પૂજ્ય અને પ્રિય મોરારિબાપુની હરિદ્વારમાં યોજાયેલી રામકથાનું ઘરે બેઠાં શ્રવણ કરતો હતો. તેમણે શ્રવણ એટલે કે સાંભળવા સંદર્ભે ઘણી સૂચક અને સહજ વાત કરી, જે ઉપયોગી અને ઉપકારક બંને થઈ શકે એમ છે.
શ્રવણ-ચિંતન-મનન-વાંચન-આચરણ-લેખન આ બધા સાથે મારી સમજણ વિકસી ત્યારથી સહજ નાતો રહ્યો છે. કોઈ બળજબરી નહીં પરંતુ મને ગમે ત્યારે અને મારું મન ઈચ્છે તેટલો સમય એ પ્રદેશોમાં હું વિહાર કરતો રહું છું. સાંભળેલું અને વાંચેલું બધ્ધું જ યાદ નથી રહેતું, અને એ જરૂરી પણ નથી પરંતુ હા, જે જીવને સ્પર્શી જાય છે એ વિના પ્રયાસે આચરણમાં મુકાઈ જાય છે.
ક્યારેક બે-ત્રણ કલાક કંઈક સાંભળીએ અને કશું અર્થસભર કે પ્રેમસભર પ્રાપ્ત ન થાય એવુંયે બને અને ક્યારેક પાંચ મિનિટ એવી મળી જાય જે તન-મનને પ્રસન્ન કરી દે. પુલકિત થયેલા આ તન-મનથી જે પુરુષાર્થ થાય, કૌશલ્યથી સભર જે કાર્યો થાય એનાથી ધન એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ પણ થાય.
આમ શ્રવણ અને વાંચન સર્વાંગીપણે સર્વકાળે ઉપયોગી અને ઉપકારક છે એની મને પ્રતીતિ છે. પત્રકાર અને કલાકાર તરીકેની ચાર દાયકાની કારકિર્દીમાં એક સાથે એકથી વધુ કાર્યો પણ પૂરા સમર્પણ સાથે સો ટકા શ્રેષ્ઠ રીતે કરી શક્યો છું એ પણ માં સરસ્વતી અને સદગુરુની કૃપા જ છે એની અનુભૂતિ કરી રહ્યો છું. I am blessedની અનુભૂતિ મને સતત થયા કરે છે અને એ જ મને જલસાથી જીવાડે છે.
કોઈ સ્વાર્થ વિના તમને પ્રેમ કરતા હોય, દોસ્તી નિભાવતા હોય એવા સ્વજનો મળ્યા હોય તો આ જિંદગી જીવવાનો લ્હાવો એમની સાથે લેવાય એટલો લઈ લેવો. પુરુષ કે સ્ત્રી હોવાના ભેદ વિના કોઈ આપણને પાછળથી આવી, આંખો દબાવે પછી તમે ઓળખી કાઢો એટલે વળગી પડે, રડી પડે, એવો કોઈ મિત્ર હોય તો એને ભેટીને હસવાની - રડવાની ક્ષણો માણી લેવામાં જીવનની ધન્યતા છે.
જન્મદિવસે અડધી રાત્રે ફોન કરીને એમની ગાડીમાં તમને લઈ જાય, રાત્રે લોંગ ડ્રાઈવ પછી મસ્ત કોફી પીવડાવે એવો કોઈ દોસ્ત હોય તો જિંદગીની સફર સુહાના જ છે એમ માની લેવું. એકાદ સૂત્ર કે પંક્તિ વાંચીને - સાંભળીને જીવન બાગબાગ થઈ જાય તો એ સૂત્રને જીવી - જાણીને જીવનને પ્રેમપૂર્ણ બનાવી લેવામાં જીવનનો સાર માની લેવો. ક્યાંક કાંઈક સાંભળતા - વાંચતા કે લખતા કોઈ પાત્ર – કોઈ ઘટના કે કોઈ સ્મરણો હૃદયમાં છવાઈ જાય તો એ પળોમાં દુનિયાના મોંઘામાં મોંઘા ચંદનની સુવાસ પ્રસરેલી છે એમ માનીને આપણે આપણા અસ્તિત્વને સુગંધથી સભર કરી દેવામાં મોડું કરવું નહીં.
શ્રવણથી - વાંચનથી આવું તો અઢળક મને મળ્યું છે ને એનો વૈભવ અનુભવી રહ્યો છું એનો આનંદ છે. બાય ધ વે... આ બધું યાદ આવવાનું કારણ એ કે તારીખ દસમી જુલાઈએ જીવનના 64 વર્ષ પૂર્ણ થશે અને એ સમયની સંવેદનામાં પરમ ધન્યતાનો અનુભવ અત્યારથી જ કરીને અનુભવના અજવાળે આગળ ગતિ કરવા વધી રહ્યો છું.


