પરિવર્તન સ્વીકારીને ચાલ્યા તો આનંદ સચવાયો સમજો

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 08th November 2023 08:07 EST
 
 

‘અનન્યા, નાનુને પુછો, તમે દિવાળીમાં કેટલાં ફટાકડાં ફોડતા હતા?’ દીકરી ધ્વનિએ એની બે વર્ષની દીકરીને કહ્યું અને પછી અનન્યા સાથે સંવાદ કરીને એને જોવા ગમે એવા ફટાકડાં ફોડીને મોડી રાત્રે પથારીમાં પડ્યો ત્યારે બાળપણ – યુવાની અને આજ સુધીની કેટકેટલી દિવાળીના સંસ્મરણોના ફટાકડાંના અવાજો જાણે મન પર કબજો લઈ બેઠાં હતાં.
ઊંમરના પાંચ–છ કે સાત દાયકા વટાવી ચુકેલા તમામ લોકોને પુછો કે તમારી બાળપણ – યુવાનીની દિવાળી કેવી હતી? તો મોટાભાગે એમની વાતોનો સાર એ વાતમાં સમાવિષ્ટ થાય કે પૈસા ઓછાને પ્રેમ ઝાઝો, જગ્યા ઓછી ને જલસા ઝાઝા, સુવિધા ઓછી પણ શહેનશાહી વધુ હતી. આકંઠ માણેલા દિવાળીના ઉત્સવોમાં માતાપિતા તો એમના નોકરી-વ્યવસાય કે ઘરકામમાં વ્યસ્ત રહેતા ને છતાં પોતાનો સમય – પૈસા - સુવિધા એમના બાળકોને મળે એની કાળજી રાખતા. આજે પણ માતાપિતા એ જ પ્રમાણે સંતાનો માટે ખરીદી કરે છે. મીઠાઈ લાવી આપે છે, ફરવા લઈ જાય છે, મંદિરે જાય છે, એમાં કદાચ વધારો થયો હશે, પૈસાની આવક વધી છે એટલે આનંદપ્રમોદ વધ્યા છે અને છતાં આ પેઢીના માણસો પાસે જે સ્મરણો છે એ મધમીઠાં છે.
સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં જે અભિવ્યક્ત થાય છે એમાં કેટલીક બાબતો સર્વ સમુદાયની લાગણીરૂપે કદાચ અભિવ્યક્તિ પામી રહી છે. ઉત્સવની ઊજવણીમાં હવે ભાવનાત્મક કે ઉત્સાહ કદાચ ઓછા દેખાય છે. હવે ઘણી વાર (હંમેશા નહીં) ઉત્સવો એક વ્યવહારિક ઊજવણી બનતા જાય છે, પૈસાની નહીં, સમયની ખોટ છે, વ્યવહારની નહીં, ઉમળકાની ખોટ છે એવું કેટલીક વાર કેટલાકને લાગી રહ્યું છે. સમય સમય પર આવતા પરિવર્તનોને સ્વીકારીને ચાલનારાને પણ એમના સમયની દિવાળીની ઊજવણીમાં જે આનંદ હતો, જે ઉત્સાહ હતો એ આજે પણ રોમાંચિત કરી મુકે છે.
મને યાદ છે કે, દિવાળીના દિવસોમાં વેકેશન તો હોય જ, ઘરમાં ઉત્સવનું વાતાવરણ હોય, પપ્પા રેલવે મેઈલ સર્વિસમાં નોકરી કરતા. એ સમયે દિવાળીમાં શુભકામનાના પોસ્ટકાર્ડ – ઈનલેન્ડ લેટર, ખાસ બનાવાયેલા કાર્ડ્સ લોકો ટપાલ વિભાગ દ્વારા જ મોકલતા. બે શિફ્ટમાં એમણે ઓફિસ જવાનું હોય, એમનું અને સાથી મિત્રોનું ટિફીન આપવા સાઈકલ પર હું જતો ક્યારેક. જ્યારે તેઓ ઘરે આવે ત્યારે ફટાકડાં લેતાં આવે. ત્યારથી લઈને આજ સુધી ફટાકડાં ફોડવાનો કોઈ વિશેષ ક્રેઝ પણ નથી રહ્યો, શુકન પૂરતાં કદાચ એ ફટાકડાં ફોડતા. મમ્મીનો મોટાભાગનો સમય ઘરની સફાઈ, મગસ ને બુંદીના લાડુ કે મોહનથાળ અને પાંચ ધાનની ચકરી, ફરસી પુરી - સેવ – ગાંઠિયા - ફાફડા બનાવવામાં - ઘરમંદિરની પૂજામાં જતો. બહેન મારાથી નાની તે થાય એટલી મદદ અમે કરતા. પરિમાણે ઉત્સવોમાં સફાઈનું, વસ્તુઓની ગોઠવણીનું, મંદિર દર્શનનું, દીવડા પ્રગટાવવાનું મહત્ત્વ સમજાયું તે આજ સુધી સચવાયું.
દિવાળીના તહેવારોમાં અમે ગામમાં જ રહેતા મામાના ઘરે રોકાવા જતાં. મોટા થયા પછી જૈન પરિવારો સાથેની પારિવારિકતાને કારણે એ પરિવાર સાથે દિવાળીની રાત્રે બનીઠનીને એમની દુકાને ચોપડાપૂજનમાં જવાનું, શુકનના પૈસા મળે એની રાહ જોવાની, મંદિરોમાં દર્શન કરીને આઈસ્ક્રીમ ખાઈને ઘરે જવાનું, બેસતા વર્ષે વહેલા તૈયાર થઈ મંદિરે દર્શન, વડીલોને પગે લાગવાનું ને પાંચમ સુધી એકબીજાના ઘરે જઈએ, ઘરે તૈયાર થયેલો નાસ્તો જમવાનો... અદભૂત આનંદના ઢગલા મોંઢે સ્મરણો યાદ આવે. પરિવાર સાથે જ રહેતો, ઘરમાં જ બધી મીઠાઈ ને નાસ્તા બનતાં. પરસ્પર શુભકામના પાઠવવાનો ઉત્સાહ હતો.
ઉંમર વધે - સુવિધા વધે - પરિવારના સભ્યો કામકાજ અર્થે બહારગામ નોકરીમાં હોય, રેડીમેડ બધું મળવા માંડે, અને એ બધાથી ઉપર, બદલાતો સમય. એને પરિણામે જે જે બદલાવ તહેવારની ઊજવણીમાં આવ્યા એને સ્વીકારીને ચાલ્યા તો આનંદ સચવાયો. ‘અમારા જમાનામાં આમ હતું, હવે એવી મજા નથી રહી’ એ વિચારધારામાં અટવાયા તો આનંદ અને પ્રસન્નતા પ્રગટાવે એવા અપરંપાર કારણો વચ્ચે પણ માણસ નીરસ હશે. આ જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી આનંદ પામી શકીએ તો આજે પણ એટલો જ આનંદ દિવાળીનો કે અન્ય ઉત્સવોનો આવે. આજે દીકરીની દીકરી સાથે પોમપોમ ફોડવામાં કે ફૂલઝરના પ્રકાશને ઝીલવામાં જે આનંદ આવે એની તોલે બીજો કોઈ ના આવે. કારણ કે આ વર્તમાનનો આનંદ છે. હવે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાઈબીજના દિવસથી પ્રવાસે જવાનું થાય છે તો એમાં પણ આનંદ છે કારણ કે સરવાળે પરિવાર સાથે છે. પ્રેમથી ભર્યો ભર્યો સમય જીવવા મળે છે અને પ્રસન્નતાના દીવડાનાં અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter