાદર્શન કરવા જતી વખતે કૂતુહલતાને લક્ષમાં લઈને નહીં, પરંતુ સીમા પર સુરક્ષા સંભાળતા જવાનોની ફરજ પરસ્તી માટે ગૌરવ અનુભવવું, એમનું સન્માન કરવું એ પણ પ્રત્યેકની જવાબદારી છે. આવું થાય છે ત્યારે દેશભક્તિનો દીવડો પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.
 લાઇટ હાઉસ
યે દેશ હૈ વીર જવાનોં કા,
અલબેલોં કા મસ્તાનોં કા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter