‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!
વાત છે તાજેતરમાં અમે પરિવાર સાથે કરેલા લોનાવલાના પ્રવાસની. ટ્રેનમાં મુંબઈ ગયા અને ત્યાંથી બહેન નીલાની કાર લીધી. જમાઈ પિયુષે સેલ્ફ ડ્રાઈવ કર્યું અને પહોંચ્યા લોનાવલા. રસ્તામાં ઘાટીઓ – નાના બોગદા અને વળાંકો પસાર કરીને પહોંચ્યાં કાર્લા ગામમાં આવેલા એક વીલામાં. લોનાવલાની રળિયામણી સાંજને માણી, ફરવાના સ્થળોએ ગયા અને મોડી રાત્રી સુધી બધા પૂનમની ચાંદનીને માણતા રહ્યા. પ્રાકૃતિક વાતાવરણ હતું. પરિવારનો સાથ હતો એટલે જીવનની એ પળો જાણે પ્રેમસભર થઈ ગઈ.
બીજા દિવસે બાજુમાં જ આવેલા મંદિરમાં ઉત્સવ નિમિત્તે વહેલી સવારથી સ્થાનિક ભક્તો દ્વારા, સ્થાનિક મરાઠી ભાષામાં સુંદર અને અર્થપૂર્ણ ભજનોનું ગાયન થતું હતું એને પણ માણ્યું. દરેક ભાષાની નોખી-અનોખી પ્રસ્તુતિ હોય છે, એને ધ્યાનથી સાંભળીએ તો ભલે ભાષા ન સમજાય, એ શબ્દોમાં રહેલો ભાવ તો જરૂર સ્પર્શે જ છે.
લોનાવલા - ખંડાલા ભારતનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. ઝરણાં, ટ્રેકિંગ, ગુફાઓ, કિલ્લાઓ, પ્રકૃતિના સાંનિધ્ય માટે જાણીતું છે. લોનાવલા અને આસપાસના વિસ્તારોમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના ફાર્મ હાઉસ પણ આવેલા છે. કુને ફોલ્સ એક ઝરણું છે. જેનો નજારો ચોમાસામાં માણવા જેવો છે. શાંતિપૂર્ણ સમય વિતાવવો હોય તો લોનાવલા તળાવ ઉત્તમ છે. એ જ રીતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પાવના તળાવ પણ ખુબસુરત જગ્યા છે. ટ્રેકિંગનો આનંદ લેવા ડ્યુક્સ નોઝ અને ઈતિહાસમાં ડોકિયું કરવા કાર્લા ગુફાઓ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો છે. આ સિવાય વેક્સ મ્યુઝિયમ, ભાજા ગુફાઓ, મેપ્રો ગાર્ડન, સનસેટ પોઈન્ટ, રાજા માચી કિલ્લો, ટાઈગર્સ લીપ, ભુશી ડેમ, નારાયણી ધામ, રાયવુડ પાર્ક, ઈમેજિકા, વિસાપુર કિલ્લો, ભૈરવનાથ મંદિર જેવા અન્ય પ્રવાસન સ્થળો પણ છે જ્યાં પ્રવાસીઓ આનંદ અનુભવે છે.
લોનાવલા જાય એ ત્યાંની વિખ્યાત જાતજાતની ચિક્કી અને ફજનો સ્વાદ માણ્યા વિના તો કેમ આવે? વડાપાંઉ, મીસળપાંઉ અને અન્ય મહારાષ્ટ્રીયન વાનગીઓનો રસથાળ સ્વાદપ્રેમીઓને વિશેષ આકર્ષે છે.
એપ્રિલ મધ્યમાં પણ સવારે દસ અને સાંજે પાંચ પછી અહીં લગભગ ઠંડકવાળું - ખુશનુમા અને સરસ હવામાન થઈ જાય છે. હા, ચોમાસામાં અહીંનો આનંદ કંઈક જુદો જ હોય છે એવું સાંભળ્યું છે. તો ચોમાસામાં ફરી જઈશું એવા ભાવ સાથે અમે ફરી મુંબઈ આવ્યા. લાંબા સમય પછી પૃથ્વી કેફેમાં જવાનું થયું. પૃથ્વી કેફેના ભોજનનો સ્વાદ તો સારો છે જ, અહીં થતી નાટ્ય પ્રવૃત્તિઓનો પણ આગવો ઈતિહાસ છે. મુંબઈમાં હો તો જૂહુનો દરિયો જોયા વિના, થોડા ભીંજાયા વિના થોડા રહેવાય. જૂહુના દરિયે સનસેટને માણ્યો. મોહમયી મુંબઈ નગરી ગરીબ–અમીરના ભેદભાવ વિના કેવી રીતે બધાને પોતાનામાં સમાવી લે છે! એ વાતનું સુખદ આશ્ચર્ય અને આનંદ અમારી વાતોમાં પડઘાયો અને અસ્ત થતાં સૂરજના અજવાળાને વિદાય આપી અમે એરપોર્ટ તરફ રવાના થાય. પ્રવાસના સંભારણાને સાચવીને.