તન-મનને તરબરતર કરતું ઈશ્વરનું વરદાન વસંત ઋતુ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 27th January 2020 06:47 EST
 
 

દેજે દેજે અબુધ શિશુને 

તું જ સદબુદ્ધિ દેજે,
રહેજે રહેજે અમ પર સદા
તું પ્રસન્ન જ રહેજે...

અરબી સમુદ્રના કાંઠે આવેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને આધ્યાત્મિક ક્ષેત્રે જાણીતા એવા તીથલના દરિયાકિનારે આ પંક્તિઓ ગવાઈ રહી છે. સાનિધ્ય છે જૈન ધર્મના જાણીતા એવા બંધુત્રિપુટી પૂજ્યશ્રી કિર્તીચંદ્રજી મહારાજ, પૂજ્યશ્રી મુનીચંદ્રજી મહારાજ, પૂજ્યશ્રી જીનચંદ્રજી મહારાજ અને પૂજ્ય બહેન મહારાજ તથા પૂજ્ય સાધ્વીશ્રી રમાકિર્તીશ્રીજી. ૧૯૯૦ના વર્ષથી એમના સાનિધ્યમાં જવાનું થાય, ભક્તિસંગીત, પુસ્તક કે સ્મરણિકા સંકલન થાય, સરસ્વતી મંત્ર સાધના શિબિરમાં સરસ્વતી મંત્ર આરાધના વિધિવિધાન સાથે થાય. ત્રણ દાયકા દરમિયાન વિતાવેલા કેટકેટલા દિવસો અને સંગીતનું વાતાવરણ આજે સ્મરણ પર દરિયાના મોજાંની જેમ છવાયું કારણ કે વસંતપંચમી આવી.
દેવી ભાગવત અને બ્રહ્મવૈવર્તક પુરાણમાં ઉલ્લેખ છે તે મુજબ શ્રીકૃષ્ણે પહેલી વાર સરસ્વતી પૂજન વસંતપંચમીએ કર્યું હતું.
જ્ઞાનની અધિષ્ઠાત્રી અને કલાની દેવી મા સરસ્વતીનો આ જન્મદિવસ છે. એક અર્થમાં વસંતપંચમીથી માનવીના જીવનમાં કલાની આરાધનાનો, એના વિવિધ સ્વરૂપોથી સભર થવાનો વિશેષ જાગૃતિ સાથે પ્રયાસ થાય છે.
મા સરસ્વતીના અનેક નામો છે - જેમ કે શતરૂપા, શારદા, વાગેશ્વરી, વાગ્દેવી... શુક્લવર્ણ, શ્વેત વસ્ત્રધારિણી, વીણાવાદક અને શ્વેત પદ્માસના સ્વરૂપ છે એમનું. એના વાહન હંસ અને મોર છે. વિદ્યા અને બુદ્ધિની દાતા છે સરસ્વતી.

પ્રણો દેવી સરસ્વતી
વાજેભિવર્જિનીવતી
ધીનામણીત્રયવતુ

અર્થાત્ તે પરમ ચેતના છે. બુદ્ધિ-પ્રજ્ઞા અને મનોવૃત્તિઓનું રક્ષણ કરે છે. એના સ્વરૂપ દર્શનમાં ચહેરા પરનું હાસ્ય, ઉલ્લાસ, વીણા કલાના સ્વરૂપો, પુસ્તકરૂપે જ્ઞાન માળાથી સાત્વિક્તાનો બોધ મળે છે.
અભ્યાસ કરતા એવી નોંધ મળે છે કે જાપાન-થાઈલેન્ડ-ઈન્ડોનેશિયા જેવા કેટલાક દેશોમાં પણ સરસ્વતી પૂજનનો મહિમા રહ્યો છે.
વસંતઋતુમાં હવા શુદ્ધ હોય છે. ધ્યાન-પ્રાણાયામ માટેની પણ આ વિશેષ ઋતુ છે. વસંત એટલે માઘ ઉત્સવ. વસંત એટલે કૂંપણ ફૂટવાનો ઉત્સવ. વસંત એટલે રંગબેરંગી ફૂલોનો અને કોયલના ટહુકાનો ઉત્સવ.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અધ્યાય દસમાં શ્રીકૃષ્ણ કહે છે ઋતુઓમાં હું વસંત ઋતુ છું. ગુજરાતી-હિન્દી અને સંસ્કૃત સહિતની અનેક ભાષાઓના કવિઓએ વસંત ઋતુનું વર્ણન એમની રચનાઓમાં કર્યું છે. કાલિદાસના મેઘદૂત અને ઋતુસંહારમાં, ભવભૂતિના ઉત્તર રામચરિતમાં ઋતુઓના વર્ણનો છે. હિન્દીના પ્રસિદ્ધ કવિ નિરાલા તો વસંતપંચમીને પોતાના જન્મદિવસ તરીકે ઊજવતા એવું ક્યાંક વાંચ્યું છે. ગુજરાતી કવિ ઉમાશંકર જોષી લખે છે

કોકિલ પંચમ સૂર બોલો
કે પંચમી આવી વસંતની

•••

વસંત ઋતુ ઈશ્વરનું વરદાન છે. ચારેતરફ હર્યા-ભર્યા વૃક્ષો અને ફૂલો જોવા મળે એટલે આપણું સમગ્ર અસ્તિત્વ પ્રસન્નતા પામે. ઠંડી હવા સુગંધ પ્રસરાવે, જે તાજગી આપે છે. ગુલમહોર ને ગરમાળો અને કમળ ખીલે છે, જે આપણને ખુલવાનો અને દુઃખોને સંકોરવાનો સંકેત આપે છે.
વસંત એટલે પ્રકૃતિના નવજીવનની ઋતુ. નવી હવા - નવા અંકુરો - નવા પર્ણો - નવા પુષ્પો અને નવી સુગંધોથી વાતાવરણ તરબતર બને છે. નવો પાક ઊગે છે. પશુ-પક્ષી જગતમાં ઉત્સાહ અને ઉલ્લાસ પ્રસરે છે. મોસમ મનોહર બને છે. એથી તો વસંતને ઋતુરાજ વસંત કહે છે.
ચારણી સાહિત્યના એક છંદમાં લખાયું છે

મધુકૂંજ ફહેરે, અંબ મહેરે
મહક દહેરે મંજરા
કોકિલ કહેરે, શબદ સહેરે
કૂંજ લહેરે મધુકરા
સર કુસુમ બહેરે, ઊર ન સહેરે
પ્રીત ઠહારે પદમણી
રઢરાણ હિમ્મત વળ્યે અણરત,
ધરણસર માતર ધણી...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter