નૂતન વર્ષના આરંભે આયોજનોના લેખા-જોખાં કરીએ, પ્લાનિંગ કરીએ ને પછી યોગ્ય અમલ કરીએ તો સફળતા નિશ્ચિત છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 03rd January 2023 06:33 EST
 

‘કોઈ કોઈને હેપ્પી ન્યુ યર ના કહે તો એમનું વર્ષ સારું ના જાય?’ એક ભાઈએ આવી જીજ્ઞાસા પ્રગટ કરી. વાસ્તવમાં પરસ્પર શુભકામના પાઠવવામાં જે ભાવ ભળેલો છે એ ભાવ શુભત્વનો છે, સામેની વ્યક્તિ ખુશ રહે, રાજી રહે, એમના કામો પૂરાં થાય એ માટે શુભકામના છે. આપણે જ્યારે પરસ્પર શુભકામના પાઠવીએ, પરસ્પર ભેટીએ, માથે હાથ ફેરવીએ ત્યારે સરવાળે તો શુભકામનાની જ લાગણી સ્થળાંતરિત થતી હોય છે.

ઈસવી સન 2023ના વર્ષનો આરંભ થઈ ચુક્યો છે. સ્વાભાવિક છે નવું વર્ષ હોય એટલે ઊર્જા-ઉલ્લાસ અને આનંદ સાથે શરૂઆત હોય. નવા સંકલ્પો અને એને પાર પાડવા નવા પુરુષાર્થોનો આ સમય છે. આપણે આ નવા વર્ષના પહેલાં દિવસે પરસ્પરને HAPPY NEW YEAR કહીએ છીએ, શુભેચ્છા પાઠવીએ છીએ, એના મૂળમાં વાત શુભત્વની છે. આરંભ તો દરેક ક્ષણે હોય, પરંતુ એ આરંભ શુભારંભ બને એ માટે મહત્ત્વનું માધ્યમ બને છે આ શુભકામનાઓ. જ્યારે જ્યારે પરસ્પર શુભકામનાઓની આપ-લે થાય છે ત્યારે બંનેના હૃદયમાં કશુંક એવું અનુભવાય છે જે વર્તમાન સમયમાં જે સ્થિતિ છે એમાંથી વધુ સારી સ્થિતિના નિર્માણ સુધી લઈ જાય છે.
માત્ર શુભકામનાથી વાત નથી જ બનવાની, જરૂરી હોય છે બુદ્ધિ અને આયોજન સાથેનો પુરુષાર્થ. હવેના સમયમાં માત્ર પરસેવો પાડવાથી જ કામ નથી થતું, પરસેવો પાડીને પછી પણ સફળ થવા માટે પ્લાનિંગ ઘડવું પડે છે, સ્ટ્રેટેજી અનુસાર આગળ વધવું પડે છે. આ બધામાં ક્યારેક માણસનો અહમ પણ વધી જાય છે અને એટલે આવા સમયે ઊડાન ભલે આકાશ તરફની હોય, પરંતુ પગ ધરતી પર રહે એ માટેનો વિવેક પણ એટલો જ આવશ્યક છે. એ વિવેક અને સારાસારની જાગૃતિ જ આપણે સફળતા સાથે સાર્થકતાની અનુભૂતિ કરાવે છે.
બ્રિટનમાં રહેનારા, ભારતમાં રહેનારા કે અન્ય દેશોમાં રહેનારા લોકોના સફળતાના માપદંડો ત્યાંના સમાજ જીવનને અનુરૂપ અલગ અલગ હોવાના અને તે છતાં નીતિ - પ્રામાણિકતા - વફાદારી - પ્રેમ – સહાનુભૂતિ જેવી સંવેદનાઓ તો એકસરખી જ રહેતી હોય છે.
નવા વર્ષે શુભત્વ સાથે સફળતાના માર્ગે આગળ ગતિ કરવા ઈચ્છનાર માણસે કેટકેટલી બાબતોનું ધ્યાન રાખીને જાગૃતિપૂર્વક જીવવાનું છે એની યાદી લાંબી શકે, પરંતુ એવું કરવું નથી. હા, એક વાતનો ઉલ્લેખ કરવો છે અને તે છે સમય. દરિયાકિનારે બેઠા હોઈએ અને હાથમાં મુઠ્ઠીમાં ભરેલી રેતી જેમ સરસરસર સરી જાય એમ સમય પસાર થઈ રહ્યો છે. પસાર થઈ જતો સમય કોઈ પણ મૂલ્યે આપણે પરત મેળવી શકવાના નથી એટલે જ પળ પળનો ઉપયોગ પૂરી તાકાતથી અને આયોજનબદ્ધ રીતે કરવો રહ્યો.
કેટલીય વાર આપણે અનુભવીએ છીએ કે આમ કરવું છે ને આમ કરીશું. એના પ્લાનિંગમાં - પેપરવર્ક કરવામાં આપણે બહુ વ્યસ્ત રહીએ છીએ અને જે તે સમયે કરવાનું કામ ચુકી જઈએ છીએ. પછી બીજા લોકો આપણા કરતા આગળ નીકળી ગયાની પીડા પણ અનુભવીએ છીએ. આવા કિસ્સાઓ રોજેરોજ બને છે. કામની યાદી બનાવવા જેટલું જ મહત્ત્વ હોય છે એ કામનું અમલીકરણ કરવું. જો એમાં ચુકી ગયા તો આવેલી તક ક્યારેય અવસરમાં પરિવર્તિત થતી નથી. એટલે જ સતત અવલોકન, અભ્યાસ અને અમલ જરૂરી બની રહે છે.
શાયર મરીઝનો ખૂબ જાણીતો શેર છે.
જિંદગીના રસને પીવામાં
જલદી કરો મરીઝ,
એક તો ઓછી મદિરા છે
ને ગળતું જામ છે.
જેટલો પીવાય એટલો જિંદગીનો રસ પી લેવામાં મજા છે. આજે છે એના કરતાં વધુ સારો સમય જરૂર આવશે, પરંતુ એની પ્રતિક્ષામાં કંઈ આજનો સમય તો વેડફાશે નહિ ને!
સમયને જીવી જાણીએ, સમયને આપણા સ્વભાવના સદગુણોથી - શુભત્વથી - શુદ્ધતાથી ભરી જાણીએ તો એક એક પલ જે અણમોલ છે એને ભરપૂર જીવ્યાનો આપણને સંતોષ હશે.
2023ના વર્ષના આરંભે આ વર્ષના આયોજનોના લેખા-જોખાં કરીએ, પ્લાનિંગ કરીએ અને પછી સાચી દિશામાં યોગ્ય અમલ કરીએ તો અંતર – બાહ્ય બંને વાતાવરણમાં સફળતાના દીવડાં પ્રગટશે અને એના અજવાળાના આધારે આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિ કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter