તસવીરો સ્મરણોને જ નહીં, સંબંધોને પણ ઉજાગર કરે છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Sunday 17th May 2020 06:12 EDT
 

‘અરે આ તો મારી કોલેજમાંથી મેં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો હતો એનો ફોટો...’
‘અને આ જુઓ, અમે મહુવામાં છાયા સાથે સંગીત ક્લાસમાં જતા ને તે સમયનો ફોટો.’
‘અને આ...આ... આટલા બધા ફોટા ધ્વનિના જ છે, એનું બાળપણ ઉત્સવ જેવું ને મારું નહીં કેમ?’ નાની દીકરીએ કાયમની જેમ મીઠો ઝઘડો કર્યો. માંડ એને સમજાવી કે તારા પણ આટલા બધા ફોટા છે જ... સમય બદલાયો એટલે એ ડિજિટલ ફોર્મેટમાં સચવાયા છે. મૂળ તો લોકડાઉનનો આ સમયગાળો પસાર કરવા ઘરમાં જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ થાય એમાંની એક પ્રવૃત્તિ આ આખીય સ્મરણયાત્રાના કેન્દ્રમાં હતી. એ પ્રવૃત્તિ એટલે છેલ્લા ચારેક દાયકાની જુની તસવીરો જોવાની - એને સ્કેન કરવાની અને ફરી નવેસરથી ગોઠવવાની. આહાહાહા શું આનંદ આવ્યો છે એમાં..! રોજ ઓછામાં ઓછા બે-ત્રણ કલાક ગયા ત્યારે ૧૫ દિવસે કામ પૂરું થયું.
કવિ મિત્ર અંકિત ત્રિવેદીએ લખેલા શબ્દો જાણે સાર્થક થઈ રહ્યા હતા. એક પછી એક તસવીરો અને આલ્બમો જોતાં જોતાં...
આંખ સામે આલ્બમ
જ્યાં જૂનું આવી જાય છે,
બ્લેક એન્ડ વ્હાઈટ સમય પણ
રંગભીનો થાય છે.
કેમેરાનો ઉપયોગ કરવો એ એક કલા છે, મેં પણ એ ઉપયોગ કર્યો છે અને હર્ષેન્દુ ઓઝા જેવા પારિવારિક મિત્રે અનાયાસ શીખવ્યું છે કે કેમેરાની ક્લિકને કેમ સમજવી. આ કેમેરા દ્વારા જે ક્લિક થાય એમાં સુંદરતા પણ હોય અને સાંપ્રત સ્થિતિનું દર્શન પણ હોય, એને જોઈને જ્યારે સંવેદના જાગે, કલમ થકી લખવાનું શરૂ થાય. એ પછી ફોટોફીચર કે ફોટોસ્ટોરી આવે છે જે આપણે વાંચીએ છીએ.
ઘર-પરિવારના અવસરો - પ્રસંગો - સામાજિક મેળાવડાઓ - કાર્યક્રમો - પ્રવાસો - મોડેલિંગ સ્ટાઇલના પોટ્રેઇટ - મિલન અને વિદાયના પ્રસંગો - એમ કેટકેટલું સચવાય છે. એક કેમેરાની ક્લિકમાં અને એ તસવીરો જ્યારે જોઈએ ત્યારે એમાં દેખાતા પાત્રો - એ ઘટનાઓ - એ સમયની સ્થિતિઓ - એ સમયની લાગણી - સ્પર્શને સપનાંઓ કેટકેટલું છવાઈ જાય છે મેઘધનુષી રંગો બનીને મનોજગત પર.
આપણે ક્યારેય સમયને કેદ કરી શકતા નથી, પરંતુ સ્મરણોના સંદર્ભમાં કહી શકાય કે એક એક ક્લિકમાં - એક એક તસવીરમાં જે તે સમય જાણે સચવાઈ જાય છે. અને એ તસવીર સાથે જોડાનારા કોઈ પણ એ તસવીરો જુએ ત્યારે એમના માટે એ તસવીર નિર્જીવ રહેતી નથી, પરંતુ સજીવ થઈ જાય છે. એ તસવીરો મધુર સંભારણા બની જાય છે. એ તસવીરોના પાત્રો આજે ફિઝિકલી સાથે ના હોય પણ પળભરમાં જાણે એમની સાથે હૃદયના તાર જોડાઈ જાય છે અને દિલમાં સ્મરણોનું મધુર ગુંજન શરૂ થાય છે.
અમારા એક પારિવારિક સ્વજનના દીકરાની બાળપણની - ભોળી ભોળી આંખો સાથેની તસવીર વર્ષો પછી જોઈ... હવે જુઓ ઘટનાક્રમ કેવો રચાય છે! એ પરિવાર સાથે છેલ્લા દાયકામાં કોઈ કારણ વિના સંપર્ક ખાસ ન હતો. એમના મમ્મીને આ તસવીર મોકલી તો કહે કે ‘તમારો લાડકો ટીનુ તો અત્યારે લંડનમાં રહે છે ને મજા કરે છે.’ હવે એ વાત પહોંચી યુકેમાં મીનાબહેન પાસે. એમણે આ ટીનુને બાળપણમાં બહુ રમાડેલો. ફોનથી સંપર્ક કર્યો તો એક કલાક વાતો કરી. અને મજા જુઓ કે મીનાબહેનની દીકરીને હવે જે ટાઉનમાં નોકરી મળવાની છે તે જ ટાઉનમાં વસે છે. કહે કે ‘હવે મારી બહેનની ચિંતા મારે કરવાની છે, મીના બુઆ તમારે નહીં... એના માટે રહેવા-જમવાની વ્યવસ્થા ગોઠવવામાં હું બધી જ મદદ કરીશ.’ આમ એક ફોટાએ ફરી લાગણીના તાર ઝણઝણાવ્યા ને કોઈ સ્વજનનું કામ સાવ સરળ થઈ ગયું. ચિંતા દૂર થઈ.
તસવીરો સંબંધોને ઉજાગર કરે છે એવી અનુભૂતિ તમને પણ થતી જ હશે. તમે પણ આમ તસવીરો જોતા રહો અને સ્મરણોના દીવડા પ્રગટાવી પ્રેમના અજવાળાંને ઝીલતા રહો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter