ધનંજય પંડ્યાઃ વિદ્યાર્થિનીઓના ગુરુ - માર્ગદર્શક અને પિતાતુલ્ય

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 04th July 2023 07:53 EDT
 

‘ધનંજયભાઈ ફૂલ ઓફ હેપ્પીનેસથી જીવ્યા...’ ‘આર્થિક રીતે નબળા પરિવારોની વિદ્યાર્થિનીઓને પ્રોફેસર તરીકે પિતાતુલ્ય વાત્સલ્ય આપીને શિક્ષણ આપ્યું, આત્મનિર્ભર બનાવી...’
‘છેલ્લા થોડા વર્ષો બીમાર રહ્યા, સંગીતનો શોખ હતો એટલે કહેતા કે મારો 75મો જન્મ દિવસ 24 જૂન, 2023ના રોજ ઊજવવો છે. હું જીવતો હોઈશ તો રૂબરૂ નહીંતર સૂક્ષ્મ દેહે ત્યાં હાજર રહીશ.’ આવા વ્યક્તિત્વના સ્વામીનું નામ શ્રી ધનંજય ભાસ્કરરાય પંડ્યા. જન્મ થયો મોરબી ગામમાં. મૂળ વતન ભાવનગર. અહીંના શ્રી ઈચ્છાશંકર કરૂણાશંકર પંડ્યાના તેઓ પૌત્ર હતા.
બાળપણ રાજકોટમાં વીતાવ્યું. વિરાણી હાઇસ્કૂલ રાજકોટમાં ભણ્યા. પછી અમદાવાદ આવ્યા અને અમદાવાદમાં જ સ્થાયી થયા. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. કર્યું. એ પછી ઉચ્ચ અભ્યાસમાં એમ.એ., એલ.એલ.એમ. પણ કર્યું, ઉત્તમ વિદ્યાર્થી તરીકે સ્કોલરશિપ પણ મેળવી. એ સમયે આઈએએસ થવાની ઈચ્છા હતી, પરંતુ પરીક્ષા ન આપી. કારણ? એમના મનમાં બરાબર એ સમયે એક ગાંઠ વાળી લીધી હતી કે શિક્ષણ ક્ષેત્રમાં જ જવું, યુવાશક્તિનું ઘડતર કરવું અને રાષ્ટ્રનિર્માણમાં એ રીતે મહત્ત્વનું પ્રદાન કરવું.
અમદાવાદની સદગુણા આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કામ સ્વીકાર્યું તો છેક 2007ના વર્ષમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધી તેઓએ અંગ્રેજીના વિષય પર એક આદર્શ – અભ્યાસુ - તજજ્ઞ પ્રોફેસર તરીકે પોતાને અને વિદ્યાર્થિનીઓને સંતોષ થાય એવું કામ કર્યું. તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે આ નિવૃત્તિ ન લેવા પણ એમને સાથી મિત્રોએ સમજાવ્યા હતા, પરંતુ તેઓ મન મક્કમ કરીને જ આ નિર્ણય પર આવ્યા હતા એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને જ રહ્યા.
કોલેજમાં આવતી દીકરીઓને તેઓએ અંગ્રેજી વિષયમાં લખવા-બોલવામાં એવી પારંગત કરી કે આજે એ વિદ્યાર્થિનીઓ સમાજજીવનમાં જ્યાં પણ છે ત્યાં એમના ધનંજય સરને આદરથી અચૂક યાદ કરે છે. પ્રોફેસર–વિદ્યાર્થિની કરતા વધુ બળવત્તર સંબંધ એમની વચ્ચે એક માર્ગદર્શક – ગુરુ - પિતાતુલ્ય વાત્સલ્ય સ્વરૂપનો અને દીકરીનો રહ્યો. પરિણામે એમની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવી દીકરીઓ, જે તેમની પાસે ભણી હોય તે આવી હતી અને એમના સંસ્મરણો ભીની આંખે કહેતી હતી.
ધનંજયભાઈએ કોલેજમાં રહીને એન.એસ.એસ. ક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન કર્યું. નેશનલ એવોર્ડ પણ જીત્યા. નેશનલ કેમ્પ પણ બહુ કર્યાં. આ સમગ્ર કારકિર્દીમાં એમના પત્ની ઉમાબહેને એમને ડગલને પગલે સાથ – સહકાર આપ્યો અને પડખે ઊભા રહ્યા હતા.
અમદાવાદની અઢી દાયકા જૂની ગ્રામોફોન ક્લબના કાર્યવાહક અને ધનંજયભાઈના પારિવારિક સ્વજન મિલન જોષી ધનંજયભાઈને કાર્યક્રમોની વીડિયો ક્લિપ મોકલતા. એમને ગમતી. છેલ્લા વર્ષો બીમારીમાં આ ગીતો સાંભળી ધનંજયભાઈએ ખાસ્સો સમય સંગીતથી સભર કર્યો. એ રસને કારણે જ ધનંજયભાઈએ પોતાનો 75મો જન્મદિવસ સંગીત સાથે ઊજવવા આયોજન કરાવ્યું. ઉમાબહેને મિલન જોષીને કહ્યું અને અમદાવાદમાં ઉત્તમ કલાકારોએ ગીત – સંગીત – કોમેન્ટ્રી રજૂ કર્યાં. આ નિમિત્તે મને પણ ધનંજયભાઈના સમગ્ર જીવનની વાત શ્રોતાઓ સુધી પહોંચાડવા મળી.
રાજકોટથી ધનંજયભાઈના શ્વસુર પક્ષના નિરાલા જોષી તથા પરિવારજનો એ સમયે જેમણે કોલેજમાં, એન.એસ.એસ.માં કામ કર્યું એવા પ્રોફેસરો - વિદ્યાર્થિનીઓ, સહકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને સહુએ ધનંજયભાઈની કામ કરવાની શૈલીને બિરદાવી. ધનંજયભાઈએ આઈઆઈએમ, એનઆઈડી, સેપ્ટ, સ્પિપા જેવી અનેક સંસ્થામાં કોમ્યુનિકેશન સ્કિલ્સના પાઠ ભણાવ્યા હતા તેનું પણ સ્મરણ કરાયું.
તિથિ અનુસાર એમનો જન્મદિવસ હતો તે દિવસે જ તેઓએ 75 વર્ષની ઊંમરે તેમની જીવનલીલા સંકેલી લીધી અને પરિવારજનોને ઉમદા - મૂલ્યવાન જીવનના પાઠ હસતા હસતાં શીખવતા ગયા. મારી તમારી આસપાસ આવા વ્યક્તિત્વો હોય છે, હશે જ, જેઓ જીવનને ખરા અર્થમાં ઝિંદાદિલીથી - મસ્તીથી જીવી જાય છે અને જીવનના અજવાળાં રેલાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter