જીવનની અણમોલ મૂડી છે સંબંધ

Monday 10th April 2017 09:55 EDT
 

‘અમારો કાર્યક્રમ ભલે હોય, પરંતુ અમારા વિશે તમારે કંઈ બોલવાનું નથી.’ આવું જ્યારે કાર્યક્રમના યજમાન-આયોજક દંપતીએ કહ્યું ત્યારે નવાઈ લાગી, કારણ કે સામાન્ય અનુભવ એવો હોય છે કે જેમનો કાર્યક્રમ હોય એમની જીવન ઝરમરની વર્ષામાં ભીંજાવાનું ઓડિયન્સના ભાગે આવતું હોય છે. પરંતુ અહીં ઊલટી ઘટના બની હતી.

એક દિવસે ગાયક-સંગીતકાર મિત્ર પંકજ પાઠકનો ફોન આવ્યો કે, ‘એક સરસ મજાનું દંપતી અમદાવાદમાં રહે છે અને એમને સંગીતનો એક કાર્યક્રમ કરવો છે એટલે શો ડિઝાઈન કરવા માટે એમને મળવા જવું છે.’

નવરંગપુરામાં એમને ઘરે ગયા, મળ્યા. પ્રથમ મુલાકાતે જ એમની શાલિનતા અને સ્વભાવમાં સહજપણે સમાયેલી ધીરતા-સ્થિરતા અને મૃદુતાનો સ્પર્શ થયો. એમનું બોલવાનું પણ એટલું ઓછું અને ધીમું કે સામેના માણસને પણ પોતે જરા મોટેથી વાત કરી રહ્યો છે એવું લાગે. ભરત શાહ અને સુરેખા શાહ નામે આ દંપતી એક સંગીતમય કાર્યક્રમ કરવા ઈચ્છતા હતા. એમના લગ્નજીવનની મધુરતાના અનેક સંભારણા એમની પાસે હતા. કારણ કે એ કાલખંડ ૪૬ જેટલા વર્ષોનો હતો. એમની બે વ્હાલસોયી દીકરીઓ અને એમના બાળકોના મધુર કલરવરથી ભરેલો સંસાર હતો. આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક એમ તમામ પ્રકારે તેઓ ભર્યાંભર્યાં અને સમૃદ્ધ હતા. આ બધાથી વિશેષ એમને જે આનંદ હતો તે એ હતો કે અમે બંને પતિ-પત્ની તરીકે જ નહીં, ઉત્તમ-સર્વોત્તમ મિત્ર તરીકે જીવ્યા છીએ. એમના જીવનમાં એમને જે મિત્રો-સ્વજનો મળ્યા એમના પ્રેમની છલકાતી ગાગરના છાંટણાથી તેઓ સાતત્યપૂર્ણ રીતે ભીંજાતા રહ્યા હતા અને ભીંજાતા રહ્યા છે.

એમણે કહ્યું કે, ‘અમારા વિશે કાંઈ ન બોલો તો પણ ચાલશે, પરંતુ અમે જેમના થકી ઊજળા છીએ એવા અમારા સ્વજનો-પ્રિયજનો-મિત્રો માટે તમે વાતો કરો તો અમને બહુ સારું લાગે.’

અમદાવાદનો ટાગોર હોલ આમંત્રિતોથી ભરચક્ક હતો. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં કલાકારોની તમામ ટીમ માટે એમને પોતાના ઘરેથી - મહારાજે બનાવેલું પૂરેપૂરું ભોજન - ડીનરરૂપે આતિથ્યમાં એમણે આપ્યું તો કલાકારોને પણ ગ્રીનરૂમમાં આનંદ થયો.

આખ્ખોયે કાર્યક્રમ ૩ ભાગમાં વહેંચાયેલો રહ્યો. પ્રથમ ભાગમાં શાસ્ત્રીય રાગો આધારિત જૂની હિન્દી ફિલ્મના યાદગાર ગીતો રજૂ થયા. આ દંપતી પણ સંગીતના શ્રોતા અને પોતાની મસ્તી માટે સંગીત શીખે પંકજ સર પાસે, એટલે ગીતોની પસંદગી પણ કાબિલે દાદ કરી હતી. બીજા ભાગમાં સંતુર, ફ્લુટ અને સેક્સોફોન જેવા સોલો ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા યાદગાર-મજેદાર ધૂન રજૂ થઈ જેને શ્રોતાઓએ તાળીઓથી વધાવી લીધી. ત્રીજા ભાગમાં પ્રેમમય ગીતો રજૂ થયા. એમના પારિવારિક સ્વજનો-મિત્રો-પ્રિયજનો-એમને સેવા આપનાર વિવિધ પ્રકારના પ્રોફેશનલ્સ, એમની સાથે કામ કરનાર મિત્રો-વ્યાપારીઓ તમામના ઉલ્લેખ સાથે એમની સાથે વિતાવેલી પળો માટે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત થયો. શાહ દંપતીએ મંચ પર આવીને સહુનો આભાર માન્યો ત્યારે ‘એક તેરા સાથ હમ કો દો જહાં સે પ્યારા હૈ...’ ગીત ગાયું ને શ્રોતાઓએ તાળીઓથી વધાવી લીધું.

‘આદર્શ અમદાવાદ’ નામનું એક અભિયાન તેઓ ચલાવે છે. જેમાં સુંદર નગર માટે વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું આયોજન પણ સતત કરતા રહે છે. મજા તો એ વાતની હતી કે સુરેખાબહેનના ૯૦ વર્ષના માતાને બે-ત્રણ વાર પૂછ્યું કે, ‘તમારે ઘરે જવું છે?’ તો કહે કે, ‘ના, મારે પૂરો પ્રોગ્રામ સાંભળવો છે’ ને તેઓ પણ કાર્યક્રમ પૂરો થયે જ સહુની સાથે ગયા.

•••

કાર્યક્રમ આયોજક પોતાની વાત માંડે કે કરાવે એમાં જરાયે ખોટું નથી - જો એમાં અતિશયોક્તિ ના હોય તો... પરંતુ અહીં તો ઊલટી વાત બની હતી કે અમારી વાત જ ના કરશો - અમારા પ્રિયજનોની વાત કરો.

માણસના હોવા માત્રનો અર્થ જ કદાચ પ્રેમ છે. આપણને કોઈ પ્રેમ કરે છે અથવા આપણે કોઈને પ્રેમ કરીએ છીએ એનાથી વધુ ઉત્તમ સંવેદના બીજી કોઈ હોઈ ના શકે... સંબંધો એ જીવનની મૂડી છે. સંબંધો પામવા-ટકાવવા અને તેનો આનંદ અનુભવવો એ અવર્ણનીય અનુભૂતિ છે.

માણસના જીવનમાં હંમેશા એક ખોળો એવો હોવો જોઈએ જેમાં તે માથું મૂકીને હાશકારો અનુભવી શકે અને એક ખભો એવો હોવો જોઈએ જેના સહારે તે ગમેતેવી મુશ્કેલી પણ પાર પાડી શકે. માનવીના જીવનમાં આવા સંબંધો મળે છે અને તેની ઊજવણી થાય છે ત્યારે આનંદના અજવાળા રેલાય છે.

લાઈટ હાઉસ

તું જો મેરે સૂર મેં

સૂર મીલા દે,

સંગ ગા લે...

તો જીંદગી હો જાયે સફલ

- ફિલ્મ ‘ચિત્તચોર’નું ગીત


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter