નિઃસ્વાર્થ પ્રેમના દીપકથી ઝળહળતું સમાજજીવન

તુષાર જોષી Monday 21st August 2017 05:55 EDT
 

‘આનાથી ઉત્તમ દોસ્તીનો આનંદ બીજો કયો હોઈ શકે?’ ભૈરવે કહ્યું.
‘સમજ્યો નહીં.’
હજુ હમણાં જ ત્રીજી ઓગસ્ટે અમદાવાદમાં દાયકાઓ જૂના મિત્ર સી. બી. પટેલે પ્રેમપૂર્વક ઓઢાડેલી શાલ ઓઢીને મારા પપ્પા ૧૫ ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે સ્મશાનમાં અંતિમયાત્રા રૂપે ગયા.
આખી વાતને સમજવા ૧૯૩૦ના દાયકા સુધી જવું પડે. બોરસદ તાલુકાના ગામ આસોદરમાં સત્યેન્દ્રભાઈ પટેલ અને કાંતાબહેન પટેલના પરિવારમાં ત્રણ દીકરીઓ પછી પહેલા દીકરાનો જન્મ થયો. નવ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ. નામ રાખ્યું રાજેન્દ્ર. બાળપણ આસોદરમાં વીત્યું અને પછી વડોદરામાં આવ્યા. સત્યેન્દ્રભાઈને અહીં મફતલાલ ગ્રૂપની એજન્સી હતી. અમદાવાદી પોળ, કડવા શેરીમાં રહેતા હતા. ત્યાં સામેના પરિવારમાં રહેતા બાબુભાઈ પટેલના દીકરા ચંદ્રકાંત સાથે રાજેન્દ્રની ગોઠડી જામી ગઈ. સવારથી મોડી રાત સુધી ભણે-ગણે ને જમે, મજા કરે. એ જમાનામાં અતિ લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘બીનાકા ગીતમાલા’ રાજેન્દ્રના ઘરે બેસીને સાથે સાંભળે. ન્યૂ એરા સ્કૂલમાં અને પછીથી એમ. એસ. યુનિવર્સિટીમાં સ્ટેટેસ્ટિક્સ સાથે એમ.એસસી. કર્યું યુવાન રાજેન્દ્રે.
સૂરસાગર તળાવમાં મિત્રો સાથે તરવાની ખૂબ મોજ માણે. સમય જતાં છઠ્ઠી ફેબ્રુઆરીએ ૧૯૬૦ના રોજ લગ્ન થયા. અમદાવાદના આર. બી. મહેતા અને હરિગંગાબહેન મહેતાની દીકરી જયશ્રી સાથે. વડોદરાથી સાજન-માજન સાથે જાન અમદાવાદ આવી ત્યારે મિત્ર સી. બી. પટેલે રાજેન્દ્રના અ‍ણવરની ભૂમિકા ભજવી હતી.
એમ્પલોયમેન્ટ એક્સચેન્જ, ગુજરાત યુનિવર્સિટી અને પછીથી સેલ્સટેક્સમાં રાજેન્દ્રભાઈએ નોકરી કરી. ૧૯૯૩માં અમદાવાદમાં જ નિવૃત્ત થયા. ગીરધરનગર, સમસ્ત બ્રહ્મક્ષત્રીય સોસાયટી- પાલડી ને શ્રી સોસાયટી આંબાવાડીમાં નિવાસ બાદ ૧૯૭૨થી આઝાદ સોસાયટી-અમદાવાદમાં સ્થાયી થઈને રહ્યા.
રાજેન્દ્રભાઈને ગમતા વિષયો કયા? પ્રશ્નના જવાબમાં જયશ્રીબહેન કહે છે કે, ‘છોકરાઓને મેથ્સ ભણાવવું બહુ ગમતું, ઘરમાં જ ક્લાસ શરૂ કર્યા હતા. ૨૦૦૫ સુધી ભણાવ્યું, રેડિયો પર વાગતા ગીતો રેકોર્ડ કરવા ગમે ને મૌલીન કે જગદીપ જેવા પારિવારિક સ્વજનોના લગ્નસમયે ચાંદલો લખવા પણ એ જ બેસે, શાક લેવા જવું, ખાવું ને ખવડાવવું એમના શોખ હતા.’
દીકરો ભૈરવ પપ્પા સાથે સંસ્મરણો યાદ કરતા કહે છે, ‘અત્યંત આગ્રહી હતા શિસ્તપાલનના. લક્ઝરી નહીં, વાસ્તવિક્તાને સ્વીકારતા. આખી જિંદગી સહુને વાત્સલ્ય ને પ્રેમ એમણે આપ્યા છે.’
ભૈરવ અમદાવાદમાં એ. જી. ટીચર્સમાં, એચ. એલ. કોલેજમાં ને કડી ગામની કોલેજમાં ભણ્યો. બેન્કિંગ ક્ષેત્રે આજે એ કામ કરી રહ્યો છે ને વધુ સ્મરણો યાદ કરતો જાય છે. રાજેન્દ્રભાઈને સિનેમા જોવાનો બહુ શોખ, એમને સુનીલ દત્ત ગમે ને દીકરાને સંજય દત્ત. ક્યારેક તો મમ્મીને કીધા વિના જ બાપ-દીકરો સિનેમા જોઈ આવ્યાનું સ્મરણ ભૈરવને છે.
૨૦૦૫માં ચીકનગુનિયા રોગ સાથે રાજેન્દ્રભાઈને શરીરમાં બીમારી આવી. પાર્કિન્સન્સના રોગને લીધે ડાબો પગ અને ગળાનો ભાગ નુકસાન પામ્યા. ભાવનગરના આયુર્વેદિક નિષ્ણાત અશોક શેઠ ઉપરાંત એલોપથીના ડોક્ટરોની સારવાર ચાલુ રહી.
૨૦૧૨માં દીકરા ભૈરવના લગ્ન થયા ભૈરવી સાથે, જે ઈન્ટીરીયર ડિઝાઈનર છે. ભૈરવે પિતાજીના મનમાં આવે તે ઈચ્છાઓ પૂરી કરવા નમ્ર પ્રયાસ કર્યો. જ્યાં જવાનું મન થાય ત્યાં એ આજના યુગના શ્રવણની જેમ વ્હિલચેરમાં પિતાજીને લઈ જાય. અંબાજી, ડાકોર, સોમનાથ, શામળાજી, માલસર, સાસણ અને એક દિવસ પ્લેનમાં મુંબઈ શહેર લઈ જઈને મહાલક્ષ્મી મંદિર ને સિદ્ધિ વિનાયકના દર્શન કરાવી ક્રિમ સેન્ટર કોફી હાઉસમાં પણ લઈ ગયો.
બાળપણના મિત્ર સી. બી. પટેલ લંડનથી જેટલી વાર ભારત પહોંચે તેટલી વાર ફોનથી અથવા રૂબરૂ સંપર્ક કરે મિત્ર રાજેન્દ્રનો. એક વાર તો પ્રસિદ્ધ ગાયિકાા માયા દીપકને સાથે લઈ ગયા ને માયાબહેને રાજેન્દ્રભાઈને ગીતો સંભળાવ્યા. તારીખ ત્રીજી ઓગસ્ટે સી. બી. પટેલ દ્વારા આયોજિત પારિવારિક મિલન સમારોહમાં રાજેન્દ્રભાઈ ખાસ આવ્યા. છેક સુધી રહ્યા ને ગયા ત્યારે સી. બી.એ એમની વ્હિલચેર દોરી હતી એ દૃશ્ય હજુયે આંખો સામે જીવંત છે, બે મિત્રોની એ મિત્રતાના કાયમી સ્મરણ રૂપે.

•••

આખીયે ઘટનામાં બે વાતો ઊડીને આંખે વળગે છે, એક તે છ દાયકા સુધી અકબંધ સચવાયેલી દોસ્તી અને બીજી તે એકાદ દાયકા સુધી પુત્રે લીધેલી પિતાની પ્રેમાળ સંભાળ.
બાળપણના - યુવાનીના - ધંધા વ્યવસાયના - પાડોશના એમ અનેક પ્રકારના મિત્રો આપણા જીવનમાં આપણને મળે છે ને સમય-સંજોગ પ્રમાણે વિખૂટા પણ પડે છે. નસીબદાર હોય છે જેમની મિત્રતા દાયકાઓ સુધી ટકે છે. સાતત્યપૂર્ણ મૈત્રી સચવાય અને જીવાય ત્યારે એ નિભાવનારને અનહદ આનંદ હોય છે.
એ પ્રમાણે અતિશય વ્યસ્તતા - કામનું ભારણ અને દોડધામ વચ્ચે પણ જ્યારે દીકરો બીમાર પિતાનો પડ્યો બોલ ઝીલે, પુત્રવધૂ એમાં સાથ આપે ને પિતાના રાજીપા માટે સતત પ્રયાસ કરે એ દૃશ્ય પણ આજના સમાજજીવનમાં આનંદ આપનારા બની રહે છે.
સમાજજીવનમાં મિત્રતાના અને પિતૃપ્રેમના આવા દીવડા ઝળહળતા રહે છે અને નિઃસ્વાર્થ પ્રેમના અજવાળા રેલાય છે.

લાઈટ હાઉસ
‘બેટા, યુવાન થયા છો ત્યારે બહુ કાંઈ કહેવું નથી, સારાસારનો વિવેક સાચવજે.’
(પુત્ર ભૈરવને રાજેન્દ્રભાઈએ આપેલી શીખ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter