ધીરે ધીરે બદલાઇ રહ્યું યુવા માનસ

તુષાર જોશી Tuesday 14th June 2016 08:31 EDT
 

‘ઓડિયન્સમાંથી એક છોકરાને ગાવું છે, ઈન્વાઈટ કરજો.’ કાર્યક્રમ આયોજન સાથે સંકળાયેલા એક મિત્રએ સ્ટેજ પર સંચાલન કરી રહેલા સૂત્રધારને SMS કર્યો.

‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’ આ પંક્તિમાં જેનો આરંભકાળ અને ઈતિહાસ સચવાયા છે એવું અમદાવાદ શહેર આજે એકવીસમી સદીમાં વિશ્વના ટોચના મહાનગરોની સમકક્ષ આવીને ઊભું છે. અડધી ચા એટલે કે ‘કટીંગ’નો એક એક ઘૂંટડો બાદશાહી સ્ટાઈલથી પીનાર અમદાવાદ નવા તૈયાર થયેલા કોફી હાઉસ કે ફાઈવસ્ટારમાં જઈને પાંચસો રૂપિયા કોફીના કપમાં ખર્ચતો થયો છે. એકદમ અપ-ટુ-ડેટ રહેનારા હાઈ-ફાઈ લોક પણ રાત્રે માણેક ચોકની ખાઉગલીમાં આવતા થયા છે. આમ પરંપરા સાચવીને આધુનિકતાની ઊડાન ભરી છે અમદાવાદે.

ભારતના અન્ય રાજ્યોના લોકો વ્યવસાય અર્થે અહીં આવીને વસ્યા છે. અમદાવાદે પોતાનું કલ્ચર સાચવ્યું છે. અને આ તમામને આવકારીને મલ્ટીકલ્ચર સિટી બન્યાનું ગૌરવ પણ આ શહેરના લોકોને થઈ રહ્યું છે. એક સમયે જ્યાં ઢગલાબંધ મીલો કાર્યરત હતી ત્યાં આજે મોલ કલ્ચર વિક્સ્યું છે. કાંકરીયાની પાળે રીક્ષામાં ફરનારો માણસ કાંકરીયા લેઈક ફ્રન્ટનું ડેવલપમેન્ટ જોઈને દંગ રહી જાય છે.

થોડાક વર્ષો પહેલાં સાબરમતી નદી જેણે જોઈ હશે એ માણસ આજે સાબરમતીના બંને કાઠે વિક્સેલ સાબરમતી રિવરફ્રન્ટ, તેના માર્ગો, ઈવેન્ટ સેન્ટરો, બગીચા જુએ તો તેના આનંદની અવધિ ના રહે તેટલું સુંદર નગર નિર્માણ અહીં થયું છે.

‘સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ...’ ફિલ્મી ગીતમાં સાબરમતી અને ગાંધીજી બંનેને સાથે વણી લેવાયા છે. બંનેની એકાત્મતા અભિવ્યક્ત કરતો એક કાર્યક્રમ યોજાયો હતો સાબરમતી ફેસ્ટિવલમાં. કાર્યક્રમમાં ગવાઈ રહ્યા હતા માત્ર ને માત્ર ‘આશ્રમ ભજનાવલી’ના પદો. ઢળતી સાંજ, નૈસર્ગિક વાતાવરણ, જાણીતા કલાકારો અને વહી રહ્યા હતા તુલસીદાસ - રૈદાસ - કબીર - સુરદાસ - નરસિંહ મહેતા અને મીરા જેવા ભક્ત કવિઓના પદો અને ભજનો.

૩૦-૪૦ કોલેજીયન યુવાનોનું એક ગ્રૂપ પણ ભાવપૂર્વક ભજનો સાંભળતું હતું. એ કાર્યક્રમ સંચાલકે મનોમન નોંધ્યું હતું અને દરમિયાન પેલો SMS આવ્યો. વાંચીને આનંદ થયો કે આ ભજનવાણીની અસર યુવાનો પર થઈ.

આશ્રમ ભજનાવલિની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે, ‘જો સંગ્રહ કિયા ગયા હૈ, ઉસ મેં મુખ્ય હેતુ યહ હૈ કિ નૈતિક ભાવના પ્રબલ હો.’

અહીં રજૂ થયેલા કાર્યક્રમમાં રજૂ થયેલા ભજનોમાં સત્યનો વિજય, દીન-દુઃખીને મદદ કરવી, પરોપકાર કરવો, રાષ્ટ્રભક્તિ, પ્રેમ અને કરુણાનો ભાવ વણાયેલો હતો. સૂત્રધારે પણ એ જ પ્રવાહની વાતો કરીને શ્રોતાઓને જકડી રાખ્યા હતા. અને આમ પેલા યુવાનના ચિત્તમાં ઝબકારો થયો, મારે પણ ભજન ગાવું છે. ક્લબ કલ્ચર અને રોક મ્યુઝિકના જમાનામાં કોલેજનો યુવાન આશ્રમ ભજનાવલિમાં - ભજનોમાં ભીંજાય અને ભજન ગાય એ ઘટના જ આનંદ આપનારી બની રહી.

•••

પ્રસ્તુત ઘટનામાં પ્રતિબિંબિત થાય છે યુવાનોનું બદલાઈ રહેલું માનસ. ધીરે ધીરે, પણ મક્કમપણે એમનામાં આવી રહેલું હકારાત્મક પરિવર્તન. મંદિરે જવું, માળા કરવી અને વિધિઓ કરવી ત્યાં જ એ અટકતો નથી. પોતાના પોકેટ મનીમાંથી એ વારે-તહેવારે ગરીબોને ભોજન-કપડાં, ફટાકડાં કે પતંગ-દોરી અપાવે છે. પોતાની ગાડી કે બાઈકમાં જઈ વડીલો માટે સમય ફાળવે છે, સત્સંગ-કથામાં જઈને યોગ્ય સમજણ અને સભરતા સાથે બહાર આવે છે. એમની સંવેદના અભિવ્યક્ત કરતા થયા છે ને ગીત-સંગીત કે નાટકોમાં મનને રંજ ન થાય એ રીતે મનોરંજન પીરસતા અને સાંભળતા થયા છે. એમના હૈયામાં સત્ય, પ્રેમ, કરુણાની જ્યોત પ્રગટે જ છે અને ત્યારે સમાજજીવનમાં અજવાળું રેલાય છે.

લાઈટ હાઉસ

મન લાગો મેરો યાર ફકીરી મેં

જો સુખ પાવો રામ ભજન મેં

સો સુખ નાહિ અમીરી મેં


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter