નાના માણસની મોટી વાત

અજવાળું અજવાળું

તુષાર જોશી Saturday 04th November 2017 07:37 EDT
 

‘ઓ સાહેબ, ઓ ભાઈ...’
એમ કોઈએ પાછળથી બૂમો પાડી અને અભિષેકે પાછળ જોયું. એક જાણીતો ચહેરો એના નાનકડા બાળકને હાથમાં તેડીને ઊભો હતો અને બીજા હાથમાં રહેલું એક પેકેટ તે બતાવી રહ્યો હતો. પળ - બે પળમાં એ સાવ નજીક આવી ગયો અને બોલ્યો, ‘આ તમારું પેકેટ તમે ટેબલ પર મૂકીને ગયા હતા, પરંતુ પાછા ફરતા લઈ જવાનું ભૂલી ગયા છો, એટલે હું અહીં આપને આપનું પેકેટ આપવા આવ્યો.’ મનોમન વંદન કર્યા એ માણસને (એનું નામ પૂછ્યું ન હતું, જરૂરી લાગ્યું ન હતું) અને એનામાં રહેલી પ્રામાણિકતાને)
સીધીસાદી ઘટનામાં સમાયેલી એક માણસની પ્રામાણિકતાને બિરદાવવા આપણે જે સમાજ વ્યવસ્થામાં અત્યારે જીવીએ છીએ, ચારેબાજુ જે ઘટનાઓ ઘટી રહી છે એનો વિચાર કરીએ ત્યારે આ માણસનું જીવનમૂલ્ય સમજાય એવું છે. સમાજજીવનમાં સારું વાતાવરણ નિર્માણ કરવામાં અહીં જેનો ઉલ્લેખ છે એવા કેટલાય અનામી માણસો મહત્ત્વપૂર્ણ રોલ અદા કરતા હોય છે જેની કોઈ નોંધ પણ ક્યારેય નથી લેતું.
નવરાત્રિનું પર્વ હતું. ગામ આખ્ખુંયે કહોને ગુજરાત આખ્યુંયે ગરબે ઘૂમતું હતું. શક્તિનો-ભક્તિનો, ઉલ્લાસનો-ઊજાસનો માહોલ હતો. વાતાવરણમાં મહાકાલી-મહાલક્ષ્મી-સરસ્વતી સ્વરૂપની આરાધના-સાધના-ધૂપ-દીપ-સેવા-પૂજા-આરતી ને નવચંડીના પાઠ ઘર ઘરમાં થઈ રહ્યા હતા. આદ્યશક્તિના તીર્થધામોમાં ભક્તોની ભીડ હતી. ચુંદડી ચડાવવાના મનોરથ પૂરાં કરવાની સાથે સાથે ભક્તો પોતાની ક્ષમતા મુજબ દાન-પુણ્ય કરી રહ્યા હતા અને રોજ રાત્રે જાણે સવાર પડતી હતી. ઝાકઝમાળ રોશની, આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને પ્રતિભાવંત ગાયકોના સ્વર અથવા રેકોર્ડેડ ગરબાને સથવારે લોકો ગરબે ઘૂમ્યા હતા.
વિશ્વભરમાં સૌથી લાંબા એટલે કે સળંગ નવ દિવસના લોકનૃત્યના ઉત્સવ તરીકે વિશ્વભરમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનાર નવરાત્રિ પર્વ આજે ગુજરાતની ઓળખ બની ગયું છે. ગુજરાતનો ગરબો વૈશ્વિક બન્યો છે. આંગણ-શેરી-ચોક-પાર્ટી પ્લોટને સ્ટેજ સુધી પહોંચેલા ગરબાએ ગુજરાતીને ઘેલું લગાડ્યું છે. પ્રાચીન-અર્વાચીન ગરબા હોય કે વિવિધ પ્રકારના રાસ-ગુજરાતી ઢોલના ધબકારે રાસ-ગરબા રમવાનું શરૂ કરે એટલે જાણે આખુંયે બ્રહ્માંડ ડોલતું હોય એવું લાગે.
ગરબાનું આવું જ મનોરમ્ય વાતાવરણ છેલ્લા કેટલાક વર્ષોમાં પરંપરા બની ગયું છે. ગુજરાત ટુરિઝમ અને ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટી આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલની બાજુના મેદાનમાં વિશાળ રંગમંચ પરથી કલાકારો ગરબા પ્રસ્તુત કરે ત્યારે સામે સાંભળનારા અને રમનારાની કુલ સંખ્યા ૫૦-૬૦ હજારથી વધુની હોય! આટલા મોટા આયોજનમાં સ્વાભાવિક રીતે વ્યવસ્થાઓ પણ એટલી જ મોટી હોય – એમાંની એક વ્યવસ્થા એટલે વિવિધ સ્થળોએ મુકાયેલા સામૂહિક શૌચાલયની વ્યવસ્થા. આવા જ શૌચાલયની વ્યવસ્થા સ્ટેજની પાછળના ભાગમાં પણ હતી. એની સફાઈ સંભાળનાર પરિવારમાં પતિ-પત્ની અને એના સાવ નાની વયના બે બાળકોને રોજ જોવાનું થતું. મોટા ભાગે ત્યાં જ આસપાસની વ્યવસ્થામાં એ દિવસોમાં એમનું સમગ્ર જીવન પસાર થયું હતું.
નવરાત્રિના વચ્ચેના દિવસે આ પરિવાર માટે થોડોક નાસ્તો અને થોડું ભોજન એક પેકેટમાં પેક કરીને લઈ જવાનું થયું. વોશરૂમમાં પ્રવેશતાં પહેલા એના ટેબલ આગળ આ પેકેટ મૂક્યું હતું અને કહ્યું હતું કે, ‘આ તમારા માટે છે.’ બહાર નીકળીને એ પેકટ લીધું નહીં તો એણે સાદ પાડીને પેકેટ પાછું આપ્યું. ફરી એને કહ્યું, ‘ભાઈ, આ તારા માટે જ છે’ ત્યારે એણે પ્રેમભાવે સ્વીકાર્યું.

•••

પ્રામાણિકતા વિશેની વાર્તાઓ લખાય અને એ જીવાય એ બેમાં બહુ મોટો ફેર છે. એમાં પણ સાવ સામાન્ય-ગરીબ-શ્રમિક માણસ જ્યારે પોતાની પ્રામાણિકતા દાખવે એવા સમયે જ્યારે આસપાસ ચકાચૌંધ રોશની હોય, પૈસાના બળ પર થતી ઊજવણી નજર સામે હોય ત્યારે એ પોતાના માટે જ આવેલી વસ્તુ પોતાની નથી એવું માની પરત કરવા આવે એ ઘટના જ એ માણસને વંદન કરવા પ્રેરે એવી છે. આવી ઘટનાઓ જ્યારે સમાજજીવનમાં ઘટિત થાય ત્યારે એને વધાવીએ, એ વધુને વધુ લોકો સુધી પહોંચે એ દિશામાં કાર્ય કરીએ ત્યારે આપણી અંદર આનંદના ગમતાનો ગુલાલ કર્યાના આસમાની રંગો ઊડ્યાના દીવડા પ્રગટ્યાની અનુભૂતિ થાય છે ને અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ

Honesty is the first chapter in the book of wisdom


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter