વિક્રમ સંવત 2082ના વર્ષનો આરંભ થઈ ચુક્યો છે. નૂતન વર્ષ, કારતક સુદ એકમનો દિવસ આપણે સહુએ એકબીજાને રૂબરૂ - ટેલિફોન – સોશીયલ મીડિયાના માધ્યમથી HAPPY NEW YEAR, સાલ મુબારક કહીને ઉજવ્યો. મોડી રાત્રી થઈ ચુકી છે અને નવા વર્ષનો આ પ્રથમ લેખ લખવા સહજ ઉત્સાહ સાથે બેસી ગયો છું.
વાચકોને વિક્રમ સંવતના નવા વર્ષે શુભકામનાઓ પાઠવું છું. આપના અને આપના પરિવાર માટે આ વર્ષ સુખ–સમૃદ્ધિ, રિદ્ધિ-સિદ્ધિ અને આનંદ–સંતોષ લઈને આવે, પ્રેમ-પ્રસન્નતાથી હૈયું ભર્યું ભર્યું રહે તેવી શુભકામનાઓ. આપણે સહુ ભારતીય સંસ્કૃતિના, સનાતન – વૈદિક ધર્મના જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યના વારસાને વધુને વધુ સંવર્ધિત કરવામાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપીએ એ ભાવ સાથે જીવનમાં આગળ વધીએ.
ગોસ્વામી તુલસીદાસજીની એક ચોપાઈનું સહજ સ્મરણ થાય છે,
જેહિ કે જેહિ પર સત્ય સનેહુ
સો તેહિ મીલહિ ન કછુ સન્દેહુ
જેમને જેના માટે સાચો સ્નેહ હોય તે એને મળે જ છે એમાં કોઈ સંદેહ નથી.
આપણે મન – વચન – કાયા - કર્મ – વાણીવ્યવહારથી પુરુષાર્થ કરીએ, આપણી બુદ્ધિ અને કૌશલ્યને કામે લગાડીએ, સજળ આંખે પરમ તત્વને જે સ્વરૂપમાં શ્રદ્ધા હો એને પ્રાર્થના કરીએ તો જરૂર આપણને યોગ્ય સમયે યોગ્ય પરિમામ મળે જ છે એ વાતની મને અનુભૂતિ છે. પહેલાં કર્મ કરીએ પછી પ્રાર્થના કરીએ તો છેવટે પ્રસન્નતાની લાગણી અનુભવાય છે જ એની પ્રતીતિ છે.
નૂતન વર્ષના આરંભે આપણે સંકલ્પો કરતા હોઈએ છીએ, આપણને ચારે દિશામાંથી આશીર્વાદ પણ પ્રાપ્ત થતા હોય છે, એ છતાં ઘણીવાર એવું અનુભવાય છે કે આપણને મનવાંછિત સફળતા નથી મળતી, ઉદ્વેગ રહે છે, મન બીજાઓ સાથે સરખામણી કર્યા કરે છે. આવું કેમ થાય છે? ઘણા ઉત્તરો છે, હોઈ શકે, એમાંનો એક છે આપણો સ્વભાવ. સ્વભાવના કારણે માણસ સફળ પણ થાય છે ને નિષ્ફળ પણ, આગળ પણ વધે છે ને અટકી પણ જાય છે. લોકપ્રિય પણ થાય છે અને ખૂણામાં પણ ધકેલાઈ જાય છે, પ્રસન્નચિત્ત બનીને પણ રહી શકે છે અને ડિપ્રેશનમાં પણ જતો રહે છે. આખરે આપણો સ્વભાવ જ છે જે આપણી સમજણ, આપણા કાર્યો, આપણા સંબંધો, આપણી લાઈફ સ્ટાઈલ અને આપણી સમજણ થકી આપણા જીવનનું ઘડતર કરે છે. આ ઘડતરના ઘડવૈયા પણ આપણે જ છીએ એટલે જો શ્રેષ્ઠ ઘડતર કરવું હશે તો કેન્દ્રમાં આપણો સ્વભાવ છે એ વાતની જાગૃતિ કેળવવી પડશે.
નૂતન વર્ષના આરંભે કરવા જેવું કામ સમયને સાચવવાનું હોય છે, આપણે મોટાભાગે એ બાબતે નિષ્કાળજી દાખવીએ છીએ. વાસ્તવમાં આપણા જીવનની એક એક પળનો આપણે સાચી દિશામાં, પ્રાયોરિટી મુજબ કામો કરીને ઉપયોગ કરીએ એ મહત્ત્વનું છે. આપણે વિચાર કરીએ ત્યાં તો એક દિવસ નહીં એક મહિનો કે એક વર્ષ પસાર થઈ જાય છે. એ વહી ગયેલા સમયમાં આપણે આધ્યાત્મિક – ભૌતિક કેવી અને કેટલી સંપત્તિ મેળવી એનો અભ્યાસ કરીએ, એ સમયમાં આપણે આપણને સંતોષ થાય એવી કેટલી ક્ષણો સાર્થક કરી? એ સમયને કેટલો જીવી શક્યા? વિચારીએ.
આવો, નૂતન વર્ષે સહજતાથી જીવીએ, બની શકે તેટલું સાચું જીવીએ. દંભ અને દેખાડાથી બચીએ, સ્પર્ધા જરૂરી છે પણ માત્ર આપણી જાત સાથે જ કરીએ. એક પ્રાચીન ભજન છે, ‘તારી એક એક પળ જાયે લાખની....’ એમાં રહેલા અર્થના અજવાળાંને ઝીલીએ.


