‘તેઓ એક સફળ ઉદ્યોગપતિ જ નથી, એક સફળ અને સંવેદનપૂર્ણ મનુષ્ય છે...’ ‘એમણે સ્વથી સર્વના વિકાસની યાત્રા માટે યોગદાન આપ્યું છે...’ ‘હું એમને જાદુગર કહું છું, બીજાને પ્રેમથી જીતવાનો જાદુ તેઓ કરી શકે છે...’ ‘તેઓએ હંમેશા નાના માણસોની સંભાળ લીધી છે...’ ‘એમની પાસે ભૌતિક એવા તમામ વૈભવો તો છે જ એથી વધુ મહત્ત્વનો એવો મિત્રોનો વૈભવ તેઓ પામ્યા છે...’ આ અને આવા અર્થપૂર્ણ, પ્રેમપૂર્ણ શબ્દો જેમના માટે કહેવાયા તે વ્યક્તિત્વ એટલે ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી જૈમિન વસા. એમના જીવન પરનું એક પુસ્તક લખવાનો મને અવસર મળ્યો, 224 પાનાંનું એ પુસ્તક તૈયાર થયું અને એના વિમોચનનો અવસર હતો ત્યારે વિધવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
કોઈપણ માણસના જીવનમાંથી જો કોશિશ કરીએ તો કાંઈક તો સંદેશ આપણને મળે જ છે. જૈમિનભાઈના જીવનમાં સંસ્કાર-સંઘર્ષ-સાહસ-સફળતા-સાર્થકતાની યાત્રામાં પણ આવું જ છે.
કોઈપણ સફળ માણસના જીવનનો અભ્યાસ કરનારને કેટલીક સહજ બાબતો ઊડીને આંખે વળગે છે, એમાંની કેટલીક જૈમિનભાઈના જીવનમાં પણ છે. પરિવારના સંસ્કારો એમણે સંવર્ધિત કર્યા છે, પિતાએ જે વિચારો આપ્યા તેનું આચરણ કર્યું છે. સો ટકાની નિષ્ઠા સાથે કર્મ કર્યું છે. અધિકારો ભોગવ્યા છે તો એમની સમય સમયની જવાબદારી પણ નિભાવી છે. એમને જે યોગ્ય લાગે તેને વળગી રહે છે અને એકવાર કરવા ધારેલું કામ ક્યારેય અધૂરું છોડતા નથી.
એમનામાં એક ગુણ એવો છે જે બહુ ઓછામાં સતત જોવા મળે છે, તે આજીવન વિદ્યાર્થી રહેવાનો ગુણ. તેઓ અત્યારે 73 વર્ષની ઉંમરે પણ સતત શીખતા રહે છે. વાંચવું, વિચારવું, જાણકારી મેળવવી, યોગ્ય માણસની સલાહ લેવી, અવલોકન અને અભ્યાસ કરવામાં તેઓ ક્યારેય પાછા પડતા નથી. આ બધું થયા પછી તેઓ પોતે નિર્ણય લે છે અને એ દિશામાં સફળ થવા પોતાનું સર્વસ્વ દાવ પર જાણે મુકી દે છે. આમ તન-મન-ધનથી સો ટકા પ્રામાણિક પ્રયાસો એમણે કર્યા છે અને એટલે એમને એમના જીવનમાં સફળતાઓ અને સન્માનો મળ્યા છે.
એમનામાં ઊર્જા અને ઉલ્લાસનો પ્રવાહ સતત વહેતો રહે છે. પરિવાર હોય કે ગ્રુપના મિત્રો સાથેનો પ્રસંગ હોય, એ પોતે લીડરશીપ લઈ લે. બધાને સાથે રાખે, હસે અને હસાવે, વાતો કરે અને ગીતો ગાય. આમ આસપાસ જીવંતતાનું જાદુઈ વાતાવરણ ઊભું કરી દે. એમનું ખૂબ મોટું મિત્ર વર્તુળ છે. બધા સાથે નિયમિત સંપર્કો રાખે, કોઈની સાથે લાંબા સમયથી ફોન પર સંવાદ ન હોય તો પોતે ફોન કરીને પુછી લે, બધું બરાબર તો છે ને! એમના ઘરે કોઈ આવે અથવા તેઓ કોઈના ઘરે જાય તો નાની-મોટી ગીફ્ટ તો સહજપણે આપવાની જ એવો એમનો વણલખ્યો નિયમ છે.
ગુસ્સો કરે પણ પછી જેમની સામે ગુસ્સો કર્યો હોય એને પ્રેમ પણ એનાથી વધુ કરે, પોતાની ભૂલ સમજાય તો વિનાસંકોચે સહજપણે પોતાની ભૂલ પણ સ્વીકારી લે. એમના પત્ની વૈશાલી વસા આ પુસ્તકમાં એક સૂચક વાત નોંધે છે કે, ‘એમણે ક્યારેય કશું ખોટું નથી કર્યું અને કોઈનું ખરાબ પણ નથી કર્યું.’
આજકાલ મોબાઈલનું વળગણ ઓછું કરવાની વાતો થાય છે ત્યારે જૈમિનભાઈને અડધી રાત્રે જાગે ત્યારે ફોન જોઈ લેવાની આદત છે. કેમ? ઉત્તરમાં માણસાઈનો સદ્ગુણ ધબકે છે. તેઓ અડધી રાત્રે મેસેજ કે ફોન દ્વારા જોઈ લે છે કે એમના કોઈ સ્વજન-પ્રિયજન મુશ્કેલીમાં હોવાનો સંદેશ તો નથી ને? અને જો એવું હોય તો અડધી રાત્રે તેઓ એ વ્યક્તિની પડખે જઈને ઊભા પણ રહે છે. વ્યવસાય અને ઉદ્યોગ જગતમાં એમના આર્થિક વ્યવહારો ખૂબ મોટા છે. પરંતુ કોઈપણ માણસના પૈસા જૈમિનભાઈએ બાકી રાખ્યા હોય એવું ક્યારેય આજ સુધી નથી બન્યું એ વાતનું એના પરિવારના સભ્યોને ગૌરવ છે.
જૈમિન વસા એક એવું વ્યક્તિત્વ છે જેમણે સમયને સાચવ્યો છે - નિયત સમયે નિયત કામો પૂર્ણ કર્યા છે. નાની નાની બાબતોમાં તેઓ ખૂબ ચીવટ રાખે છે. સતત વિચારે છે અને આયોજનપૂર્વક કામમાં આગળ વધે છે.
જ્યારે જ્યારે પોતપોતાના ક્ષેત્રમાં સફળ થનારા માણસોને જોઉં છું અથવા મળું છું, એમની સાથે કામ કરું છું ત્યારે મને પણ સતત નવું જાણવા - જોવા અનુભવવા મળે છે. અનુભવો એમના હોય છે - વાતો એમની હોય છે પરંતુ મને એમાંથી કર્મના - ધર્મના, સત્વના - તત્વના અજવાળાં સાંપડે છે.

