પહેલું સુખ તે જાતે નર્યા...

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 07th February 2024 04:49 EST
 
 

લાંબા સમય પછી હમણાં ફરી નિયમિત એક્સરસાઈઝ – વોકીંગ અને પ્રાણાયમ પર ધ્યાન આપવાનો આરંભ કર્યો. આપણે જન્મ્યા ત્યારથી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત બોલતાં - સાંભળતાં આવ્યા છીએ. આરોગ્યની બેઝિક જાળવણી માટેના તમામ માપદંડો - પરેજી - નિયમો અને લેવાતી કાળજીથી આપણે જાણકાર છીએ. મીડિયાકર્મી કે કલાકાર – રેડિયો જોકી તરીકે તો એના ઉલ્લેખો પણ અવારનવાર કર્યા જ હોય, પરંતુ જ્યારે એના પર ધ્યાન આપીને સ્વયંશિસ્તમાં રહેવાનું આવે, બધું પડતું મૂકવાનું ને સ્વાસ્થ્ય પહેલાં સંભાળવાનું આવે ત્યારે આપણે થોડા બેદરકાર થઈ જઈએ છીએ. વળી પાછું આસપાસ બનતી ઘટનાઓ – વાચન – શ્રવણ પછી જાણે બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય એમ આરોગ્ય જાળવણીના ઉપક્રમોમાં જોડાતા હોઈએ છીએ. મારો આ વ્યક્તિગત અનુભવ છે, પણ બહુ બધા કિસ્સાઓમાં આ અનુભવ સાંભળ્યો કે જોયો છે.

SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં આયુર્વેદિક વિભાગમાં થોડા વર્ષ પહેલાં ડો. પ્રવિણ હીરપરાના માર્ગદર્શનમાં પંચકર્મ કરાવ્યું હતું. એ પછી નિયમિત આયુર્વેદિક દવાઓ અને વિશેષરૂપે ગાયના ઘીનું સેવન ખૂબ અનુકૂળ આવ્યું છે. હમણાં પાંચ દિવસીય શંખ પ્રક્ષાલન કર્યું, અંતિમ દિવસે ત્યાંના યોગ ઈન્સ્ટ્રક્ટરે વાતવાતમાં બહુ સરસ વાત કરી કે ‘સીંધાલૂણવાળું ગરમ પાણી તે કાંઈ આટલું બધું પીવાતું હશે? આટલો સમય તો હું વજ્રાસનમાં ના જ બેસી શકું... આવા સંવાદો તમારા મનમાં થતા હશે. એને કોરાણે મૂકો, પોઝિટિવ જ વિચારો, નકારાત્મક વાત તો અસ્તિત્વનું વાતાવરણ પણ સ્વીકારતું નથી.’
મૂળમાં એ અર્થપૂર્ણ સંવાદે આનંદ આનંદથી સભર કરી દીધો. હકારાત્મક ઊર્જાથી જાણે અસ્તિત્વ છલકાવા લાગ્યું. શરીરમાં પણ ઉત્સાહ વધ્યો. સામાન્ય રીતે આપણા રોજિંદા જીવનમાં આપણે જ્યારે સંતાનોને કે સ્વજનોને આવજો કહીએ ત્યારે સલાહ આપતા કહીએ છીએ કે આમ ના થાય તે જોજો... હવે અહીં ના શબ્દ કાઢી નાંખો તો વાત ઊલ્ટાઈ જાય છે એટલે જ શંકા નહીં, શ્રદ્ધા પર વિશેષ જાગૃતિપૂર્વક ધ્યાન આપીએ. આમ ન થાય તો સારું એવું નહીં, આમ જ થાય, સારું જ થાય, શુભ જ થાય, એ ભાવને આપણે આત્મસાત્ કરીએ એ જરૂરી છે. આખી દુનિયામાં શુભ – અશુભ ઘટના બન્યા જ કરે છે, સારા - ખરાબ દિવસો સહુના આવે જ છે, એની માહિતી મળે ત્યારે આપણા મનના રિસીવર પર એના થકી શુભ સંકેતો જ સ્વીકારાય એની જવાબદારી આપણા સિવાય કોની? આપણે જ એ બાબતે મનને કેળવવું પડશે.

એક જાણીતા જિમ્નેશિયમમાં હમણાં જોડાયો અને બેઝિક એક્સરસાઈઝ શરૂ કરી તો પગમાં સખત દુઃખાવો થયો. જિમના યુવાન ઈન્સ્ટ્રક્ટરને કહ્યું કે ‘હવે આજે તો કોઈ એક્સરસાઈઝ નથી જ કરવી...’ તો એમણે બહુ જ સરસ પોઝિટિવ વાત કરી. એમણે કહ્યું કે ‘આપણે જ્યાં કામ કરતાં હોઈએ ત્યાં ઘણી વાર એકાદ – બે માણસો કામચોર હોઈ શકે, હવે એમની પાસેથી તમે જ્યારે કામ માંગો ત્યારે એમને બળ પડે એટલે તેઓ વિરોધ કરે. અહીં પણ આવું જ છે, તમે તમારા શરીરના અંગો પાસેથી જરૂરી એટલું કામ લીધું જ નથી, હવે અત્યારે એની પાસે પરિશ્રમ કરાવો છો તે એમને નથી કરવું એટલે પગમાં દુઃખશે, તમે એક્સરસાઈઝ શરૂ જ રાખશો તો એ પણ નોર્મલ થઈ જશે.’
આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઉપક્રમોમાંથી જ સહજ સંવાદરૂપે, સાહજિકપણે જે તે વ્યક્તિના વિચાર કે અનુભવ આધારે એમણે વાતો મુકી, એમાં મને મજા પડી, આનંદ થયો કારણ કે મારા મનના રિસીવરે જે તે શારીરિક ક્રિયાઓ કે એક્સરસાઈઝ કરતા કરતા પોઝિટિવ વાઈબ્રેશન ઝીલ્યા. આવા પોઝિટિવ વાઈબ્રેશન આપણને ડગલે ને પગલે પ્રાપ્ત થઈ શકે છે, જો આપણે આપણા મનને સ્વસ્થતા અને મક્કમતાથી એમાં જોડીએ તો આમ જ પ્રાપ્ત થતા વિચારો અલપઝલપથી આપણા મનમાં હકારાત્મકના દીવડાં પ્રગટાવે છે અને અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter