દેવી-દેવતાઓમાં ભગવાન શિવ છે મહાદેવ

- તુષાર જોષી Wednesday 30th July 2025 07:04 EDT
 
 

વાતાવરણમાં ગુંજે છે ઓમ નમઃ શિવાયનો નાદ. તમામ દેવી-દેવતાઓમાં ભગવાન શિવ છે મહાદેવ, દેવાધિદેવ. અજન્મા છે શિવ, પૃથ્વી પર કાંઈ ન હતું ત્યારે પણ હતા ને કાંઈ નહીં હોય ત્યારે પણ હશે... નવગ્રહ પર શિવનું વર્ચસ્વ છે અને કોઈપણ ભક્ત સહજપણે એમનું થોડુંક સ્મરણ કરે, પૂજા કરે તો તુરંત પ્રસન્ન થાય છે, એટલે જ ભોળાના ભગવાન કહેવાય છે. શિવ આરાધના શરીરનું સ્વાસ્થ્ય, મનની શાંતિ, સમૃદ્ધિ આપે છે. મહાદેવની ઈચ્છાથી જ પંચમહાભૂતોની રચના થઈ છે, શિવ સમાન કોઈ દાતા નથી, માણસ માત્રના મનના મનોરથો પૂરા કરે છે મહાદેવ. શ્રાવણ મહિનો છે, શિવમંદિરોમાં ભક્તોની ભીડ છે, વાતવરણમાં સૌમ્યતા-દિવ્યતા અને પવિત્રતાનો અનુભવ થઈ રહ્યો છે.

શિવ મહિમ્નમાં લખાયું છે, ગવાયું છે તે અનુસાર શિવના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી કારણ કે આપના નિર્ગુણ સ્વરૂપ મન વાણીથી પર છે. બ્રહ્માદિનો સંસ્કૃત ભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી.
ભગવાન શંકર માણસો અને દેવતાઓ તો ઠીક, અસુરો-દાનવો, રાક્ષસો, ગંધર્વો, યક્ષોના પણ આરાધ્ય દેવ રહ્યા છે. એ ભોળાના ભગવાન છે, જે કોઈ ભજે એમને તુરંત મનવાંચ્છિત ફળ આપે છે.
શિવ પાસે આપણે આપણી ફરિયાદો-મુશ્કેલીઓ કે પ્રશ્નો લઈને જઈએ છીએ એમ જ દેવતાઓ પણ એમના સંકટ સમયે શિવચરણે ગયા છે અને એથી જ શિવ દેવોના દેવ કહેવાયા છે. એક નોંધનીય વાત એ પણ છે કે શિવ આદિગુરુ છે, એમનું આ સ્વરૂપ વિશ્વભરમાં પૂજાય છે. ગુરુશિષ્ય પરંપરાનો આરંભ ભગવાન શિવે કરાવ્યો હતો. એમના જ્ઞાનને મારા-તમારા સુધી, પૃથ્વી પર પહોંચાડવાનું કામ એમના શિષ્યો એવા સપ્તર્ષિઓએ કર્યું છે. જુદાજુદા કલ્પમાં જુદા જુદા સપ્તર્ષિ માનવામાં આવે છે એ અનુસાર વર્તમાન કલ્પમાં અત્રિ, ભરદ્વાજ, ગૌતમ, જમદગ્નિ, કશ્યપ, વસિષ્ઠ અને વિશ્વામિત્રએ શિવનું જ્ઞાન પૃથ્વી પર પહોંચાડ્યું છે.
વિશ્વપ્રસિદ્ધ અમરનાથની ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. આ ગુફા ત્રિકુટા પહાડની ગુફાઓમાં આવેલી છે અને અહીં પ્રાકૃતિકરૂપે બરફનું શિવલિંગ બને છે જેના દર્શને વિશ્વભરમાંથી ભક્તો આવે છે. એ સ્વરૂપ અમરનાથ નામે ઓળખાય છે, અર્થાત્ અમરના નાથ છે, છતાં આપણે મનુષ્યનો, જે અમર નથી, તેઓ પણ એ સ્વરૂપના દર્શન કરી શકે છે.
આવું જ વિશેષ મહત્ત્વ ધરાવતું એક શિવલિંગ જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે, અરબી સમુદ્રના કિનારે આવેલું છે. જે સ્તંભેશ્વર નામે જાણીતું છે. સ્કંદપુરાણમાં એના નિર્માણની કથા છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં સમુદ્રમાં ભરતી આવે ત્યારે શિવલિંગ જળમગ્ન બની જાય છે અને ઓટ આવે ત્યારે ભક્તો એ શિવલિંગના દર્શન કરે છે, આવું જ મંદિર કોળિયાક (ઘોઘા) જિલ્લો ભાવનગરના દરિયાકિનારે પણ આવેલું છે, જેની સ્થાપના પાંડવોએ કરી હતી એવું શ્રદ્ધાળુઓ માને છે.
મન-વચન-કાયા-કર્મથી, વાણી-વર્તન-વ્યવહારથી જેટલું પણ શિવ સ્મરણ થાય, શિવપૂજન કે અભિષેક થાય એમાં આપણો સમય આપીએ અને શિવકૃપાના અજવાળાં ઝીલીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter