જેસલમેરની સ્વર્ણિમ રેતીના કણકણમાં ધબકે છે આઠ સદીનો ઇતિહાસ

તુષાર જોશી Tuesday 28th November 2023 06:41 EST
 
 

સવા બે વર્ષની અનન્યાને પુછ્યુંઃ ‘તું ક્યાં આવી ગઈ?’ તો બે હાથે રણની રેતી ભરીને મસ્તીથી કહે ‘જેસલમેર...’ હા, જેસલમેર... ગોલ્ડન સિટીના નામે સમગ્ર વિશ્વમાં જાણીતું પ્રવાસન સ્થળ, ગઢ–કિલ્લા-હવેલી-રણ અને લોકજીવનથી ધબકતું જેસલમેર. જેસલમેર જવાનું આયોજન અગાઉ બે-ત્રણ વાર થયું અને જવાયું નહીં. આ વખતે મનોરથ પૂર્ણ થયો.

મરૂ ભૂમિ પર વસેલું જેસલમેર.
ગોલ્ડન સિટી જેસલમેર.
રાજપુત રાજા મહારાવલ જૈસલસિંહે વસાવેલું જેસલમેર.
ધૂળ અને આંધીઓથી ઘેરાયેલું, કાળની થપાટો ખાઈને અખંડિત અને સુરક્ષિત રહેલું જેસલમેર.
જ્યાંની સ્વર્ણિમ રંગની રેતીના કણકણમાં આઠસોથી વધુ વર્ષોનો સ્વર્ણિમ ઈતિહાસ ધબકે છે એ જેસલમેર.
સ્થાપત્ય કલાનું ઐશ્વર્ય, રણની રેતીનું સૌંદર્ય, લોકજીવનની ક્ષણક્ષણમાં ધબકતી સંસ્કૃતિ, ખમીર અને ખુમારી, સંગીત અને ઉત્સવો, વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ વિશ્વાસથી ધબકતું જીવન, જીવનમાં ઊર્જા-ઊલ્લાસભરી દેતી પ્રકૃતિ. આહાહા...!
જેસલમેર જવાનું વારેવારે મન થાય એવા તો કંઈકેટલાય, સૌ સૌની પસંદના અનેક આકર્ષણો છે. અહીં તે આપણને જીવંતતાનો અનુભવ કરાવે છે.
મરૂ ભૂમિ એટલે કે Desert Soilsની આ ભૂમિ છે. આ પ્રકારની માટી શુષ્ક અને અર્ધશુલ્ક જલવાયુ ક્ષેત્રમાં હોય છે, રણમાં હોય છે. અહીં રેતી કે માટીનો રંગ પીળો છે. વહેલી સવારે સૂર્યોદયને આવકારવા રેતીના ઊંચા ટીલા પર પહોંચી જવાનો, ઉગતા સુરજને વંદનનો, એના પહેલાં કિરણથી કણકણને સ્વર્ણિમરૂપે સોના જેવી ચમકતી જોવાનો આનંદ હંમેશા યાદગાર બની રહેશે.

અહીંની રેતીમાં કશુંક લખવા જાઓ ને એવું થાય કે એ પણ ક્યાં ટકવાનું છે? જે ટકે છે એ તો આ ભૂમિના સ્પંદનો અને સ્મરણો, અહીં સાંભળેલા પધારો મ્હારે દેશના મધમીઠા સૂર અને જોયેલી - અનુભવેલી સંસ્કૃતિ, કેમેરામાં પણ ના કેદ થાય અને છતાં આંખોની કીકીઓએ નિહાળેલ પ્રકૃતિના એ અદભૂત રંગો અને મનોહારી દૃશ્યો... લખાયેલું ભુંસાય છે, આ બધું હૃદયમાં સચવાય છે. અમારા પ્રવાસોના કાયમી સાક્ષીઓ હિમાંશુ અને જસ્મીનના પરિવારો સાથેના એ પ્રવાસમાં વ્યવસાયે રંગકર્મી-આર્ટિસ્ટ જસ્મીને સૂચક વાત કરી કે અહીંની ભૂમિમાં જે ચમકતો પીળો રંગ છે તે રંગ સૌથી ખુશનુમા - ઊર્જા આપનારો રંગ ગણાય છે. પીળો રંગ પ્રસન્નતાનું, પ્રેમનું, આશાનું અને ઐશ્વર્યનું, સાત્વિક્તાનું અને શુભ્રતાનું પ્રતિક છે.

અહીં એ શબ્દોની અનુભૂતિ અમે સતત કરી. ખુરી ગામના ‘ગઢ મારવાડ’ રિસોર્ટમાં પગ મૂક્યો ત્યારથી એ ભૂમિમાં ત્રણ દિવસ રહ્યા. એ દરમિયાન નૂતન વર્ષમાં મન પર સકારાત્મક વિચારોનું - દરેક ઘટનાને સહજતાથી સાક્ષીભાવે જોઈ શકવાનું અને મોજ–મસ્તીથી ખુશ રહીને જીવવાનું બળ મળ્યું. આસપાસના સ્થળો - તનોટમાતાનું મંદિર, ઈન્ડો - પાક. બોર્ડર, કુલધરા ગામ, જેસલમેર શહેર, કિલ્લો અને હવેલીઓમાં ગયા, પણ રહ્યા તો રણની રેતી વચ્ચે જ.
મોડી રાત્રી સુધી હવામાં રેલાતા સંગીતના સૂરો, સાવ મૌન રહીને તારાઓને જોવાનો આનંદ, મોડી રાત્રે ને વહેલી સવારે દોસ્તો સાથે ગરમાગરમ આદુવાળી ચા પીવાનો જલસો, સ્થાનિક લોકો સાથેના સંવાદ, એમનું ઉષ્માપૂર્ણ આતિથ્ય, સ્વચ્છ, આરામદાયી અને સુવિધાપૂર્ણ ભોજન–નિવાસની વ્યવસ્થા અને બસ હવે, બહુ ફોટા નહીં પાડવાના એમ દીકરીને કહીને આપણે જ બે-ચાર ફોટા કેમેરામાં પડાવી લેવાનો આનંદ... સાચ્ચે જ અહીંની પીળા રંગની માટી કે રેતીમાં સૂર્યનું કિરણ પડે અને એ ચમકે એમ અમારા સહુના હૈયામાં સ્મરણોનો સોનેરી ચળકાટ ચળકતો રહ્યો. એ ચળકાટનું અજવાળું જ ફરી ફરી જેસલમેર લઈ જશે એવી શ્રદ્ધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter