જીવનમાં સદ્ગુણોના સંવર્ધનમાં પણ સાતત્ય જરૂરી

- તુષાર જોષી Wednesday 16th September 2026 05:16 EDT
 
 

ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે,

મિતિમે સવ્વ ભૂએસુ, વેરં મજ્ઝં કેણઈ
ક્ષમાપનાની અનુભૂતિ કરાવતા આ શબ્દો દ્વારા આપણે મુનિવરો, સ્વજનો - પ્રિયજનો અને પરિચિતોની ક્ષમા માંગીએ છીએ. જૈનોનું પર્યુષણનું પર્વ પૂરું થયું, સંવત્સરી પ્રતિક્રમણ પૂરું થયા પછી મિચ્છામી દુક્કડં કહીને કોઈ અવિનય, અપરાધ વાણી - વિચાર – વર્તનથી થયો હોય તો એની માફી માંગીએ છીએ.
માફી માંગવાથી શું થાય? શું અનુભવાય? વ્યક્તિગત વાત કરું તો હૃદયનો ભાર હળવો થાય છે, મનનો બોજ હળવો થાય છે, થોડા આંસુ આવે છે, માનવીય સંબંધોનું મૂલ્ય સમજાય છે, એ માટે ગૌરવ અનુભવાય છે. સંબંધોની ગરિમાનું સંવર્ધન થાય છે અને જીવનમાં પ્રેમનો અનુભવ થાય છે. કોઈએ સરસ લખ્યું છે,
મૈને અપની જિંદગી કો
યું આસાન કર લીયા,
કિસી સે માંગ લી માફી
કિસી કો માફ કર દીયા...
આ ભાવ માત્ર એક દિવસ નહીં સતત જળવાઈ રહે તો જીવન ઘણા અંશે હળવું રહે છે. આપણા જીવનમાં મોટાભાગે જે ખૂટે છે એ સાતત્ય હોય છે. Continuity, Persistence જેવા અંગ્રેજી શબ્દો જેના માટે હાથવગા છે એ નિયમિતતાનો, સતત જોડાયેલા રહેવાનો ભાવ આપણે કેળવી શકતા નથી. વજન ઘટાડવાના ઉપાયો, કામ પૂરા કરવાના ટાર્ગેટ, પૈસાની બચતના પ્લાનિંગ, બિનજરૂરી ભોજન ન કરવાનો સંકલ્પ, ખોટી ખરીદીથી બચવાના ઉપયોગ, આવું કેટકેટલું છે જેનો આરંભ તો આપણે કરી દઈએ છીએ પરંતુ એને ટકાવવામાં મુશ્કેલી પડે છે, જો એકવાર ટકી ગયા તો પછી ભયો ભયો...

સાતત્ય આ બધી બાબતોમાં જેમ જરૂરી છે એમ જ જીવનના સદગુણોના સંવર્ધનમાં પણ જરૂરી છે. અનેક સદગુણો એવા છે જે કોઈપણ માણસ માટે જરૂરી છે. અત્યારે ગણેશ ઉત્સવના દિવસો છે. દસ દિવસ દરમિયાન જ્યાં જ્યાં ભારતીય સનાતન ધર્મના ભક્તો - અનુયાયીઓ વસે છે ત્યાં ત્યાં ગણપતિ બાપ્પા મોરિયા... નાદ ગુંજી રહ્યો છે.

ગણેશજીનું સ્વરૂપ આપણને કેટકેટલી હકારાત્મક વિચારધારા સાથે જોડી આપે છે, એમના મોટા કાન સૂચવે છે કે ખૂબ સાંભળો, મોટું નાક સૂચવે છે કે આસપાસના વાતાવરણને સુંઘો, પરિસ્થિતનો તાગ મેળવો, મોટું પેટ જાણે કહે છે કે આપણી કે કોઈની ખાનગી વાત પેટમાં સમાવી રાખો, બધાને બધું કહી ના દો, ઝીણી આંખ કહે છે દૂર સુધી જુઓ, દીર્ઘદ્રષ્ટિ કેળવો, એમનું વાહન મૂષક સતત ફરતું રહે છે, જે આપણને સંદેશ આપે છે કે મન પર કંટ્રોલ મેળવો, સતત પુરુષાર્થ કરો. એમને મોદક એટલે કે લાડુ પ્રિય છે જે વાણીમાં - વ્યવહારમાં મીઠાશને આત્મસાત્ કરવા સૂચિત કરે છે.
જેમ દેવી-દેવતાના સ્વરૂપ જીવન જીવવા સમજણ આપે છે. એમના સ્વરૂપના પ્રતિકો આપણને પ્રેરણા આપે છે. એમ જ આપણા પ્રાચીન ગ્રંથો પણ જીવન ઘડતરનું ઉત્તમ કામ કરે છે. એના એક એક શબ્દમાં અજવાળું સમાયેલું છે જે દીવાદાંડી બનીને આપણને સાચા માર્ગે દોરે છે.
આવો જ એક ગ્રંથ છે રામાયણ. વાલ્મિકીરચિત રામાયણ અને ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રીરામચરિત માનસ આજે પણ યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે. એવી જ એક યુવાન દીકરી, પૂજ્ય મોરારિબાપુના નાનાભાઈ ચેતનબાપુની પુત્રી વૈદેહી હરિયાણીની પસંદગી હમણાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી સંલગ્ન વુમન લીડર ફોરમ એવોર્ડ માટે થઈ છે. વૈદેહીએ એના નિબંધમાં રામાયણમાં જે નારીઓને નકારાત્મક દ્રષ્ટિએ જોવાય છે એના જીવનદર્શનને સાંપ્રત સમય અનુસાર મુલવીને નવો આયામ રજૂ કર્યો છે. આમ એક દીકરીએ લેખન-સંશોધન દ્વારા રામાયણના સાંસ્કૃતિક સંદર્ભને બહુજન સુધી પહોંચાડી અભ્યાસના અજવાળાં પાથર્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter