‘તેઓ માત્ર મેન્ટર ન હતા, વિઝનરી મેન્ટર હતા...’ ‘એમના ઘરે ગયેલ સ્ટુડન્ટ કે બીજું કોઈ અતિથિ ચા-નાસ્તો કે ભોજન કર્યા વિના પરત જાય જ નહીં...’ ‘વાસ્તવમાં ગીતામાં પ્રબોધેલા કર્મ માર્ગને તેઓ ક્ષણ ક્ષણ જીવ્યા હતા...’ આ અને આવા અનેક વાક્યો સ્મશાનગૃહમાં આવેલા લોકો જેમના માટે બોલતા હતા એ વ્યક્તિ એટલે અમદાવાદસ્થિત ડો. હસમુખભાઈ વી. ત્રિવેદી.
એમનું શરીર પંચતત્વમાં ભળી ગયું છે પરંતુ તેઓના વ્યક્તિત્વના સદગુણો એમણે 40 વર્ષની એમની શૈક્ષણિક કારકિર્દીના સમયમાં અને એ પછી એમના વિદ્યાર્થીઓ, સહકર્મચારીઓ, પાડોશીઓ, પરિવારજનો સહુ સાથે જે સાલસ-પ્રેમપૂર્ણ વ્યવહાર કર્યો છે એને કારણે તેઓ હંમેશા એમને ઓળખનારની આસપાસ જીવંત રહેશે.
આઇઆઇટી-ખડગપુર અને આઇઆઇટી-દિલ્હી જેવી સંસ્થાઓમાં જેમને તૈયાર થવા મળ્યું, જેઓ એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના પૂર્વ પ્રિન્સિપાલ રહ્યા અને એ પછી અમદાવાદની નિરમા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના પૂર્વ ડાયરેક્ટર રહ્યા એવા ત્રિવેદી સાહેબ એમના વિદ્યાર્થીઓમાં અકલ્પનીય એવી લોકપ્રિયતા પામ્યા હતા. એમની પાસે અભ્યાસ કરનાર મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે પોતપોતાના સંભારણા છે. જેને સહુ યાદ કરતા હતા અને એ રીતે વૈકુંઠધામ સિધાવેલા એમના જીવનમાં આદર્શ જીવનના સંસ્કારોને આરોપિત કરનાર ત્રિવેદી સાહેબને જાણે શ્રદ્ધાંજલિ આપતા હતા.
એમનો એક વિદ્યાર્થી જે 1995-96ની નિરમાની પ્રથમ બેચનો વિદ્યાર્થી હતો તે આજે ત્રણ-ત્રણ દાયકા પછી પણ એમની સાથે પારિવારિક સંપર્કો જાળવતો હતો અને એમના મૃત્યુના સમાચાર સાંભળીને વળતી જ ફ્લાઈટમાં છેક અમેરિકાથી આવ્યો હતો. વર્તમાન સમયમાં શિક્ષક-વિદ્યાર્થીના જે સંબંધો આપણે જોઈએ છીએ એ સમયમાં આ વાત કલ્પના લાગે પણ એ હકીકત હતી.
વિદ્યાર્થી અવસ્થાના જોશમાં જે તે સમયે કોઈ વિદ્યાર્થીએ એમને એવું કહ્યું હતું કે ‘સાહેબ અમારી પાસે સમય જ નથી’ તો એમણે પુરી શાંતિથી, વાત્સલ્યભાવે જવાબ આપ્યો હતો કે તમારી પાસે સમય નથી તો તમારી હોસ્ટેલના કે ઘરના કામ જરૂર પડે હું કરી આપું, પરંતુ તમારે પ્રોજેક્ટ તો પુરા કરવા જ પડશે, ભણવામાં તો સમય આપવો જ પડશે.
વિદ્યાર્થીઓ માટે એમના હિત માટે એક પ્રિન્સિપાલ કઈ હદે જઈ શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. તેઓ એમના વિદ્યાર્થીઓ માટે આદર્શ લીડર, આદર્શ ટીચર બની રહ્યા હતા કારણ કે એમના પોતાના જીવનમાં તેઓ સાદાઈ, પુરુષાર્થ, શ્રેષ્ઠ કર્મ, જ્ઞાન અને પ્રેમથી સભર હતા. આ જ સદગુણો તેઓ એમના વિદ્યાર્થીઓમાં પળપળ વહેંચતા હતા.
એમને એકવાર પણ મળવાનું થયું હોય એ વ્યક્તિ એમના હકારાત્મત વિચારોનું ભાથું લઈને જ જાય એવી પોઝિટિવિટીથી તેઓ જીવતા હતા. એમના પત્ની લતાબાએ પણ એમને જીવનમાં ડગલેને પગલે આદર્શ પત્ની તરીકે સાથ આપ્યો. એમના બે પુત્રો પૈકી હિતેષભાઈ નાની ઊંમરે સ્વર્ગવાસી થયા અને બીજા પુત્ર ચેતનભાઈ અમેરિકાથી આવ્યા હતા.
એમના સ્વર્ગસ્થ દીકરા હિતેષના પત્ની નેહા મારી કઝીન થાય અને એ સંબંધે મારે પણ ત્રિવેદી સાહેબને નિયમિત મળવાનું થતું હતું. એમની સાથે ખૂબ વાતો કરી હતી. જ્યારે પણ મળવાનું થાય ત્યારે કાંઈકને કાંઈક તો નવી જાણકારી-જીવનનો મર્મ પામીને જ નીકળું એવો અનુભવ રહ્યો હતો. આજે તેઓ સદેહે નથી પરંતુ વાતાવરમાં એમના શબ્દો, એમનો હસતો ચહેરો અનુભવાય છે.
ડો. એચ.વી. ત્રિવેદીને એમના વિદ્યાર્થીઓ, સ્વજનો, એજ્યુકેટર, મેન્ટર અને ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર તરીકે હંમેશા યાદ રાખશે. જીવનમાં જ્યારે જ્યારે આવા વ્યક્તિત્વ દુનિયા છોડી જાય છે ત્યારે એમના સદગુણોના અજવાળાં રહી જાય છે.


