પરોપકારમાં સમાયો છે સૌથી મોટો ધર્મ

- તુષાર જોષી Tuesday 15th July 2025 05:59 EDT
 
 

ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસમાં એક પંક્તિ લખી છેઃ પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ... અર્થાત્ બીજાની મદદ કરવી, બીજાની ભલાઈ માટે કાર્ય કરવું એ સૌથી મોટો ધર્મ છે.

મારી - તમારી આસપાસ એવા અનેક લોકો હશે જેઓ આ પંક્તિને અનુરૂપ પોતાનું જીવન જીવી રહ્યા હશે. એમના વ્યક્તિગત કે વ્યાવસાયિક હોદ્દાનો ભાર, આર્થિક સમૃદ્ધિનો દેખાડો એક બાજુ મૂકીને સરળતા, સાદગી સાથે જીવન જીવતા આવા કેટલાયે લોકો માનવ ધર્મને જીવી રહ્યા છે. આપણા હૃદયમાં માણસાઈ ધબકી હશે, બીજાને રાજી કરીને સ્વયં રાજી થવાની ભાવના હશે તો સ્વાભાવિક રીતે આપણી અંદર એક પ્રકારે શાંતિનો-પ્રસન્નતાનો ભાવ પ્રગટશે. વિવિધ માધ્યમો દ્વારા આવા સમાચારો આપણા સુધી પહોંચતા જ રહે છે. એમને વધાવીએ, આપણી રીતે એવું જીવવા કોશિષ કરીએ.
વિશ્વની સૌથી યુવા અબજોપતિ લ્યુસી ગુઓને પ્રાઇવેટ જેટમાં રસ નથી અને સાવ સાદાઈથી જીવવામાં માને છે.
ગુજરાતના રાજ્યપાલ મહોદયશ્રી આચાર્ય દેવવ્રત અમદાવાદ જતાં રિવરફ્રન્ટ પર બાળકોને ઊભેલા જુએ છે, એક દિવસ એમના વાહનોના કાફલાને હાથ હલાવીને અભિવાદન કરતાં બાળકોને જુએ છે, ગાડી રોકે છે, બાળકોને બોલાવી બિસ્કિટ આપી, વાતો કરીને સહજ માનવીય અભિગમ દાખવે છે.
આઈપીએલ ક્રિકેટ મેચ અને ઓટીટી પ્લેટફોર્મ્સ દેશની ક્રિકેટ અને રમતગમત ક્ષેત્રની યુવા પ્રતિભાઓ માટે મહત્ત્વના પુરવાર થાય છે. અહીં એમનું કૌવત બતાવનારા પૈકી 15થી 20 ટકા મેઈન સ્ટ્રીમમાં આજે એમનું કામ કરી રહ્યા છે.
અમેરિકાથી એક ન્યૂઝ આવે છે કે ડિજિટલ વાતચીતો ઘણી વાર ઉપરછલ્લી હોય છે, યુવાનો વાસ્તવિક, ભાવનાત્મક રીતે જોડાતા સંબંધો ઈચ્છે છે.
ગુજરાતના કેટલાય ગામડાંઓમાં શહેરને આંબે એવી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. શિક્ષણ – સ્વચ્છતા - આરોગ્ય ક્ષેત્રે ગ્રામજનો સ્વયંભૂ શ્રેષ્ઠ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. અમદાવાદમાં રહેતા બે ભાઈઓનો પ્રેમ એવો મજબૂત કે મોટાભાઈ નાનાભાઈને આઈઆઈએમમાં પહેલા અભ્યાસ કરાવે છે અને પછી પોતે આઈઆઈએમમાં અભ્યાસ કરે છે. કેટલાય સિનિયર સિટીઝન એમની આવક અને સમયનો અડધાથી વધુ ભાગ કોઈને કોઈ રીતે સામાજિક સેવામાં પસાર કરે છે અને નિવૃત્તિના આનંદને માણે છે. યુવાવસ્થાના, સ્કૂલ-કોલેજના યુવાનો-યુવતીઓ પોતાના પોકેટ મની પરમાર્થના કાર્યોમાં વાપરે છે, પોતાને ગમતી વસ્તુ બીજાને - અજાણ્યાને પ્રેમથી આપી દે છે.
ક્યાંક મહિલાઓનું ગ્રૂપ બપોરે કિટ્ટી પાર્ટીમાં વ્યસ્ત રહેવાને બદલે વૃદ્ધાશ્રમોમાં જઈને અથવા જરૂરતમંદો સુધી જઈને એમને મદદ કરે છે, એમનો સમય આનંદથી સભર કરે છે, કોઈ વળી પ્લાસ્ટિકના કચરાની રાખમાંથી ઈકો ફ્રેન્ડલી ઈન્ક બનાવે છે તો કોઈ ઈંટો બનાવે છે, રિવરફ્રન્ટમાં વહેતા સાબરમતી નદીના જળની શુદ્ધિમાં યુવાવર્ગ પણ જોડાય છે અને એ જ યુવાવર્ગ વૃક્ષારોપણ કાર્યક્રમને પણ ગતિશીલ બનાવે છે. કેટલાય લોકો કોઈ ઢોલ-નગારા પીટ્યા વિના વ્યક્તિગત કે સામૂહિક રીતે જરૂરિયાતવાળાનું સન્માન સાચવીને મદદરૂપ થઈ રહ્યા છે. કોઈ બાળકોને શિક્ષણ ક્ષેત્રે મદદ કરે છે, કોઈ સ્કિલ્ડ ડ્રાઈવરને એનું વાહન ખરીદવા મદદ કરે છે તો કોઈ વળી કોઈને ઘરનું ઘર બનાવવામાં મદદ કરે છે.
ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શાયર મરીઝનો એક શેર છે,
‘બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.’
સ્વાભાવિક છે, માણસ છીએ, પહેલો સ્વાર્થ, પહેલું સુખ આપણું જોઈએ પરંતુ એ પછી સગાં-વ્હાલા, સ્વજન, પ્રિયજન, પરિવાર, પાડોશી એમ યાદી બનતી જવી જોઈએ જે સાવ અજાણ્યા સુધી પણ પહોંચે, એટલે જ આપણી સંસ્કૃતિમાં આવકના, સમયના, સુખના કે સમૃદ્ધિના દસ ટકા, પરહિત કાજે આપવા માટે સૂચન કરાયું છે. આવું જ્યાં જ્યાં થતું જોવા મળે છે ત્યાં ત્યાં વિશ્વ કલ્યાણની ભાવનાના દીવડા પ્રગટે છે અને પરહિતના-પરમાર્થના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter