પુરુષાર્થ અને સંકલ્પનો સરવાળો એટલે સિદ્ધિનું શિખર

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 11th August 2021 08:14 EDT
 
 

રમતગમતની ઈન્ડોર કે આઉટડોર એવી કેટલીય રમતો વિશે આપણે આજકાલ વાતો સાંભળીએ છીએ. કારણ? જાપાનમાં રમાઈ રહેલી ટોક્યો ઓલિમ્પિક. કોરોના મહામારીના કારણે આ વર્ષે ઓલિમ્પિક યોજાશે કે કેમ? તે વિશે છેવટ સુધી લોકોને ઈંતેજારી હતી, પણ આખરે અહીં આ રમતોત્સવ યોજાયો અને ભારતના ખેલાડીઓએ આપણને આનંદ થાય એટલા મેડલ્સ મેળવ્યા.

મેડલ્સના જે પરિણામો આવી રહ્યા છે એમાં સાવ નાની વયે મેડલ મેળવનારા ખેલાડીઓની સંખ્યા નોંધપાત્ર છે. ટોકિયો ઓલિમ્પિકમાં યુવા ખેલાડીઓએ બાજી મારીને તેમના દેશના જ નહીં, અન્ય દેશોના રમતપ્રેમીઓના પણ દિલ જીત્યા છે.

થોડા ઉદાહરણો પર નજર માંડીએ, આ વર્ષે જ દાખલ કરવામાં આવી છે સ્કેટબોર્ડની રમત. હવે આ રમતમાં જાપાનથી માત્ર ૧૨ વર્ષની (હા, ફરી વાંચો માત્ર ૧૨ વર્ષની) કોકોના હિરાકી નામની ટીનેજરને સિલ્વર મેડલ મળ્યો છે. ઓલિમ્પિક્સના છેલ્લા ૮૫ વર્ષના ઈતિહાસમાં આટલી નાની વયે કોઈ મેડલ જીતનાર ખેલાડી થવાના ગૌરવને સમગ્ર વિશ્વએ વધાવી લીધું.
આ જ રમતમાં ગોલ્ડ મેડલ મેળવનાર વળી જાપાનની જ દીકરી હતી. એસોઝૂમી નામની એ ખેલાડીની ઉંમર માત્ર ૧૯ વર્ષની છે તો આ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર બ્રિટનની સ્કાયબ્રાઉનની ઉંમર ૧૩ વર્ષની છે.
અન્ય રમતોમાં પણ ૧૩ વર્ષની આસપાસની વય ધરાવતા ખેલાડીઓ મેડલ જીત્યા છે. સ્વિમિંગમાં પણ માત્ર ૧૪ વર્ષની ડાઈવરે એક વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
પુત્ર કે પુત્રીના લક્ષણ પારણાંમાં એ કહેવતને સાચી પાડવા જ જાણે આવા રમતવીરોના માતા-પિતા અને એમના દેશના વ્યવસ્થાતંત્ર પોતાની સઘળી ક્ષમતા અને શક્તિ આવા ખેલાડીઓ ઉપર દાવમાં મુકતા હશે. ૧૨-૧૩ વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓએ એમની આ ક્ષેત્રની રમતની તાલીમનો આરંભ વળી ક્યારથી શરૂ કર્યો હશે? અને ઓલિમ્પિક માટેની તાલીમ પણ વર્લ્ડ ક્લાસ જ હોયને! એનો ખર્ચ પણ એવો જ હશેને! આ માટેની તમામ સુવિધા અને સગવડો જે તે દેશ એમને આપતું હશે ત્યારે જ આવી ચમત્કારિક ઘટનાઓ બનતી હશે.
ખેલાડીને બધી સુવિધા મળે એ પછી એની પોતાની એક લક્ષ્યપ્રાપ્તિ માટેની, એક સંકલ્પ પૂરો કરવાની સતત પ્રજ્વલ્લિત જ્યોત પણ બહુ મોટો ભાગ ભજવે છે. આ ઉંમરે બાળકો મોટાભાગે ઈલેક્ટ્રોનિક્સ રમકડાં અને મોબાઈલ સાથે જ સમય પસાર કરે છે ત્યારે આ એવા બાળકો છે જેમના ઉપર સઘળું દાવ પર લગાવનાર માતા-પિતા, કોચ અને દેશને તેઓ ગૌરવ અપાવે છે. ચમત્કારરૂપી આવી ઘટનાઓ બને ત્યારે પુરુષાર્થ ને સંકલ્પ સિદ્ધિના દીવડાં પ્રગટે છે ને અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter