નવું વર્ષ એટલે નવી ઊર્જા અને નવો ઉલ્લાસ

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 07th January 2026 01:17 EST
 

વર્ષ 2026નો આરંભ થઈ ચુક્યો છે, આ લખી રહ્યો છું ત્યારે તારીખ એક જાન્યુઆરીની ઢળતી સાંજ છે, બે દિવસ પરિવાર સાથે આણંદના જાણીતા એવા ‘મધુવન રિસોર્ટ’માં રહેવા આવ્યો છું. હમણાં જ અનુપમ મિશન-મોગરીના મંદિરે દર્શન કરીને આવ્યો. મસ્ત આદુવાળી ચાની સુગંધ રૂમમાં પ્રસરી રહી છે. એમાં ભળી રહ્યો છે દોહિત્રી અનન્યાનો મધુર સ્વર. એ કાગળ પર એની મસ્તીમાં કાંઈક લખી રહી છે અને હું 2025 અને 2026 એટલે કે સંભારણા અને સંભાવના આ બંનેના સમન્વય કરતી વાત, શબ્દ અનુભૂતિ અહીં કલમ થકી ઉતારી રહ્યો છું.

નવું વર્ષ... આ બે શબ્દો જ સૂચવે છે કે એમાં નવીનતા છે, એ નવીનતા સમયની છે, કાલખંડના એક માપની છે. 365 દિવસ, એક વર્ષ પૂરું થાય છે અને એટલા જ દિવસોનું એક નવું વર્ષ શરૂ થાય છે.
નવું વર્ષ એટલે વીતેલા વર્ષોના અનુભવોના આધારે આવનારા સમયનું આયોજન. નવું વર્ષ એટલે ગયા વર્ષમાં પુરા કરવા ધારેલા જે કામો પુરા ન થયા એમાં કંઈ ખામી રહી? આપણી કઈ ભૂલ હતી? એનો અભ્યાસ કરીને એ જ કામો આ વર્ષે પુરા કરવા માટેનો સમય. નવું વર્ષ એટલે નવા સપનાં, નવા આયોજનો, નવા વિચાર અને નવા આચાર, નવો પરસેવો અને નવું કૌશલ્ય.
નવું વર્ષ એટલે નવી ઊર્જા અને નવો ઉલ્લાસ, નવું વર્ષ એટલે નવા લક્ષ અને નવી ઊડાન. નવું વર્ષ એટલે નવું મેનેજમેન્ટ અને નવી સફળતા. નવું વર્ષ એટલે નવી દિશા અને નવા સાથી. નવું વર્ષ એટલે નવો ઊજાસ અને નવો પ્રવાસ. નવું વર્ષ એટલે નવું ચિંતન અને નવું દર્શન. નવું વર્ષ એટલે નવું આર્થિક બજેટ અને તદઅનુરૂપ નવી આવક ને જાવક. નવું વર્ષ એટલે નવી સિદ્ધિઓ અને નવા શિખરો.
આપણી સંસ્કૃતિમાં દેવભાષા સંસ્કૃતમાં નવા વર્ષને અનુલક્ષીને ઘણા શ્લોક છે જેમ કે આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ અર્થાત્ ચારે દિશાઓમાંથી શુભ અને કલ્યાણકારી વિચારો પ્રાપ્ત થાઓ. બીજા એક શ્લોકમાં લખાયું છે કે શુભં ભવંતુ કલ્યાણં, આરોગ્ય ધન સંપદા, અર્થાત્ આપનું શુભ થાય, આપનું કલ્યાણ હો, સ્વાસ્થ્ય અને ધનની પ્રાપ્તિ થાય.
ગોસ્વામી તુલસીદાસજીની એક ચોપાઈનું સ્મરણ મને હંમેશા થાય, જેમાં નવા વર્ષે જ નહીં, રોજેરોજ, પળેપળનો શુભત્વનો ભાવ સમાયેલો છે. આપણે નવા વર્ષે શુભકામનાઓ પાઠવીએ ત્યારે સહજપણે કહીએ છીએ કે તમારા સપનાં પુરા થયા, તમારા મનોરથો સિદ્ધ થાય, તમે જે ઈચ્છો તે તમને મળે. હવે આ બધું જ ક્યારે થાય? એક તો પરમ તત્વની કૃપા હોય ત્યારે અને બીજું આપણા હૃદયનો શુદ્ધ ભાવ, સાચો ભાવ હોય ત્યારે એ સંદર્ભે આ ચોપાઈ સમજવા જેવી છે.
જેહિ કે જેહિ પર સત્ય સનેહુ
સો તેહિ મીલહી ન કછુ સંદેહુ
બાલકાંડ, રામચરિત માનસની આ ચોપાઇનો અર્થ છે કે જેને જેના પર સાચો પ્રેમ કે સાચી નિષ્ઠા છે તેને તે વ્યક્તિ કે વસ્તુ મળે જ છે, એમાં કોઈ સંદેહ નથી.
નવા વર્ષે આપણે પણ આ ચોપાઈનો અર્થ સમજવા નહીં, પામવા જેવો છે, આપણું જે કર્મ છે તે શત પ્રતિશત શ્રેષ્ઠ પુરુષાર્થ સાથે કરીએ, આપણા સંબંધોમાં જીવ રેડી દઈએ, આપણા વિચાર અને આચારમાં સાચી નિષ્ઠાને અભિવ્યક્ત કરીએ, આપણે જેને પ્રેમ કરીએ એને સાચો પ્રેમ કરીએ, કોઈ ગણિત કે તર્ક વિનાનો, સમર્પિત પ્રેમ કરીએ. બસ આટલી વાત જો સમજાય તો નવા વર્ષની ઉજવણી, નવા વર્ષનો આરંભ શાનદાર બની જાય.
નવા વર્ષે એવો સંકલ્પ કરીએ કે આપણે સમયને સાચવીશું, આજનું કામ કાલ પર નહીં ઠેલીએ, જે કર્મ કરીએ તે સાચી નિષ્ઠાથી કરીશું તો આપણા મનોરથો પુરા થશે જ અને એના થકી જીવનમાં પ્રેમના, આનંદના અજવાળાં રેલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter